રાયપેરિયન એકટ (૨)

ઇન્ડસ વોટર ટ્રિટી' કરાર પ્રમાણે ભારતે સતલજ નદી ઉપર ભાખરા-નાંગલ ડેમ બનાવ્યો અને કરારની શરતોનું ગંભીરતાપૂર્વક પાલન કર્યુ, આમછતાં પણ પાકિસ્તાન ફરિયાદ કરી રહ્યું છે કે, ભારત તેની નદીઓનું પાણી પાકિસ્તાન તરફ આવતાં રોકી રહ્યું છે. પાકિસ્તાન એવા પણ બણગા ફૂંકે છે કે, જો ભાખરા-નાંગલ ડેમનું પાણી કોઇપણ કારણોસર છોડવામાં આવે તો પણ પાકિસ્તાનમાં પૂર આવે તેવી શકયતા છે. બીજી અગત્યની વાત એ છે કે, ભારતે પોતાની ચિનાબ નદી ઉપર વર્ષ ૨૦૦૮માં 'બાગલીહર' ડેમ બાંધ્યો જેના કારણે પાકિસ્તાનના પેટમાં ઉકળતું તેલ રેડાયું છે. કરાર પ્રમાણે ચિનાબ નદીનું પાણી ભારતના ભાગે આવ્યું છે. આ નદી ઉપર ભારતે ડેમ બાંધ્યો ન હતો ત્યાં સુધી પાકિસ્તાન ચિનાબ નદીનું પાણી પણ ઉપયોગમાં લઇ રહ્યું હતું. ડેમનું બાંધકામ થયા બાદ પાકિસ્તાનને પાણી મળવાનું બંધ થયું છે એટલે પાકિસ્તાન નીત-નવા ગતકડાઓ કરી રહ્યું છે. હકીકતમાં પાકિસ્તાનમાં વસતી વધારો થતાં તેમની પાણીની જરૂરિયાત વધી છે અને પાકિસ્તાન ભારતની નદીઓના પાણીમાંથી પણ ભાગ પડાવવા માગે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે નદીઓના પાણી અંગે થતાં ઝઘડાઓના મુદ્રે 'પરમેનન્ટ ઇન્ડસ વોટર કમિશન' નામની એજન્સીની રચના પચાસ વર્ષ પહેલા કરવામાં આવી હતી. આ એજન્સીની બેઠક તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં પાકિસ્તાને એવી ગર્ભિત ધમકી આપી હતી કે, જો બેઠક દ્વારા નદીઓના પાણીના ઝઘડાઓનો ઉકેલ નહી આવે તો તેઓ પોતાની લશ્કરની તાકાત ભારત ઉપર અજમાવશે!

નદીઓના પાણી માટે ભારત-પાકિસ્તાન કરતાં ચીન સાથેનો મુદ્રો વધારે ગંભીર છે, કારણ કે, ભારત-પાકિસ્તાન વચ્ચે પાણીની વહેચણી બાબતે કરાર થયેલા છે પણ ચીન સાથે આવા કોઇ કરાર થયેલા નથી. ભારતની બે મોટી કહી શકાય તેવી નદીઓ ચીનના કબજામાં છે. ચીનનો વસતી વધારો જગ જાહેર છે. વધી રહેલી વસતીના પ્રમાણમાં ચીનમાં પાણીની જરૂરિયાત પણ વધી રહ્યી છે. પાણી માટે ચીનની નજર હવે બ્રહ્મપુત્રા અને સતલજ જેવી નદીઓ ઉપર અટકી છે. ચીનમાં બ્રહ્મપુત્રા નદી 'પાર્લગ ઝાંગ્બો' નામે ઓળખાય છે. ભારતમાં આસામ રાજય માટે બ્રહ્મપુત્રા નદી અગત્યની છે. ચીનના કબજામાં રહેલા તિબેટમાંથી ઉત્પન્ન થતી બ્રહ્મપુત્રા(પાર્લગ ઝાંગ્બો) ઉપર હજુ સુધી કોઇ ડેમ બાંધવામાં આવેલો નથી, પણ હવે ચીન આ નદી ઉપર શ્રેણીબંધ ડેમો બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ યોજના ભારત માટે ચિંતાનો વિષય કહી શકાય.

તિબેટને દુનિયાનો 'વોટર ટાવર' ગણવામાં આવે છે. તિબેટમાંથી નીકળતી નદીઓ ચીન, ભારત, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન થાઇલેન્ડ, મ્યાનમાર, લાઓસ, કમ્બોડિયા અને વિયેટનામ જેવા દેશોના કરોડો લોકોની તરસ છીપાવે છે. હાલમાં ચીન મેકમોહન રેખાની ઉત્તરે બ્રહ્મપુત્રા નદી ઉપર ડેમ બાંધીને ભારત તરફ આવતું પાણી પોતાની તરફ વાળવા માગે છે. આ માટે 'શુએટીયન' નામની સેંકડો કિ.મી. લાંબી નહેર તૈયાર કરવામાં આવશે. ચીન આવા કોઇ પ્રકલ્પનો સતત ઇન્કાર કરે છે પણ ખાનગીમાં આ પ્રકલ્પ આગળ વધી રહ્યો છે. જો આ પ્રકલ્પ ચીન પૂર્ણ કરશે તો ઇશાન ભારતના રાજયો અને સાથે-સાથે બાંગ્લાદેશની કુદરતી સમૃદ્ઘિ ઉપર ખતરો પેદા થશે. આ ઉપરાંત બ્રહ્મપુત્રાનો ખીણપ્રદેશ ભૂકંપ ઝોનમાં આવે છે. જો ભવિષ્યમાં બ્રહ્મપુત્રાનો ડેમ ભૂકંપને કારણે તુટી પડે તો આસામ અને બાંગ્લાદેશ પૂરમાં ધ્વંશ થઇ જાય!

નદીઓ ઉપર ડેમ બાંધવાના મુદે નીચાણવાસમાં આવતાં રાજયો કે દેશની સરકાર સાથે વાતચીત કરવી જોઇએ અને રાયપેરિયન એકટને અનુસરવું જોઇએ. ચીન આ બાબતની કોઇ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. આંતરરાષ્ટ્રીય જળ વિવાદના મુદ્રે વર્ષ ૧૯૯૭ના યુનોના કરારમાં પણ ચીને સહી કરી નથી. ભારતની સરહદ ઉપર પણ ચીન ઘુસણખોરી કરી રહ્યું છે. અરૂણાચલ પ્રદેશ ઉપર પોતાનો દાવો જતો કરવા ચીન તૈયાર નથી. આવા સંજોગોમાં ભારતે બ્રહ્મપુત્રા નદીનું પાણી ચીન ભારતમાં આવતું રોકે તો ભારતે રાયપેરિયન એકટ હેઠળ તેનો ઉગ્ર વિરોધ કરવો પડે!

પૃથ્વી ઉપર ભવિષ્યમાં પાણી માટે યુદ્ઘો થશે એવી ભવિષ્યવાણી કોઇ મહારથીએ ભૂતકાળમાં કરી છે. લાગે છે કે, આ ભવિષ્યવાણી સાચી થવાનો સમય નજીકમાં જ છે!!!

વિનીત કુંભારાણા
Path Alias

/articles/raayapaeraiyana-ekata-2

Post By: vinitrana
×