વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરી શકાય તેવું પાટણનું સહસ્ત્રલિંગ તળાવ

અણહિલવાડ પાટણનું પ્રાચીન શહેર જે ચાવડા વંશના પ્રથમ રાજા વનરાજ ચાવડા દ્વારા સ્થાપવામાં આવેલું હતું. એવી દંતકથા છે કે, વનરાજ ચાવડાનો એક બચપણનો મિત્ર હતો જેનું નામ અણહિલ હતું. આ અણહિલ દ્વારા દર્શાવેલી જગ્યાએ વનરાજ ચાવડાએ પાયો સ્થાપ્યો હતો અને બચપણના મિત્ર અણહિલના નામ ઉપરથી શહેરનું નામ અણહિલવાડ રાખેલું હતું. ઇ.સ. ૭૪૬ થી ૧૪૧૧ સુધી એમ કુલ ૬૫૦ વર્ષો સુધી અનાહિલવાડા ગુજરાતની રાજધાની રહી હતી. અણહિલવાડ ઉપર ચાવડા, સોલંકી અને વાઘેલા વંશના રાજાઓએ શાસન કર્યુ હતું. સોલંકી શાસન હેઠળ ઇ.સ.૯૪૨ થી ૧૨૪૪ સુધી અનાહિલવાડા વેપાર, અલગ-અલગ હૂન્નર શીખવાનું કેન્દ્ર તેમજ સ્થાપત્ય સિદ્ઘિઓ તરીકે ઝળહળતું હતું. ૧૩મી સદીના અંતમાં વાઘેલા શાસન દરમિયાન અલાઉદીન ખિલજીના માર્ગદર્શનના આધારે ઉલુઘખાને આ શહેરને લુંટી તેનો સંપૂર્ણ નાશ કરી દીધો હતો.[img_assist|nid=47363|title=SHAHSTRALING LAKE|desc=|link=none|align=left|width=638|height=497]પાટણ શહેરમાં સહસ્ત્રલિંગ તળાવ રાણીની વાવથી ૫૦૦ મીટરના અંતરે ઉત્તરમાં આવેલું છે. આ તળાવ ઇ.સ. ૧૦૮૪માં બંધાવેલું છે અને એ સમયે તે દુલર્ભ સરોવર તરીકે ઓળખાતું હતું. આ તળાવ રાજા સિદ્ઘરાજના પૂર્વજોએ બંધાવેલું છે એવું ઇતિહાસમાં નોંધ છે. તળાવમાં પાણી લઇ આવતી ચેનલ્સની બન્ને બાજુએ સમાંતર ૧૦૦૦ શિવલિંગ બનાવવામાં આવેલા છે, આ રચના ઉપરથી તળાવનું નામ સહસ્ત્રલિંગ તળાવ રાખવામાં આવેલું હતું.

રાજા સિદ્ઘરાજે આ તળાવની મહ_વતા સમજીને તેમના સમયમાં આ તળાવને ફરી સમારકામ કરાવીને જીવંત કરાવ્યું હતું. વર્ષ ૧૯૪૨-૪૩માં કરવામાં આવેલા ખોદકામ દરમિયાન ૭ હેકટરમાં ફેલાયેલા અને ખંડેર થઇ ગયેલા આ તળાવનો ફકત ૨૦% ભાગ જ મળી આવ્યો છે બાકીનો ૮૦% ભાગ હજુ જમીનમાં ધરબાયેલો પડેલો છે. આ તળાવને ત્રણ વખત નાશ કરવામાં આવેલું છે. આમ છતાં પણ તેની ભવ્યતા હજુ અકબંધ છે. સહસ્ત્રલિંગ તળાવમાં પાણી સરસ્વતી નદીમાંથી લેવામાં આવે છે. સરસ્વતી નદી પાટણ શહેરની નજીકથી વહે છે. તળાવમાં પાણી લઇ આવવા માટે અટપટી ફિડીંગ ચેનલ્સ બનાવવામાં આવી છે જે ઇંટો અને પથ્થરોની બનેલી છે. આ વિવિધ ચેનલ્સનું જોડાણ તળાવ પાસે આવેલા ત્રણ ગોળાકાર સ્લૂઝ ગેટ સાથે કરવામાં આવેલું છે. આ રીતે ચેનલ્સ અને આ સ્લૂઝ ગેટ દ્વારા સરસ્વતી નદીનું પાણી તળાવમાં ઠાલવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, આ તળાવમાં કુદરતી ફિલ્ટ્રરેશન પ્લાન્ટ હતો.

