વરસાદી પાણીનો સંગ્રહ

પાણી બાબતે સ્વાવલંબન મેળવવાની પરંપરાગત પદ્ઘતિ


પાણી એ આપણને જીવન આપ્યું છે અને આજે આપણે જીવનનિર્વાહ માટે પાણી મેળવવા વલખાં મારી રહ્યા છીએ. અગાઉના સમયમાં શ્રેષ્ઠીઓ પાણીના પરબ બંધાવતા હતા જયારે આજે પાણી બાબતે કયારેક લોકો એકબીજા સાથે ઝઘડા પણ વહોરી લે છે.

પાણીની કિંમત બધા લોકો જાણે છે. બધાને ખબર છે કે, પાણી નહીં હોય તો જીવન શકય નથી, પણ, આ પાણીને કેવી રીતે સાચચવું એ બાબતે લોકોમાં જાગૃતિ આવી છે પણ હજુ તેમાં વધુ પ્રયત્નો કરવાની જરૂર છે. શહેરમાં વસતા નાગરિકો એવું માને છે કે, પાણી અંગેની ચિંતા આપણે નહી પણ તંત્રએ કરવાની છે. આ વિચારધારા ખોટી કહી શકાય. ખોટી એટલા માટે કહી શકાય કે, પાણીની જરૂરિયાત આપણને છે માટે એ બાબતે સ્વાવલંબન મેળવવું એ આપણી નૈતિક ફરજનો એક ભાગ છે.

પાણી બાબતે સ્વાલંબન કેવી રીતે મેળવી શકાય?....જવાબ સ્પષ્ટ છે-જેણે જીવન આપ્યું છે એ જ કુદરતી શકિત આપણને વિપુલ પ્રમાણમાં પાણી આપે છે પણ આપણે તેનો યોગ્ય રીતે સંગ્રહ કરતાં નથી. વરસાદ...પ્રભુની પ્રસાદી છે અને આ પ્રસાદીને આપણે સંગ્રહ કરવાને બદલે વેડફી નાખીએ છીએ. દરેક ક્ષેત્રની કુદરતી લાક્ષણિકતા પ્રમાણે યોગ્ય માત્રામાં પૂરતો વરસાદ મળી રહે છે. એ વરસાદી પાણીને કેવી રીતે સંગ્રહ કરવો એ અંગેની જાગૃતિ જે-તે વિસ્તારના લોકોમાં હોવી જરૂરી છે.કચ્છપ્રદેશની વાત કરીએ તો વરસાદ તો આપણે ત્યાં થાય છે પણ એ વરસાદને સંગ્રહ કરવા માટેના 'ઠામ' પણ હોવા જરૂરી છે. આપણા કચ્છપ્રદેશના આ ઠામ એટલે આપણા જળ સંગ્રહના સ્થાનો જેમાં તળાવો પણ આપણી સાંસ્કૃતિક વિરાસત છે. તળાવો કે જે વર્ષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા હતા પણ આજે આપણે કેટલાક કારણોસર આવા મહામૂલા ઠામો તરફ ઉદાસીન બન્યા છીએ.

તળાવો આપણી સંસ્કૃતિ છે અને જે પ્રદેશમાં સંસ્કૃતિની જાળવણી થતી નથી એ પ્રદેશના વિકાસની ગતિ પણ મંદ પડી જાય છે. વરસાદી પાણીનો સંગ્રહ તળાવોમાં થશે તો ભૂતળમાં પાણી રિચાર્જ થશે અને આ રિચાર્જ થયેલું પાણી આપણે કૂવા-બોરવેલ દ્વારા મેળવી શકીશું. આપણા કૂવા-બોરવેલ સતત જીવંત રહે એ માટે તળાવો જીવંત રહેવા જરૂરી છે.

