ઉત્તર ગુજરાત વિસ્તારમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય?-૧

ગુજરાત રાજયમાં ઉત્તર ગુજરાત વિસ્તાર રાજયનો ૨૫% વિસ્તાર ધરાવે છે. વિસ્તાર મોટો છે માટે અહીં ભૂસ્તરીય લાક્ષણિકતાઓમાં વૈવિધ્ય જોવા મળે છે. કેટલાક ભાગોમાં ડુંગરાળ વિસ્તાર છે જયારે અધિકત્તમ કાંપના વિસ્તાર આવેલા છે. અહીં કાંપના વિસ્તારો બે પ્રકારના છે: નદીની પાણીથી ઢસડાઇને આવેલો કાંપનો વિસ્તાર અને પવન દ્વારા પથરાયેલો કાંપનો વિસ્તાર. વિસ્તારની સમજ મેળવી લીધા પછી તેની મુશ્કેલીઓ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઇએ. અભ્યાસ બાદ આવી મુશ્કેલીઓને સમજીને તેના નિવારણના પગલાઓ વિચારવા જોઇએ અને તેનું અમલીકરણ કેવી રીતે કરી શકાય તેનું આયોજન બનાવવું પડે. ઉત્તર ગુજરાત વિસ્તારની ભૂગર્ભજળને અનુલક્ષીને ઊભી થયેલી સમસ્યાઓ વિશે આ વિસ્તારના પ્રગતિશીલ ખેડતિ શ્રી રજુજી વરવાજી બોડાણા સાથે વાતચીત કરતાં તેમણે આ પ્રમાણે માહિતી આપી હતી:

સને ૧૯૫૦માં મારી ઉંમર લગભગ ૫(પાંચેક) વર્ષની હશે. એ વખતે મારા ખેતરોમાં બે કૂવા ઇંટ માટીના ચણતરના હતાં. બંને કૂવાઓની ઉંડાઇ અંદાજે ૧૮ હાથ એટલે કે, ૨૭ ફૂટ જેટલી હશે. એક કૂવો તો મેં બે-એક મહિના પહેલા જ પુરાવી દીધો અને બીજો કૂવો હજી પણ છે. સને ૧૯૫૦માં મારા ગામમાં લગભગ ૨૮ થી ૩૦ કૂવા હતા અને બધાની ઊંડાઇ લગભગ ૨૮ થી ૩૦ ફૂટ જેટલી હતી. એ વખતે ચોમાસામાં પાણીના સ્તર લગભગ ૫ થી ૭ ફૂટે રહેતાં અને ઉનાળામાં ઘટીને લગભગ ૧૨ થી ૧૫ ફૂટે જતાં રહેતાં. ત્યારે વિજળી કે મશીન ન હતાં. બળદ વડે કોશથી પાણી કાઢી પિયત કરતા હતાં. સાધનોમાં ચામડાનો કોશ, તેને બાંધવા લોખંડની ગોળ કાંબી, કાથી કે સુતર અથવા ચામડામાંથી બનાવેલી રાસડી, બે લાકડાની કાંઢો(થાંભલા), લાકડામાંથી બનાવેલું પૈડું, જેના બંને છેડે લોઢાના જાડા ખીલા(નેહળા) રહેતાં. બે તણાયા(પૈડું મૂકવા), બે લાકડાની આઘીઓ ઉપર મૂકતાં, નીચે ગરગડો બે લાકડાના ચોટીયા કાંણા પાડેલા તેના ઉપર મૂકતાં અને કોશનું પાણી ઠલવાય તે ઝુંડાની કીનારી ઉપર એક ગરગડી, જે બે કાણાં પાડેલા ખીંટાઓ ઉપર રહેતી. બળદો જોડવા માટે એક તરીલું લાકડાનું, બે બળદ અને કોશ હાંકનાર. આટલી સાધન સામગ્રી લગભગ એ વખતે રૂપિયા ૭૦ થી ૮૦માં તૈયાર થઇ જતી.

ચોમાસાના દિવસોમાં મારા એક કૂવામાં ૫ ફૂટે પાણીનું લેવલ રહેતું. એક કૂવો તો ભરાઇ જતો અને ઉપર ૩ થી ૪ ફૂટ પાણી અડધા ખેતરમાં ભરાઇ જતું. મારા ખેતરમાં ત્રણેક વિઘાનું એક તળાવ નીચાણા ભાગે હતું. જેમાં ચોમાસામાં સાતેક ફૂટ જેટલું પાણી ભરાતું અને ઉનાળામાં ૪ થી ૫ ફૂટ જેટલું પાણી કાયમ રહેતું. બારેમાસ આખા ગામનાં ઢોર ગાયો, ભેંસો, બળદ, ઊંટ, બકરાં, ઘેટાં અને જંગલી જાનવરો પાણી પીતાં. ખેતરમાં કે વગડે ગયેલાં ખેડૂતો કે ગોવાળો પણ આ પાણી પીવા માટે ઉપયોગ કરતાં અને બારેમાસ લીલોતરી રહેતી. સને ૧૯૬૫ સુધી તો આવું જ રળિયામણું, લીલોતરીએ હિલોળા લેતું અને આખાયે વગડામાં ઠંડક પ્રસરાવતું વાતાવરણ રહેતું. સને ૧૯૬૫માં અમારા પંથકમાં વધુ કમાણી કરવા અને ઓછી મહેનતે વધુ પાક(બીજાઓ માટે, આપણા માટે નહીં)લેવાની લાલચે અમે ગામમાં ૧૦ થી ૧૨ ક્રૂડઓઇલ એન્જીનો લાવ્યાં. જે શિયાળામાં પાંચ થી સાત વિઘાનું પિયત કરતા હતાં તે ૪૦ થી ૮૦ વિઘાનું પિયત કરવા માંડયાં.

