ઉત્તર ગુજરાત વિસ્તારમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય?-૨

ઉત્તર ગુજરાત વિસ્તારમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય?-૨

પાછલા ૪૦ થી ૫૦ વર્ષની સ્થિતિ ઉપર નજર નાખીએ છીએ તો ભૂતકાળમાં જે બળદ અને કોશની મદદથી ખેતી કરતાં ત્યારે કોઇ પણ જાતનું ખર્ચ ખેતી માટે ન્હોતું. ઘરના બળદ, ઘરનું બિયારણ અને પોતાની જાત મહેનત આટલાથી ખૂબ સારી રીતે ગુજરાન ચાલતું અને ઉનાળામાં એકાદ વિઘો રજકો કે રજકા-બાજરી, જુવારનું વાવેતર ઢોર માટે કરતાં અને નવરાને નવરા રહીને મહેમાનગતી માણતાં. દશ-દશ દિવસની મહેમાનગતી કરતાં અને કરાવતાં પણ સમયની તાણ કદીએ ન્હોતી પડતી. પરંતુ હવે આટઆટલી સગવડો, સુવિધાઓ વધી, સાધનો વધ્યાં, ટ્રેકટરો અને બીજા ખેત ઓજારોથી ખેતી કરતાં થયાં તોયે સમયની ખૂબ જ તાણ(ખેંચ) વરતાય છે. પહેલાં દુષ્કાળ પડતાં તો અનાજની તંગી જરૂર વરતાતી, ઘાંસની થોડી તંગી વરતાતી પણ પાણીની તંગી ન્હોતી પડતી. તેની જગ્યાએ હવે આટઆટલાં સાઘનો હોવાં છતાં પણ પાણીની ખેંચ ખૂબ જ વર્તાય છે. એનું કારણ પૈસાની લાલચમાં પાણીને ખેંચીને ધરતી માતાનું હીર ચુસી લીધું તે છે. રહી જતું હતું તે રાસાયણિક દવાઓ અને ખાતરોનો જરૂર કરતાં વધુ ઉપયોગ કરી વધુ પાણીની જરૂરિયાતો વ્હોરી લીધી અને હાઇબ્રીડ બિયારણો અને જંતુનાશક દવાઓને કારણે ખર્ચા વધ્યા. એટલું જ નહીં પણ નવા-નવા રોગોનો પગ પેસારો પણ વધારે થઇ ગયો.

અમે આ બધું કર્યુ ઉદ્યોગોને માટે. ખેડૂતને સબસીડીઓ આપીને મરવાના વાંકે જીવતો રહે અને ઉદ્યોગોના માટે કાચો માલ(રો મટીરીયલ) પૂરો પાડતો રહે તેવી પરિસ્થિતિએ લાવી મૂકયો. પાછલા વર્ષો પર નજર કરતાં લાગે છે કે, અમે જે ઉપર જ પાણી હતાં તેને ખેંચીને પૈસા કર્યા અને તે પૈસાથી મશીનો(ક્રૂડ ઓઇલ એન્જિનો વસાવ્યા) લાવ્યાં અને મશીનોથી વધુ પાણી ખેંચી પાછા પૈસા કર્યા. પાછા પાણી ઉંડા જતાં ઇલેકટ્રીક મોટરો વસાવીને વધુ પાણી ખેંચ્યું. આથી પાણી ખૂબ જ ઊડું જતાં હવે ટયુબવેલ કરીને દેવાં કરીને સબમર્સિબલ પંપો મૂકયાં અને હવે દેવાના બોજતળેથી ઊંચા આવી શકીએ તેમ નથી, કારણ કુદરતમાંથી મફત મળતા પાણીના અમે પૈસા કર્યા અને એ પૈસાનું પાછું પાણી કર્યુ. આમ રેંટ ચાલતો રહ્યો ને હવે આનાથી પાણી તો ઊંડા જશે(અને જશે જ) તો હવે ખેતી કેમ કરવી તે કોયડો ઉકલે તેવો નથી, સિવાય કે નર્મદા જેવી નદીઓનું પાણી દરેક ખેડૂતનાં ખેતર સુધી પહોંચે અને ગ્રીનહાઉસને ડ્રીપ ઇરીગેશન દ્વારા પાણીનો વપરાશ ઘટાડીને વધુ ઉપજ લેવાય. ઓછા પાણીએ વધુ ઉપજ આવે તેવા પાકોનાં સંશોધનો થતાં રહે. ડ્રીપઇરીગેશન કે ફાઉન્ટેશન ઇરીગેશન માટે સરકારે વધુ સબસીડી ૯૦ થી ૯૫ % આપીને ખેડૂતોને ઓછા પાણીએ ખેતી કરવા પ્રોત્સાહિત કરવા જોઇએ. ખેતરોમાં શેઢાપાળા માટે પણ ૮૦ થી ૯૦ % સબસીડી આપીને ખેતરનું પાણી ખેતરમાં રહે, બહાર વહી ન જાય તેમ કરવું જોઇએ. જયાં વધુ પાણી વહી જતું હોય ત્યાં ચેકડેમ બાંધીને પાણીનો સંગ્રહ કરવો જોઇએ. વધુ મદદ કરી ખેત તલાવડીઓ બાંધવા પણ સહાય કરવી જોઇએ.

