વડોદરા શહેરનું સુરસાગર તળાવ

ગુજરાત રાજયમાં વડોદરાની ગણતરી એક મોટા શહેર તરીકે થાય છે. ગુજરાતના મેગા સીટી અમદાવાદ બાદ વડોદરાનું નામ આવે! તળાવ અંગે કોઇ વાત કરે એટલે આપણી સમક્ષ મોટાભાગે કોઇ ગામડાનું ચિત્ર તરવરી ઉઠે, પણ સુરસાગર તળાવનું નામ લઇએ તો તરત જ વડોદરા શહેર મસ્તિકમાં ઉપસી આવે! વડોદરાનું સુરસાગર તળાવ અગાઉના સમયમાં ચંદન તળાવના નામથી જાણીતું હતું. [img_assist|nid=47352|title=SURSAGAR LAKE|desc=|link=none|align=left|width=199|height=49]આ તળાવ અઢારમી સદીમાં બનેલું છે. તળાવની ચારે તરફ પથ્થરોનું ચણતર કરીને પગથીયા બનાવવામાં આવેલા છે. આ તળાવ લગભગ હંમેશા પાણીથી ભરાયેલું રહે છે. તળાવને તેનું નવું નામ કદાચ કાંઠા પાસે આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સંગીત વિદ્યાલયને કારણે મળેલું છે. વડોદરા શહેરની મધ્યમાં ભારત દેશની સર્વ પ્રથમ સંગીત વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. આ વિદ્યાલયનું નામ સુરસાગર હતું, પણ સુરસાગર તળાવની વાત સુરેશ્વર પંડયા નામક વ્યકિત સાથે જોડાયેલી છે જે સુરેશ્વર દેસાઇ તરીકે મોગલ યુગમાં ટેકસ કલેકટર તરીકે ફરજ બજાવતાં હતા. સુરેશ્વર દેસાઇ જે ટેકસ ઉઘરાવતાં હતા તેને સ્થાનિક ભાષામાં 'દેસાઇગીરી' કહેવામાં આવતી હતી. દેસાઇ અને દાલા પટેલની મદદથી ગાયકવાડ વંશજે વડોદરાને મોગલો પાસેથી જીત્યું હતું. રમેશ જોષી નામક ઇતિહાસવિદ તેમના પુસ્તક 'ઇમારત અને અવશેષો-વડોદરા નગરીનો પ્રાચીન ઇતિહાસ' માં લખે છે કે, મુગલ સલ્તનતમાં કુંવર મંછારામ કૃપારામ નામના એક અધિકારીએ સુરેશ્વર પંડયા કે જે દેસાઇ બન્યા હતા તેને રૂા. ૪૦, ૦૦૦ સુધીનો ટેકસ ઉઘરાવવાનો હક્ક આપેલો હતો. સુરેશ્વર દેસાઇએ પટેલ સાથે મળીને મોગલ સલ્તનત સામે ષડયંત્ર રચીને પ્રથમ ગાયકવાડ પીલાજીરાવને ગુજરાતમાં પ્રવેશ આપ્યો હતો અને ત્યારબાદ ગાયકવાડે મોગલો પાસેથી વડોદરા જીતી લીધું હતું. તે સમયે 'વોલ સીટી'ની બહાર એક તળાવ હતું જેને 'ચંદન' તળાવના નામથી ઓળખવામાં આવતું હતું. ઇ.સ. ૧૭૫૭માં સુરેશ્વર દેસાઇએ આ તળાવને ખોદાવ્યું અને તેને નવો વધુ સારો આકાર આપ્યો. એ પછી આ ચંદન તળાવનું નામ સુરસાગર તળાવ રાખવામાં આવેલું છે.

[img_assist|nid=47353|title=SURSAGAR LAKE|desc=|link=none|align=left|width=199|height=128]સુરસાગર તળાવના પેટાળમાં ત્રણથી ચાર પાતાળ કુવા બનાવવામાં આવેલા છે જેના કારણે અતિશય ગરમીના દિવસોમાં પણ આ તળાવમાં પાણી ભરાયેલું જ હોય છે. સુરસાગર તળાવની મધ્યમાં આશરે ૧૨૦ ફૂટ ઊંચી ભગવાન શંકરની પ્રતિમા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સ્થાપિત કરવામાં આવેલી છે જેની દર શિવરાત્રીના દિવસે મહાઆરતી કરવામાં આવે છે. સુરસાગર ગણેશ વિસર્જન માટે ખૂબ જ જાણીતું સ્થળ છે. આખા વડોદરાની વિશાળ ગણપતિની મુર્તિઓ ખાસ ક્રેનની મદદથી આ તળાવમાં વિસર્જિત કરવામાં આવે છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આ ધાર્મિક પ્રવૃતિ બંધ થવી જોઇએ કારણ કે, પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવવામાં આવેલી ગણેશજીની મુર્તિ તળાવના પાણીને પ્રદૂષિત કરે છે.