જેઠ સુદ ૧૧, નિર્જલા એકાદશી, ભીમ અગિયારશ....એટલે વર્ષાની છડી પોકારતો દિવસ...! ભીમ અગિયારશના દિવસે અચૂક વરસાદ પડે અને ધરતી ઉપર મહાલતો માનવી તેને કુદરતનો સંકેત સમજીને વર્ષા ઋતુ શરૂ થઇ છે એવું અનુમાન લગાવે. આજના પ્રદૂષિત પર્યાવરણને કારણે આ કુદરતી પ્રક્રિયામાં વિક્ષેપ પડયો છે એમ કહી શકાય. ઋતુચક્રમાં ફેરફાર થઇ રહ્યા છે. કોણ જવાબદાર છે ? જવાબ આપણને ખબર છે પણ કોઇ જવાબદારી લેવા તૈયાર નથી.

આપણી લોકસંસ્કૃતિ પણ કુદરત સાથે સંકળાયેલી છે. ભીમ અગિયારશ આવે એટલે જળસંગ્રહના સ્થાનો અને જળસ્રોતોની સાફ-સફાઇ કરવામાં આવે...પરંપરાગત સંસ્કૃતિનું શહેરીકરણ અને વિકાસના વાયરામાં છેદન થતું જોવા મળે છે.

જે પ્રદેશમાં વરસાદ ઓછો પડતો હોઇ ત્યાં સપાટીય જળસ્રોતોનું મહત્વ આપોઆપ વધી જાય છે. ભુજ શહેરની જ વાત લઇએ તો કચ્છ-ભુજના ભૌગોલિક સ્થાન પ્રમાણે અહી ઓછો વરસાદ પડે છે, પણ વરસાદ પડે છે. જેટલો વરસાદ પડે છે એ વરસાદી પાણીને રોકી તેનો સદ્‌ઉપયોગ કરવા માટે ભુજ શહેરની આસપાઅ ૪૩ તળાવો આવેલા છે. આ તળાવો ભુજ શહેરના સેન્ડસ્ટોનને રિચાર્જ કરે છે. ભુજ જેવા નાના શહેર માટે વરસાદી પાણી કેટલું મહત્વનું છે તે આ તળાવોની સંખ્યા ઉપરથી જાણી શકાય છે.જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ અને એકટ સંસ્થા દ્વારા આ તળાવોના નવીનીકરણ કરવાની પ્રક્રિયાઓ જે-તે વિસ્તારના સંલગ્ન નાગરીકોને સાથે રાખીને શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આઠ તળાવોની સુધારણા કરવામાં આવી છે જયારે અન્ય તળાવોની સુધારણા પણ ભવિષ્યમાં કરવામાં આવશે અને હા, સ્થાનિક તંત્ર પણ આ કાર્ય માટે સતત કાર્યરત છે.

તળાવોની સુધારણા બાદ લોકો પોતાની નૈતિક ફરજને યાદ રાખે એ માટે પરંપરાગત સંસ્કૃતિના પુન:સ્થાપન માટે જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ અને એકટ સંસ્થા દ્વારા ભીમ અગિયારશના દિવસે જલ પેડી અને જલ યાત્રાનો કાર્યક્રમ સ્થાનિક તંત્રને સાથે રાખીને કરવામાં આવેલો હતો જેનો વિશેષ અહેવાલ આ અંકમાં આપવામાં આવેલો છે. આપણી સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં બાળકોને અત્યારથી જ પાણી પ્રત્યે સંવેદનશીલ બનાવવા માટે વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરી શકાય તેની માહિતી આપવામાં આવી હતી. આજનું બાળક આવતીકાલનો નાગરીક છે એટલે આજે તેમના માનસમાં પાણી પ્રત્યેની તેમની નૈતિક જવાબદારીઓના બીજ રોપવામાં આવે તો એ જયારે નાગરીક બને ત્યારે એ બીજનું એક વટવૃક્ષ તૈયાર થશે અને પાણીની મુશ્કેલીઓ અંગેનો પ્રાણ પ્રશ્ન હળવો થઇ શકશે...!

વિનીત કુંભારાણા
Path Alias

/articles/varasaadai-paanainao-sangaraha

Post By: vinitrana
×