વળી ખેડૂતોએ પકવેલ પાકોનું પ્રોસેસીંગ ગામડા લેવલે થાય અને ખેડૂતોનો માલ બગડે નહીંં. વચેટીયા ઓછા થઇ માલ સીધો વાપરનારના હાથમાં પહોંચે તેવી ગોઠવણ થવી જોઇએ. જેથી કરીને પાણીનો બગાડ ઓછો થાય અને ખેડૂતનું જીવન ધોરણ પણ ઊચું આવે. હાલતો ખેતીની ઉપજમાંથી અવસરો કાઢવા, ગુજરાન ચલાવવું, છોકરાને ભણાવવા અને સમાજમાં પ્રતિષ્ઠા સાથે ટકી રહેવું ખેડૂત માટે મુશ્કેલ છે. સરકારે અને ઉદ્યોગપતિઓએ પણ સમજવા જેવું છે કે, ખેડૂત અને ખેતી નહીં હોય તો લાંબાગાળે ઉદ્યોગો પણ નહીં રહે. પાણી વિના ઉદ્યોગો પણ પડી ભાંગશે માટે પાણીનો જતનથી ઉપયોગ થાય તે માટે સરકારશ્રી સાથે ઉદ્યોગોએ પણ મદદ કરવી જોઇએ. નહીંતર હવે પાણીના પૈસા કરીને પછી પૈસાનું પાણી કરતાં કરતાં ખેડૂત થાકી ગયો છે અને પાણી પણ થાકયું છે, તો હવે દરેકે જાગવાનો સમય આવી ગયો છે. મારા ખેતરમાં જે તળાવ હતું અને બારેમાસ પાણી રહેતું હતું તે છેલ્લા ૨૦ વર્ષથી સુકાઇ ગયું છે અને આજે એમાં પણ ખેતી થાય છે. વરસાદ એટલો વરસતો નથી કે એ તળાવ ભરાય. કોઇ સાલ વધુ વરસાદ થાય અને તળાવ ભરાય તો આઠ દિવસમાં તો પાણી જમીનમાં ઉતરી જાય છે. પાણી હવે ભરાઇ રહેતું નથી. વળી જે કૂવામાં ચોમાસામાં ઉપર પાણી છવાઇ જતું હતું તેવું હવે થતું નથી. કોઇ વર્ષે સારો વરસાદ આવે અને કૂવા ઉપર પાણી ભરાઇ જાય તો બીજા દિવસે જ તળીયું દેખાઇ જાય છે. કારણ હમણાં અમારા ગામે પાણીનાં લેવલ ૫૦૦ ફૂટે છે અને બીજા ગામોમાં તો ૮૦૦ થી ૧૦૦૦ ફૂટે છે. આતો મેં મારા ગામની વાત કરી પણ અમારા આખાયે પંથકમાં આનાથી પણ વીકટ પરિસ્થિતિ છે. અમારા આખાએ ઉત્તર ગુજરાતની પરિસ્થિતિ આવી જ છે. અમે મહેસાણા જિલ્લામાં જે પાણીના પૈસા અને પૈસાનું પાણી કર્યુ તેવું હાલ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓ પણ કરી રહ્યા છે.

અમારા ગામે સુજલામ સુફલામની નહેરનું પાણી ગયા વર્ષથી શિયાળુ સીઝનમાં અપાય છે. તેથી પાક તો થાય જ છે, પણ ટયુબવેલોમાં જયારે ટયુબવેલ બંધ હોય ત્યારે ઉપરનું પાણી નીચે વેલમાં પડતું સંભળાય છે. તેથી નર્મદાનું પાણી જમીનમાં રીચાર્જ થાય છે એમ જણાય છે.

વિનીત કુંભારાણા
Path Alias

/articles/utatara-gaujaraata-vaisataaramaan-bhauugarabhajala-vayavasathaapana-kaevai-raitae-karai-0

Post By: vinitrana
×