શહેરોની પાણીની તંગીને પહોચી વળવા ગામડાઓને બચાવવા જરૂરી છે...!!!

૨૨, માર્ચ, ૨૦૧૧ વિશ્વ જળ દિવસ નિમિત્તે યુ. એન. વોટર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી 'એડવોકસી ગાઇડ એન્ડ એકશન હેન્ડ બુક'માં નોંધવામાં આવેલી હકીકતો ઉપર એક નજર ફેરવી લેવી જરૂરી છે: વિશ્વના શહેરોમાં વસતિ વધારો ૨ વ્યકિત/સેકન્ડ છે. વિકાસ પામી રહેલા દેશોમાં છેલ્લા દશ વર્ષમાં શહેરોમાં ૯૫% વસતિ વધારો શહેરોમાં થયો છે. છેલ્લા દશકામાં વિશ્વના દેશોમાં ૮૨૭.૬ મિલિયન લોકો શહેરોમાં વિસ્થાપિત થયેલા છે અને તેઓ પીવાના પાણીની અછત અને સ્વચ્છતાના મુદે પ્રભાવિત થયેલા છે. વિશ્વમાં આજની તારીખે ૨૭% લોકો ઘરે પાઇપલાઇનથી પાણી મેળવી શકતા નથી. વિશ્વના મેગા સીટીઓમાં દર વર્ષે ૨૫૦-૫૦૦ ઘનમીટર પાણી પાઇપલાઇનમાંથી લીકેજ થતું રહે છે. વિશ્વના ચારમાંથી દરેક એક સીટીમાં ૭૯૪ મિલિયન લોકોને સ્વચ્છતા અંગેની યોગ્ય સગવડતા મળતી નથી જેને કારણે કોલેરા, મલેરિયા અને ડાયેરિયા જેવા રોગો વારંવાર માથું ઊંચકે છે.

વિશ્વમાં પાણીને કારણે ઉદ્ભવી રહેલી બધી સમસ્યાની સામે શહેરોમાં પાણીનું યોગ્ય વ્યવસ્થાપનનો પ્રાણ પ્રશ્નનો જવાબ તો હજુ મેળવવાનો બાકી છે. જે ઝડપે શહેરોમાં વસતિ વધારો થઇ રહ્યો છે અને સામે પાણીની જે અછત ઊભી થઇ રહ્યી છે તે પડકારની સામે વિશ્વમાં હવે આયોજનબદ્ઘ રણનીતિ ઘડવાની શરૂઆત કરવામાં આવેલી છે. વર્ષ ૨૦૧૧માં વર્લ્ડ વોટર ડેની થીમ શહેરોના પીવાના પાણીની સમસ્યાને અનુલક્ષીને રાખવામાં આવેલી હતી. આજના સમયમાં ગામડાં ભાંગી રહ્યા છે. ગામડાઓ તુટી રહ્યા છે. ભારતવર્ષના સંદર્ભમાં વાત કરીએ તો આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. આપણા દેશનું અર્થતંત્ર ખેતી અને ખાસ તો ચોમાસા ઉપર આધારિત છે. છેલ્લા કેટલાક સમયથી કલાઇમેટ ચેઇન્જની અસરને કારણે ખેતીની એકસૂત્રતામાં ફેરફાર થયેલો જોવા મળ્યો છે. આ કારણોસર ખેતી ઉપર નિર્ભર રહેતા ખેડૂતોના કુટુંબોને ફરજિયાત અન્ય વ્યવસાય તરફ જવું પડયું છે. આ તક તેમને શહેરોમાં દેખાય છે કારણ કે, કહેવાતા વિકાસના પર્યાયો શહેરીકરણ અને ઓદ્યોગીકરણ પૈસા, માનવ સંશાધન તથા પાણી વગર થઇ શકે નહી. શહેરોમાં આજિવીકા મેળવવા આવતાં ગામડાઓના લોકો અને ઉદ્યોગોએ શહેરોની પાણીની જરૂરિયાતને એકાએક વધારી દીધી છે. આ મુદ્રો ઘણો જ સંવેદનશીલ છે. સરકારી તંત્રએ શહેરોના પીવાના પાણીની ચિંતા કરવાને બદલે ગામડાઓ તુટી રહ્યા છે તેની ચિંતા કરવાની જરૂર છે. એક બાજું ખેતીમાંથી ચોક્કસ આવક મળતી નથી અને બીજી બાજું પાણીની અનિયમિતતાને કારણે પરેશાન થયેલો ગામડાનો વ્યકિત શહેરોમાં આજિવીકાની તક જોઇ રહ્યો છે. જયાં સુધી ગામડાઓમાં આજિવીકાની તકો ઊભી કરવામાં આવશે નહી ત્યાં સુધી શહેરો તરફ લોકો આવતાં જશે અને દિવસે ને દિવસે શહેરોની પાણીની માગ વધતી જશે.

