વરસાદી પાણીના સંગ્રહનો પરંપરાગત સ્રોત પગથીયાવાળી વાવ

વડોદરા શહેરમાં સુરસાગર તળાવ ઉપરાંત આજવા તળાવ, સેવાસી વાવ અને નવલખી વાવ પણ પાણી સંગ્રહ માટે જાણીતા સ્થળો છે. ઇ.સ. ૧૮૮૨માં વડોદરા શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થા સાંકડી નહેર દ્વારા કરવામાં આવેલી હતી. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ જગન્નાથ સદાશીવ નામના એન્જિનિયરને વડોદરા શહેર માટે પીવાના પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવા અંગે કહ્યું હતું. એ સમયે બ્રટીશરો નર્મદા અને મહી નદીનું શોષણ કરતાં હતા. જગન્નાથ સદાશીવે પીવાના પાણીની વ્યવસ્થા થઇ શકે એવી જગ્યાની શોધખોળ કરી અને ઇ.સ. ૧૮૮૫ના જાન્યુઆરી મહિનામાં આજવા ગામની નજીક ખોદકામ શરૂ કરાવ્યું હતું. આજવા ગામ નજીક તેમણે ૫.૬ કિ.મી લાંબો, ૧૫ ફૂટ પહોળો અને ૫૬ ફૂટ ઊંડો એક ડેમ બનાવ્યો હતો. આ ડેમ વડોદરા શહેરથી ૨૦ કિ.મી દૂર સૂર્યા અને વાઘલી નુલ્હા નદીના વહેણ ઉપર બનાવવામાં આવેલો છે. આ ડેમનું આવક ક્ષેત્ર ૮.૮ ચો.કિ.મી. છે. નીમેટા ફિલ્ટ્રેશન પ્લાન્ટમાં પાણીને ફિલ્ટર કરીને કુદરતી ઢાળનો ઉપયોગ કરી ૩૦ ઇંચની મુખ્ય પાઇપલાઇનથી શહેરને પીવાનું પાણી પુરું પાડવામાં આવે છે. આખા પ્રકલ્પનો કુલ ખર્ચ રૂપિયા ૩૪ લાખ થયો છે. ડેમ પાસે રચાયેલા તળાવને આજવા તળાવથી ઓળખવામાં આવે છે. ઇ.સ. ૧૮૯૦માં આ સરોવરમાંથી ગ્રેવિટી દ્વારા પાણી વડોદરા શહેરના પૂર્વીય વિસ્તારમાં પહોચાડવામાં આવ્યું હતું. જાહેરમાં મુકવામાં આવેલા નળ દ્વારા લોકો પાણી મેળવતાં થયા હતા. સમયની સાથે આ વ્યવસ્થા બંધ કરીને આજે ઘરે-ઘરે પાણી પહોચાડવામાં આવે છે. વડોદરા શહેરના આશરે ૧૭ લાખ લોકોને સાડા સાત કરોડ ગેલન પીવાનું પાણી વડોદરા મહાનગર સેવાસદન દ્વારા પુરું પાડવામાં આવે છે. આજવા સરોવરમાંથી વડોદરા શહેરને વર્ષો સુધી ૩૦% પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હતું. આજે કુલ માગના ૫૦% પાણી પૂરું પાડવામાં આવે છે.

આ સરોવરને આશરે ૧૧૩ વર્ષ જુનું માનવામાં આવે છે. આ સરોવરના નિર્માણમાં સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનો બહુમૂલ્ય ફાળો હોવાથી તેને સયાજી સરોવરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સરોવરની પાસે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વૃંદાવન બાગનું આયોજન કરવામાં આવેલું છે જે મૈસુરના વૃંદાવન બાગની 'રેપ્લિકા' છે. મૈસુરના વૃંદાવન બાગની જેમ જ સંગીતમય રંગબેરંગી ફૂવારા આ બાગનું ખાસ આકર્ષણ છે. આ સંગીતમય રંગબેરંગી ફૂવારાઓનું રમણીય દ્રશ્ય જાહેર જનતા માણી શકે એ માટે દર શનિવાર, રવિવાર અને સોમવારે તે ચાલુ કરવામાં આવે છે.

પગથીયાવાળી વાવ વરસાદી પાણીના સંગ્રહ માટેનો પરંપરાગત સ્રોત કહેવાય છે. વાવને અંગ્રેજીમાં સ્ટેપ વેલ, હિન્દીમાં બાવડી અને કચ્છીમાં સેલોર વાવ કહેવામાં આવે છે. વાવ કુવાનો જ એક પ્રકાર છે. જમીનમાં ખૂબ જ ઊંડાઇએ મુખ્ય કુવો ખોદવામાં આવે એ બાદ આ કુવાને પગથીયા વડે જમીન સપાટી સુધી જોડવામાં આવે છે. બીજા શબ્દો એમ કહી શકાય કે, કુવાના પાણી સુધી પગથીયા દ્વારા પહોચી શકાય એવી રચનાને વાવ કહેવામાં આવે છે. વાવની આસપાસ પરિસર બાંધવામાં આવેલું હોય છે જેને કારણે વાવનું પાણી સુરક્ષિત રહે છે. મોટેભાગે વાવના પરિસરમાં ઉત્કૃષ્ટ શિલ્પકળા કોતરણી દ્વારા જોવા મળે છે. કેટલીક વાવમાં સીધા પગથીયા દ્વારા વાવના પાણી સુધી પહોચી શકાતું હોય છે જયારે અમુક વાવમાં એપાર્ટમેન્ટની માફક માળની રચના કરવામાં આવેલી હોય છે. અમુક વાવમાં એવી ગોઠવણ કરેલી હોય છે કે, બળદની મદદથી ચક્ર વડે વાવના પાણીને છેક ઉપર સુધી ખેંચી શકાય છે.

