આપનું વિશ્વ અને પાણી-2

વર્ષ ૨૦૧૨ના વિશ્વ જળ દિવસની થીમ વોટર એન્ડ ફૂડ સિકયુરિટી છે. થીમની કેચલાઇનમાં દર્શાવેલું છે કે, વિશ્વ તરસ્યું છે કારણે કે આપણે ભૂખ્યા છીએ. સરસ વાત લખી નાખી છે એક જ લાઇનમાં! આપણી પાણી મેળવવાની ભૂખ હજુ પણ પ્રજવલ્લિત છે. પાણીની ભૂખનો જવાળામુખી હજુ શાંત થયો નથી. આજે સ્થિતિ એવી છે કે, લોકોને પાણી એકદમ હાથવગું જોઇએ છીએ. આવી રીતે પાણી મેળવી લેવાની લાહ્યમાં પૃથ્વીની હાલત ચારણી જેવી થઇ ગઇ છે. બોરવેલની ટેકનોલોજિ સારી છે એની ના નહી પણ કહેવત છે કે અતિની ગતિ નહી. આપણે આજે ભૂગર્ભજળ મેળવવા માટે એટલા ઊંડા ઉતરી ગયા છીએ કે, ભવિષ્યમાં ભૂતળમાં દરિયાના ખારા પાણી ઘુસી આવવાની પૂરેપૂરી સંભાવના છે. આ બાબતનો પૂરાવો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા ગામો છે. આજની તારીખે એ ગામોના ભૂગર્ભજળના સ્રોતોમાં દરિયાના ખારા પાણી આવી ગયા છે અને દિવસેને દિવસે આ સમસ્યા વકરતી જાય છે. આ સમસ્યાને કાબુમાં લેવાના પગલાઓ લેવામાં નહી આવે તો એક અંદાજ પ્રમાણે પરિસ્થિતિ એવી નિર્માણ થશે કે દરિયાકાંઠાથી દૂર વિસ્તારમાં પણ બોરવેલ કરવામાં આવે તો પણ તેમાંથી ખારૂં પાણી પ્રાપ્ત થશે.

આ વર્ષે વિશ્વ જળ દિવસની થીમમાં પાણીની સાથે ખોરાકને જોડવામાં આવેલું છે. આ એક અગત્યનો મુદો છે. વિશ્વમાં પાણીને બે પ્રકારે ઓળખવામાં આવે છે ગ્રીન વોટર અને બ્લુ વોટર. આપણે જાણીએ છીએ કે, ખોરાક ખેતીના પાક ઉત્પાદન દ્વારા મળે છે અને તેના માટે જમીનની સાથે પાણીની જરૂરિયાત રહે છે. આ પાણી વરસાદ(ગ્રીન વોટર) અને નદી, તળાવો વેટલેન્ડસ અને એકિવફર(બ્લુ વોટર) દ્વારા પ્રાપ્ત થાય છે. સમગ્ર વિશ્વમાં ખેતીમાં ૭૦% બ્લુ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વમાં ખેડી શકાય તેવી જમીનમાંથી ૨૦% જમીન પિયતખેતીની છે જે વિશ્વના ૪૦% ખોરાક માટેના ઉત્પાદનો રળી આપે છે. આની સામે તળાવો અને વેટલેન્ડસના પાણીમાંથી પણ ફૂડ સિકયુરિટી મળે છે. જો આવા તળાવો કે વેટલેન્ડસનું પાણી ખેત ઉત્પાદન માટે વાપરી નાખવામાં આવે તો તેમાંથી મળતી ફૂડ સિકયુરિટી નષ્ટ પામે!

ખોરાક સાથે પાણી અન્ય રીતે પણ જોડાયેલું છે. ઉદાહરણ જોઇએ તો યુ. એન.ના અહેવાલ પ્રમાણે એક કપ ચા બનાવવા માટે ૩૫ લિટર પાણીની જરૂરિયાત રહે છે. વાત અસ્વભાવીક લાગે પણ સાચી છે કારણ કે, અહીં ફકત ચા બનાવવા માટે વપરાતાં પાણીની વાત નથી પણ એક કપ ચા બનાવવા માટે વપરાતી ચાની ભૂકીનું ઉત્પાદન કરવા તેમજ તેના પ્રોસીંગમાં વપરાતાં પાણીની સાથે ચા બનાવવાથી લઇને ચા પીધા બાદ કપ-રકાબી ધોવાની પ્રક્રિયા સુધી વપરાતા પાણીની વાત કરવામાં આવી રહી છે. કોણ, કયાં, કેવી રીતે પાણી વાપરી રહ્યું છે એ ઊંડાણપૂર્વક જોવાનું શરૂ કરવું પડશે તો જ આપણને ખ્યાલ આવશે કે, કયાં બીન જરૂરી પાણીનો વપરાશ થઇ રહ્યો છે.

દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ભારતવર્ષમાં વાર્ષિક ભૂગર્ભજળના ખેંચાણનો દર ખૂબ જ વધારે છે અને આ પ્રકારનું ભૂગર્ભજળનું શોષણ પાણીના સ્તરને સતત નીચું લઇ જાય છે. વર્ષ ૨૦૦૫ના વર્લ્ડ બેન્કના હેવાલ પ્રમાણે જો પાણીના વ્યવસ્થાપન અંગેની પોલિસીમાં ફેરફાર કરવામાં નહી આવે તો આવનારા બે દાયકા બાદ પાણીની ખૂબ જ તંગી હશે. અહી પાણીના સંદર્ભમાં અર્થતંત્રને સમજવાની જરૂર છે. જેટલું પાણી મળી શકે છે એ પ્રમાણે તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવાથી પાણીનો બચાવ થઇ શકે, એ માટે શહેરોમાં દરેક વ્યકિતએ પાણીનો ઉપયોગ કરવાની પોતાની ટેવને બદલવાની જરૂર છે. જયાં એક લોટા પાણીથી કાર્ય સંપન્ન થઇ શકતું હોય ત્યાં એક બાલટી પાણી બગાડવાની જરૂર નથી. આ જાતનો અભિગમ અપનાવવામાં આવે તો શહેરોમાં પાણીની તંગીને મહદઅંશે ઓછી કરી શકાય. આ માટે કોઇ બાહ્યશકિત નહી પણ ફકત આંતરિક મક્કમ મનોબળની જરૂર છે જે કદાચ દરેક સમજદાર વ્યકિત કેળવી શકે!

વિનીત કુંભારાણા
Path Alias

/articles/apanaun-vaisava-anae-paanai-2

Post By: vinitrana
×