સુરસાગર તળાવના પાણીનું સીધું જોડાણ વિશ્વામિત્રી નદી સાથે કરવામાં આવેલું છે. તળાવમાં અંડરગ્રાઉન્ડ ગેટ બનાવવામાં આવેલા છે. જયારે અતિવૃષ્ટિ થાય અને તળાવ પાણીથી છલોછલ ભરાય જાય ત્યારે આ ગેટને ખોલી નાખવામાં આવે છે અને વધારાનું પાણી વિશ્વામિત્રી નદીમાં વહી જાય છે અને વડોદરા શહેર સુરક્ષીત રહે છે.વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આ તળાવમાં અઢાર વર્ષના અંતરાલ બાદ નૌકાવિહાર પણ ફરી શરું કરવામાં આવેલો છે જેનો પ્રજાજનો ભરપૂર આનંદ લે છે. નૌકાવિહાર દરમિયાન આ તળાવમાં રહેતાં માછલાઓ અને કાચબાઓની વિવિધ જાતો પણ જાઇ શકે છે. ખાસ કરીને પૂનમના દિવસે ચાંદની રાતમાં આ તળાવમાં નૌકાવિહારનો લહાવો માણવા જેવો છે. આ તળાવમાં માછલીઓનો શિકાર કરવાની સખ્ત મનાઇ છે. જોકે તળાવના પાણીના પ્રદૂષણ થવાથી હવે તો આ પાણીમાં રહેતાં જળચરો માટે પણ એક મોટો ખતરો ઊભો થયો છે. તળાવમાં મોટરબોટ પણ ચલાવવામાં આવે છે આ મોટરબોટ રૂપિયા ૧૦/-માં આખા તળાવની સફર કરાવે છે. જયારે પેડલ બોટ ચાર વ્યકિતઓ માટે રૂપિયા ૫૦/-માં ભાડે આપવામાં આવે છે. હાલમાં શરૂ કરવામાં આવેલી આ નૌકાવિહારની સુવિધા આ તળાવમાં છેલ્લા અઢાર વર્ષથી બંધ હતી કારણ કે, વર્ષ ૧૯૯૩માં જન્માષ્ટીના તહેવારમાં નૌકાવિહાર દરમિયાન અકસ્માતે ૨૨ લોકોના મોત થયા હતા. જોકે હવે નૌકાવિહાર દરમિયાન લોકોની સુરક્ષા માટેના સઘન પગલાઓ લેવામાં આવે છે. તળાવના વધારાના આકર્ષણ તરીકે દર શનિવારે અને રવિવારે સાંજે ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન તળાવની ચારેબાજું રોશની કરવામાં આવે છે. તળાવની ચોફેર પાકી દિવાલ અને બેઠકની વ્યવસ્થા હોવાથી લોકો આ રોશનીનો નઝારો સારી રીતે માણી શકે છે.

લાંબા સમય સુધી વડોદરા ઉપર રાજ કરનારા ગાયકવાડ કુટુંબે સુરસાગર તળાવનું બાંધકામ કર્યુ છે. આ તળાવ ગુજરાતના મોટા તળાવોમાંનું એક તળાવ છે. આખું તળાવ ગોળાકાર છે અને તે આશરે દોઢ માઇલનો ઘેરાવો ધરાવે છે. આ તળાવ આશરે ૬૦ ફૂટ ઉંડું છે. શહેરની બરાબર મધ્યમાં આવેલા આ તળાવની પાસે વિખ્યાત ન્યાય મંદિરનો દરવાજો અને મંગલ બજાર આવેલા છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા હાલમાં જ જુન મહિનાથી આ તળાવની ચોફેરને અઠવાડિયામાં બે દિવસ 'વ્હીકલ ફ્રી ઝોન' તરીકે જાહેર કરવામાં આવેલો છે. તળાવની બાજુમાં ન્યાય મંદિર અને મંગલ બજાર હોવાથી વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આ પગલું ભરવામાં આવેલું છે. આ સુંદર આયોજનમાં વડોદરા મહાનગર સેવા સદને આશા વ્યકત કરી છે કે, ટ્રાફિક કન્ટ્રોલર અને પ્રજાજનો આ બાબતે સહકાર આપશે!

વિનીત કુંભારાણા
Path Alias

/articles/vadaodaraa-sahaeranaun-saurasaagara-talaava

Post By: vinitrana
×