[img_assist|nid=47364|title=Plant|desc=|link=none|align=left|width=324|height=251]સહસ્ત્રલિંગ તળાવના પશ્ચિમ કિનારે એક સિસ્ટર્ન-હોજ બનાવવામાં આવેલો છે જેને રૂદ્રકૃપા કહેવામાં આવે છે. સરસ્વતી નદીનું પાણી ચેનલ્સ દ્વારા આ રૂદ્રકૃપામાં આવે છે અને એ પછી તળાવની ઇનલેટ ચેનલ દ્વારા સહસ્ત્રલિંગ તળાવમાં છોડવામાં આવે છે. રૂદ્રકૃપાનો વ્યાસ આશરે ૪૦ મીટર જેટલો છે. એકદમ સપ્રમાણ અને સુંદર રીતે બનાવવામાં આવેલું રૂદ્રકૃપા એ સમયના લોકોની ઊંડી સુઝબૂઝની સાથે એક ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગનું ઉદાહરણ પૂરૂ પાડે છે. જોકે આજના સમયની સરખામણીમાં સહસ્ત્રલિંગ તળાવ એવડું મોટું તો નથી પણ તે સમયના રજવાડામાં પાણીના વિતરણ માટેની ઉત્તમ જળવ્યવસ્થાપન પદ્ઘતિ હશે એવું માનવામાં આવે છે.

સમયની સાથે-સાથે પાટણ ઉપર બીજા રજવાડા દ્વારા અનેક હુમલાઓ થયા અને આ હુમલાઓમાં આ તળાવને ઘણું જ નુકશાન પહોચાડવામાં આવેલું હતુ. આ હુમલાઓમાં આ તળાવને નુકશાન કરવામાં આવ્યું હતું જે સાબિત કરે છે કે, આ તળાવ જે-તે સમયે પાટણ માટે કેટલું અગત્યનું હતું. હાલમાં તળાવના પૂર્વ ભાગમાં, આવેલી પાળ પાસે એક શિવમંદિરના ૪૮ પિલરની સિરિઝ જોઇ શકાય છે. આ શિવમંદિર ૧૬મી સદી સુધી અખંડિત હતું એવું ઇતિહાસમાં નોંધવામાં આવેલું છે. ૧૬મી સદીમાં બૈરમખાન(અકબર બાદશાહના ગુરૂ)મક્કા જવા માટે નીકળ્યા હતા ત્યારે પાટણમાંથી થઇને ગયા હતા ત્યારે તેમણે આ તળાવની નોંધ કરી હતી. એવું કહેવામાં આવે છે કે, મક્કાથી પરત આવતાં તેમણે આ તળાવની વિશેષતાને સમજી હતી અને એ દરમિયાન તેમની હત્યા કરી દેવામાં આવી હતી. આથી મોગલોના ક્રોધનું નિશાન આ તળાવ બન્યું હતું.

સહસ્ત્રલિંગ તળાવ પાટણ માટે અનુપમ ભેંટ હતી. આ સરોવરને કિનારે અનેક દેવાલયો આવેલા હતાં. નગરજનો માટે આ સ્થળ વિહારધામ હતું. તળાવનું પાણી આખા શહેરને આપવામાં આવતું હતું અને વધારાનું પાણી ખેતીના ઉપયોગમાં લેવામાં આવતું હતું. દંતકથા પ્રમાણે પાટણમાં શ્રી અને સરસ્વતી બંનેનો વાસ હતો. પાટણની સીમાએ આવેલું સહસ્ત્રલિંગ તળાવ નગરજનો માટે પૂજાસ્થાન, વિદ્યાસ્થાન અને મનોવિનોદનું કેન્દ્ર હતું. તળાવના કિનારા પાસે રાજા સિદ્ઘરાજે વિદ્યામઠ બંધાવેલા હતા. આ વિદ્યામઠમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો રહેતાં હતા. આ વિદ્યામઠમાં તર્ક, લક્ષણ(વ્યાકરણ) અને સાહિત્ય એમ વિદ્યાત્રયીનો અને વિવિધ દર્શનશાસ્ત્રોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો.

ગુજરાતમાં હાલમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે એકમાત્ર ચાંપાનેરનો સમાવેશ થયેલો છે. પાછલા વર્ષોમાં થયેલા પ્રયત્નો અને લોબીંગ બાદ ચાંપાનેરને હેરિટેજ સાઇટ તરીકે ઘોષિત કરાવી શકાય છે. હવે ગુજરાતના પાટણ શહેરના જુના ભાગને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની વાવ વર્લ્ડ હેરિટેજ સાઇટની લાક્ષણિકતાઓ ધરાવે છે અને તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઘોષિત કરવા વાજબી છે.

વિનીત કુંભારાણા
Path Alias

/articles/varalada-haeraitaeja-saaitamaan-samaavaesa-karai-sakaaya-taevaun-paatananaun

Post By: vinitrana
×