હું પણ ૬ હો.પા.નું જામનગરની બનાવટનું એન્જિન લાવ્યો અને લગભગ ૬૦ થી ૭૦ વિઘાનું પિયત કર્યુ. આખા ગામમાં જે ૭૦ થી ૮૦ વિઘા પિયત થતું હતું તે વધીને લગભગ ૪૦૦ થી ૫૦૦ વિઘા થઇ ગયું. બે વર્ષમાં તો પાણીનાં લેવલ ૧૨ થી ૧૫ ફૂટ જેટલાં ઊંડા ઉતરી ગયાં. ઘણાં કૂવાઓના તળીયા ખુલ્લા થઇ ગયા અને પાણી ખૂટી ગયું. પછી અમે હાથ શારડા કરાવ્યા(જે દોરડાથી લોખંડની પા' ની પાઇપોથી ડ્રીલીંગ કરતાં તેને શારડો મૂકાવ્યો એમ કહેતાં) અને લગભગ ૩૨, ૪૨, ૫૨, ૬૨, ૭૨, ૯૨ અને ૧૦૨ ફૂટ જેટલી ઊંડાઇનાં શારડા કરાવ્યાં. પૈસાની લાલચે વધુ ખર્ચા કરીને પણ વધુ કમાણી પર્યાવરણના ભોગે(સરકારની હરિતક્રાંતિના વાવાઝોડામાં) વધુને વધુ પાણી ખેંચતા રહ્યા. ખોટી મહેનત, મજુરી અને ખર્ચાઓ કરતાં રહ્યાં. આ બધુ ઉદ્યોગોના લાભ માટે થયું. મશીનો નાના પડતાં ૬ હો.પા.ના બદલે ૮ હો.પા., ૧૦ હો.પા., ૧૨ હો.પા., ૧૫ ને ૨૦-૨૦ હો.પા. સુધીનાં મશીનો મૂકી પાણી ખેંચે રાખ્યાં. જે ક્રૂડ ઓઇલનું પીપ ૨૦૦ લીટરનું રૂપિયા ૨૫માં મળતું અને મોવીલ ઓઇલનો ૨૦ લીટરનો ડબ્બો રૂપિયા ૧૨માં મળતો તેનાં રૂપિયા ૭૦૦ ક્રૂડના અને રૂપિયા ૧૫૦ થી ૨૦૦ મોવીલ ઓઇલના થયા. ખેતી એટલી મોંઘી થઇ કે દેવાં કરીને ખેતી કરતા રહ્યાં. પછી સને ૧૯૮૧-૮૨ માં વિજળી આવી. જે પહેલાં બીજાલોકો ૭ પૈસે યુનિટે વાપરતાં તે અમારે ત્યાં આવી ત્યારે ૮૭ પૈસે યુનિટના હતાં. પરંતુ કપડાં કે હાથ કાળા ન્હોતા થતાં તેથી સૌએ અપનાવી ને ટયુબવેલ કરાવ્યા, જેનો ખર્ચ રૂપિયા ૩ થી ૪ લાખ થાય. આ દેવામાંથી છૂટવા વધુ ને વધુ જમીન પિયત હેઠળ લાવતા રહ્યાં અને જમીનમાંથી પાણી ખેંચતા રહ્યાં. સને ૧૯૮૦માં જે પાણી ૪૦ થી ૫૦ ફૂટના લેવલે હતાં તે પાણી ઊંડાને ઊંડા જતાં ગયાં. શારડા કામ આવતાં બંધ થયા એટલે મશીનવાળી શારકામની રીંગોથી ૩૦૦ થી ૪૦૦ ફૂટનું ડ્રીંલીંગ કરી હજારો વર્ષ પહેલાનું સંગ્રહાયેલું પાણી ઉલેચવા લાગ્યાં. આ ૩૦૦ થી ૪૦૦ ફૂટ સુધી ખાલી કરીને હવે ૮૦૦ થી ૧૫૦૦ ફૂટ સુધીનું ડ્રીલીંગ કરીને ૬૦ થી ૧૦૦ હો.પા. સુધીની મોટરો(સબમર્સિબલ પંપ) મૂકીને હવે પાણી ખેંચી રહ્યા છીએ.

(ક્રમશ:)

વિનીત કુંભારાણા
Path Alias

/articles/utatara-gaujaraata-vaisataaramaan-bhauugarabhajala-vayavasathaapana-kaevai-raitae-karai

Post By: vinitrana
×