ગુજરાત રાજયની જળ સંપત્તિ (૧)

જીવસૃષ્ટિ માટે પાણી અનિવાર્ય કુદરતી સ્રોત છે. પાણી વગર જીવન અશકય છે એ હવે સર્વ સામાન્ય વાત છે. પાણી વગર જીવન કઠિન છે. આથી જ કુદરતે વસુંધરા ઉપર અનેક સ્થળે, અનેક રીતે કુદરતી જળસ્રોતોની રચના કરી છે. કુદરતી જળસ્રોતો ગુજરાત રાજયમાં અન્ય રાજયોની સરખામણીમાં ઓછા છે અને કચ્છ જેવા જિલ્લામાં તો નહિવત કહી શકાય એટલા કુદરતી જળસ્રોતો છે. ગુજરાત રાજયની આર્થિક સ્થિતિ વધુ મજબૂત થાય એ માટે આવા કુદરતી સ્રોતોનું સંરક્ષણ અતિ મહત્વનું છે. છેલ્લા કેટલાક સમયથી પર્યાવરણમાં થઇ રહેલા ફેરફારો, અપૂરતો અને અનિયમિત વરસાદની સામે ઝડપથી વધી રહેલા ઓદ્યોગીકરણ તથા વસતી વધારાના કારણે કુદરતી જળસ્રોતો-ભૂગર્ભજળ, વરસાદી પાણી વગેરેનો વપરાશ વધી રહ્યો છે. આ વપરાશની સામે ભૂગર્ભજળને રિચાર્જ કરવાની કામગીરીના અભાવે આવા જળસ્રોતો હવે દિવસે ને દિવસે ઘટીને ઊંડા ઉતરતાં જાય છે. ગુજરાત રાજયના વિવિધ પ્રાંતમાં કુદરતી જળસ્રોતોની વહેચણી ભૌગોલિક વૈવિધ્યને કારણે અસમાન છે. આવા સંજોગોમાં આ કુદરતી જળસ્રોતોનો કાર્યક્ષમ ઉપયોગની સાથે તેની નિયમિત જાળવણી અનિવાર્ય બની જાય છે. બીજી મહત્વની વાત એ છે કે, જયાં કુદરતી જળસ્રોતો ઓછા હોય ત્યાં સપાટીય સ્રોતોનું મહત્વ આપોઆપ વધી જાય છે.

ગુજરાત રાજયની જળસંપત્તીની વાત કરીએ તો, ગુજરાત રાજયને ચાર વિભાગમાં વહેચી નાખવામાં આવેલું છે: ૧. દક્ષિણ અને મધ્ય ગુજરાત એટલે કે, સાબરમતિ નદીથી દક્ષિણ તરફનો ભાગ, ૨. ઉત્તર ગુજરાત, ૩. સૌરાષ્ટ્ર અને ૪.કચ્છ. રાજયના કુલ વાર્ષિક વરસાદનો ૯૫% વરસાદ દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી આવતાં મૌસમી પવનોને કારણે જુનથી સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન પડે છે. સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ પડે છે જયારે કચ્છ વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ પડે છે. ગુજરાત રાજયનો ૨/૩ વિસ્તાર ખડકાળ સ્તરવાળો અને ૧/૩ વિસ્તાર કાંપના સ્તરવાળો છે. ગુજરાત રાજયમાં કુલ ૧૮૫ નદીઓ આવેલી છે જેમાંથી ૧૭ નદીઓ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં, ૭૧ નદીઓ સૌરાષ્ટ્રમાં અને ૯૭ નદીઓ કચ્છમાં આવેલી છે. ગુજરાત રાજયમાં પાણીના કુલ જથ્થાના સાપેક્ષમાં ૭૧.૪૦% દક્ષિણ ગુજરાતમાં, ૧૦.૬૦% ઉત્તર ગુજરાતમાં, ૧૫.૮૦% સૌરાષ્ટ્રમાં અને ૨.૨% કચ્છમાં ઉપલબ્ધ છે. આ આંકડાઓને વિગતવાર જોઇએ તો, દક્ષિણ ગુજરાતમાં ભૂગર્ભજળ સંપત્તિ ૩૯૫૦¢૧૦૬ ઘનમીટર અને સપાટીય જળસંપત્તિ ૩૧૭૫૦¢૧૦૬ ઘનમીટર છે. ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભજળ સંપત્તિ ૩૩૦૦¢૧૦૬ ઘનમીટર અને સપાટીય જળસંપત્તિ ૨૦૦૦¢૧૦૬ ઘનમીટર છે. સૌરાષ્ટ્રમાં ભૂગર્ભજળ સંપત્તિ ૪૩૦૦¢૧૦૬ ઘનમીટર અને સપાટીય જળસંપત્તિ ૩૬૦૦¢૧૦૬ ઘનમીટર છે જયારે કચ્છમાં ભૂગર્ભજળ સંપત્તિ ૪૫૦¢૧૦૬ ઘનમીટર અને સપાટીય જળસંપત્તિ ૬૫૦¢૧૦૬ ઘનમીટર છે.