શહેરોમાં ઉદ્યોગોએ ભૂતળને બાનમાં લઇ લીધું છે. કચ્છના સંદર્ભમાં વાત કરીએ તો ઉદ્યોગોના કહેવા પ્રમાણે આમ તો તેઓ સ્વેચ્છાએ સરકાર તરફથી મળતું નર્મદાનું પાણી વાપરે છે એવો દાવો કરે છે પણ જો ચોક્કસ રીતે તપાસ કરવામાં આવે તો ખ્યાલ આવે કે, ઉદ્યોગો દ્વારા ભૂતળને રીતસર નિચોવી લેવામાં આવે છે. ભૂતળમાંથી વધુ પડતું પાણી ખેંચી લેવાને કારણે પાણીની ગુણવત્તા પણ અમુક સમય બાદ નબળી પડતી જાય છે અને અંતે તો એ ભૂતળ જ પાણી માટે ગેરલાયક બની જાય છે. ઉદ્યોગો દ્વારા કરવામાં આવતાં ભૂતળના આવા શોષણને કારણે શહેરી વિસ્તારોમાં ભૂતળો સામાન્ય રહ્યા ન હોવાથી શહેરોની પાણીની વ્યવસ્થા ગામડાઓના ભૂતળમાંથી કરવામાં આવી રહી છે. આ કારણોસર ગામડાઓમાં પણ પાણીની અછત સર્જાય છે જેને કારણે પણ લોકો ગામડા છોડી શહેરો તરફ મીટ માંડે છે. આથી શહેરોને પાણીની તંગીથી બચાવવા હશે તો પહેલા ગ્રામ્ય વિસ્તારનો વિચાર કરવો પડશે.

શહેરોની પાણીની જરૂરિયાતને પહોચી વળવા માટે ગ્રામ્ય વિસ્તારના જળસ્રોતોનો ઉપયોગ કરવો જોઇએ નહી. જે રીતે શહેરો માટે પાણીની જરૂરિયાત છે એ કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની વિશેષ જરૂરિયાત છે કારણ કે, ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી થાય છે. આથી ગ્રામ્ય વિસ્તારોની પીવાના પાણીની સાથે ખેતીના સિંચાઇના પાણીનું પણ વ્યવસ્થાપન કરવું અગત્યનું છે. જયારે શહેરોની પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ગ્રામ્ય વિસ્તારના જળસ્રોતોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ વ્યવસ્થાપન તૂટે છે. ભુજ શહેરની વાત કરીએ તો, ભુજ શહેરને પાણી કુકમા પાસેના બોરવેલ અને નર્મદાની પાઇપલાઇન દ્વારા મર્યાદિત પાણી આપવામાં આવે છે. હવે આવનારા વર્ષોમાં ભુજ શહેરમાં પાણીની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે ભારાપર નજીક નવી સાઇટ વિકસાવી જૂની કેશવનગર પંચાયતોના વિસ્તારો ઉપરાંત રાવલવાડી રિલોકેશનને પાણી પહોચાડવાનું આયોજન છે. આ ઉપરાંત નખત્રાણા તરફ જતી નર્મદાની પાઇપલાઇનમાં ચારેક સ્થળોએ સ્ટોરેજ ટેન્ક બનાવીને તે વિસ્તારોમાં પાણી આપવાની શકયતાઓ ચકાસવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. સરકારશ્રી દ્વારા આવી રીતે ગ્રામ્ય વિસ્તારોના જળસ્રોતોનો ઉપયોગ શહેરો માટે કરવા કરતાં વરસાદી પાણીના સંગ્રહની વાત વહેતી મૂકવી જોઇએ. હાલમાં વંચિત વિસ્તારોમાં લોકજાગૃતિ દ્વારા શિવનગર પ્રાથમિક શાળા નં.૨૪માં વરસાદી પાણીના સંગ્રહ માટેનો સફળ પ્રયોગ કરવામાં આવેલો છે. આ પ્રયોગના સાફલ્યની સાથે અન્ય શાળાઓ પણ આ પ્રકારે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે આગળ આવી છે. શહેરોમાં આવેલા વિવિધ સંકુલોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોના જળસ્રોતોનો ઉપયોગ શહેરોની જરૂરિયાત સંતોષવા માટે ઘટશે અને સાથે-સાથે નર્મદા જેવા બહારના સ્રોતો ઉપરની આધારિતા પણ ઓછી થશે અને શહેરો પોતાની પાણીની જરૂરિયાત માટે સ્વાયત થઇ શકશે. જો આ પ્રકારે વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાંથી સ્થળાંતર ઓછું થશે અને શહેરોની પાણીની જરૂરિયાતમાં પણ ઘટાડો થશે.

[img_assist|nid=45848|title=SHIVNAGAR SCHOOL NO. 24|desc=|link=none|align=left|width=447|height=336]વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે બહુ મોટું આયોજન કરવાની જરૂર રહેતી નથી. એક વખત પાણીની જરૂરિયાતની ગણતરી કરી લેવામાં આવે અને તેની સામે કેટલું વરસાદી પાણી મળી શકે છે તેની ગણતરીઓ કરી જરૂરિયાત મુજબનો ભૂગર્ભ ટાંકો બનાવી જેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે અને વધારાના વરસાદી પાણીને અન્ય માર્ગે ભૂગર્ભમાં વહેવડાવીને ભૂર્ગભ સ્રોતને પણ રિચાર્જ કરી શકાય છે. આ બાબતે શિવનગર પ્રાથમિક શાળા નં.૨૪ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.

વિનીત કુંભારાણા
Path Alias

/articles/sahaeraonai-paanainai-tangainae-pahaocai-valavaa-gaamadaaonae-bacaavavaa-jarauurai-chae

Post By: vinitrana
×