સામાન્ય રીતે પશ્ચિમ ભારતમાં ઘણી જગ્યાએ વાવ જોવા મળે છે. ખાસ કરીને જે જગ્યાએ વધુ ઊંડાઇએ ભૂગર્ભજળ મળી શકતું હોય તેવા શુષ્ક કે અર્ધશુષ્ક વિસ્તારોમાં વાવનું પ્રમાણ વધારે હોય છે. વાવનું નિર્માણ પાણી સરળતાથી મળી રહે અને સંગ્રહ થઇ શકે એ માટે કરવામા આવેલું હોય છે પણ વાવ મહત્વપૂર્ણ સ્થાપત્ય બને અને વ્યકિત કે રાજયની ઓળખ બની રહે એ પ્રકારે તેનું બાંધકામ વિશિષ્ટ રીતે કરવામાં આવે છે.

[img_assist|nid=47355|title=SEVASI VAAV|desc=|link=none|align=left|width=136|height=181]વડોદરા શહેર પાસે આવેલી સેવાસી વાવ તેના અતૂલ્ય બાંધકામ માટે વિખ્યાત છે. સિંધરોત તરફ જવાના રસ્તે મહી નદીની કોતરમાં સેવાસી વાવ ૧૬ મી સદીના સુલતાન મહેમુદ બેગડાના સમયની આશરે ૫૦૦ વર્ષ જુની અને સુંદર કોતરકામવાળી વાવ છે. દુકાનોની હારમાળા વચ્ચે આ અમૂલ્ય સાંસ્કૃતિક વારસો વિસરાય રહ્યો છે. સેવાસી ગામમાં વિદ્યાધર નામના આધ્યાત્મીક ગુરુ રહેતા હતા. ગામલોકો તેને અહોભાવથી પૂજતાં હતા. તેમના અવસાન બાદ તેના સ્મારક તરીકે આ સેવાસી વાવનું બાંધકામ કરવામાં આવેલું છે. વાવનું બાંધકામ કરવા માટે નાણાની જોગાવઇ એ સમયે રાજયની તિજોરીમાંયી કરવામાં આવેલી હતી. વાવના બાંધકામની વિશેષતા એ છે કે, તેમાં સિમેન્ટનો ઉપયોગ કર્યા વગર ફકત લંબચોરસ પથ્થરોથી સાત માળ બનાવવામાં આવેલા છે. પથ્થરો પૂર્વ-પશ્ચિમ દિશામાં ગોઠવવામાં આવેલા છે જે છેક તળિયા સુધી સાત માળની રચના કરે છે. વાવના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે દેવનાગરી લિપીમાં વાવનું નામ લખવામાં આવેલું છે. મુખ્ય પ્રવેશ દ્વારમાં જ ડાબી બાજું બે વાઘ અને જમણી બાજું બે હાથીનું કોતરકામ કરવામાં આવેલું છે. વાવના બીજા માળમાં પર્ણના આકારોની સાથે વિવિધ શિલ્પો મુકવામાં આવેલા છે જયારે વાવની અમુક દિવાલો ઉપર એ સમયના ધાર્મિક તહેવારો ઉજવી રહેલા પ્રજાજનોને કોતરણીના સ્વરૂપમાં મુકવામાં આવેલા છે.સેવાસી વાવની દંતકથાને સાચી માનીએ તો પૂનમી રાતે સોનાના દાગીનાથી શણગાર સજીને યુવાન કન્યાઓ પોતાના કુટુંબની સમૃદ્ઘિ માટે સેવાસી વાવમાં બલિદાન આપતી હતી.

નવલખી વાવ લક્ષ્મી વિલાસ પેલેસના કમ્પાઉન્ડમાં આવેલી છે. વડોદરા શહેરમાં ગુર્જર રાજવીઓની આજે આ એક માત્ર પગથીયાવાળી વાવ નષ્ટ થતાં બચી ગયેલી જોવા મળે છે. વાવ ઉપર ધાતુની નકશીદાર તકતી ઉપરથી કહી શખાય છે કે, આ વાવ ૧૫ મી સદીમાં સુલતાન મુઝફર શાહના વખતમાં બનાવવામાં આવેલી છે. રમેશ જોષી નામક ઇતિહાસવિદ પુસ્તક 'ઇમારત અને અવશેષો-વડોદરા નગરીનો પ્રાચીન ઇતિહાસ' મુજબ વાવના સૌથી નીચેના માળમાં બ્રાહ્મી લિપીમાં લખેલું છે કે, ગુર્જર વંશના રાજા અને મહારાજા દાધ(પ્રથમ)ના જમાઇ સુર્યરાજ કલચુરીએ આ વાવનું બાંધકામ કરાવેલું હતું. આ વાવના બાંધકામ માટે નવલાખ સોનાના સીક્કાનો ખર્ચ થયો હોવાથી તેનું નામ નવલખી વાવ રાખવામાં આવેલું હતું. સુલતાન મુઝફર શાહના વખતમાં આ વાવ ફરીથી જીવંત કરવામાં આવેલી હતી.

વિનીત કુંભારાણા
Path Alias

/articles/varasaadai-paanainaa-sangarahanao-paranparaagata-saraota-pagathaiyaavaalai-vaava

Post By: vinitrana
×