કચ્છના સંદર્ભમાં વાત કરીએ તો, છેલ્લા પચ્ચીસ વર્ષોમાં કુવા/બોરવેલની સંખ્યામાં ૧૫૮ ટકાનો વધારો થયો છે. ભુજ જેવા શહેરોનું પીવાનું અને ઘરવપરાશનુ ૯૩ ટકા પાણી ભૂગર્ભજળ દ્વારા લેવામાં આવે છે. જીવન અને વિકાસ ભૂગર્ભજળ ઉપર આધારિત હોવા છતાં તેના વિશેના જ્ઞાન અને ઊંડી સમજણનો સદંતર અભાવ જોવા મળે છે. આથી ભૂગર્ભજળના શોષણને નિયંત્રણમાં લેવામાં આવતા પગલાઓ અસરકારક બની શકતા નથી. પ્રવર્તમાન સમયમાં ભૂગર્ભજળસ્રોતોનું વ્યવસ્થાપન અત્યંત જરૂરી છે. ભૂગર્ભજળસ્રોતોની માલિકી જે-તે વિસ્તારોના રહેવાશીઓની હોય છે એટલે તેના વ્યવસ્થાપનમાં દરેક રહેવાશીઓની સહભાગીદારી થવી પણ જરૂરી બની જાય છે.

ગુજરાત રાજયનો સિંચાઇ કરી શકાય તેવો વિસ્તાર ફકત ૩૫.૯૭ ટકા જ છે. રાજયની મોટાભાગની ભૂગર્ભજળ સંપત્તિ ૧/૩ વિસ્તાર પૂરતી સીમિત છે. બીજી તરફ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૂરેન્દ્રનગર જિલ્લો અને કચ્છપ્રદેશના કેટલાક વિસ્તારોમાં પડતાં અપૂરતા અને અનિયમિત વરસાદને કારણે વારંવાર અનાવૃષ્ટિનો ભોગ બનવું પડે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં જળ સંપત્તિ અપૂરતી અને મર્યાદિત હોવાને કારણે દર બે કે પાંચ વર્ષે અનાવૃષ્ટિ કે અછતનો સામનો કરવો પડે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં બારમાસી નદી ન હોવાને કારણે સપાટીય જળ પૂરતી માત્રામાં ઉપલબ્ધ થતું નથી. આથી કૃષિ, ઉદ્યોગો અને ઘરવપરાશના પાણી માટે ભૂગર્ભજળના સ્રોતોને મુખ્ય આધાર તરીકે લઇ તેનું બેફામ શોષણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રદેશોમાં ભૂગર્ભજળના પુન:પ્રભરણ(અનુશ્રવણ, રિચાર્જ) કરતાં વધુ ઉપયોગ થતો હોવાને કારણે દર વર્ષે ભૂગર્ભજળ સપાટી ૩ થી ૫ મીટરના દરે ઘટી રહી છે. ભૂગર્ભજળ વધુ ને વધું ઊંડા જવાથી વિદ્યુતનો વપરાશ પણ વધી રહ્યો છે. રાજયના કુલ વિદ્યુત વપરાશના આશરે ૪૦ ટકા જેટલો વિદ્યુત વપરાશ ફકત ભૂગર્ભજળના ખેંચાણમાં વપરાય છે. ભૂર્ગભજળ સ્રોતો ઊંડા જતાં દરિયાકિનારાના વિસ્તારોમાં આવેલા ભૂગર્ભજળ સ્રોતોમાં દરિયાના ખારા પાણીનું અતિક્રમણ થતાં ભૂગર્ભજળની ગુણવત્તા પણ ઉત્તરોત્તર બગડતી જાય છે. એ વિસ્તારોમાં આવેલી જમીનની ફળદ્વુપતામાં પણ ઘટાડો થઇ રહ્યો છે.

Path Alias

/articles/gaujaraata-raajayanai-jala-sanpatatai-1

Post By: vinitrana
×