ખેતી માટેના સિંચાઇના ભૂગર્ભજળના વપરાશની સહભાગીદારીથી વ્યુહરચના

આપણે સૌ કોઇ જાણીએ છીએ કે, ભૂગર્ભજળનો સૌથી વધારે વપરાશ ખેતીમાં થાય છે. ભૂગર્ભજળનો વપરાશ કરતાં ખેડૂતો સહભાગીદારીથી કેવી રીતે ભૂગર્ભજળનો વપરાશ ખેતીમાં સિંચાઇના પાણી માટે કરી શકે તે અંગેની માહિતી દેશ સ્તરે ચાલી રહેલા કેટલાક પ્રયોગોના માધ્યમથી મેળવીશું. આ દિશામાં વોટરશેડ સપોર્ટ સર્વિસીસ એન્ડ એકટીવીટીસ નેટવર્ક(વાસન)-હૈદરાબાદ સંસ્થા દ્વારા કરવામાં આવેલા પ્રયોગની વાત કરીએ તો પિયત કરવા માટે કેટલું પાણી છે? કયા પાકને કેટલું પિયત આપી શકાય તેમ છે? કેટલા વિસ્તારમાં કયા-કયા પાકનું વાવેતર કરવાથી પિયત માટેનું પાણી સીઝન દરમિયાન ઘટશે નહી. આવા અનેક પ્રશ્નોની સામૂહિક ચર્ચા કરી પછી જ બધા ખેડૂતો સર્વાનુમતે ખેતી કરે છે એટલે કે પાણીનું અંદાજપત્ર બનાવી ખેડૂતો પાણી સિંચાઇ માટે વાપરે છે. આ ઉપરાંત ખેતીમાં પાકનો વાવેતર વિસ્તાર વધારવાથી કે ઘટાડવાથી શું નફો-નુકશાન થઇ શકે છે તેનો પણ અંદાજ કાઢવામાં આવે છે.

હૈદરાબાદ વિસ્તારના મલકાઇ પેટ થંડા ગામ ૪૫૦ની વસતી ધરાવે છે. આ ગામમાં કુલ ૧૮ કુટુંબે ખેતીમાં સહભાગી સિંચાઇ વ્યવસ્થા અપનાવી છે. ગામમાં ચાર ખેડૂતો પાસે પોતાની માલિકીના ચાર બોરવેલ છે. વાસન સંસ્થાએ ગામની મુલાકાત લીધી અને પાણીના વ્યવસ્થાપન બાબતે સમજ આપી. બોરવેલ પોતાની માલિકીનો છે, પરંતુ જમીનની અંદર રહેલા પાણી ઉપરની માલિકી કોઇ એકની નહીં પરંતુ દરેકની છે. આથી પાણી સહભાગીદારીથી વાપરવું જોઇએ. વાસન સંસ્થા દ્વારા અમને બીજા વિસ્તારનો પ્રેરણાપ્રવાસ કરાવામાં આવ્યો છે અને ઓછા પાણીએ સારી ખેતી કેવી રીતે કરી શકાય તેની માહિતી આપવામાં આવેલી છે. ગામમાં પહેલા મગફળી, ડાંગર જેવા વધુ પાણીથી પાકતા પાક કરવામાં આવતા હતા અને ધોરિયા પદ્ઘતિથી ખેતી કરવામાં આવતી હતી. સહભાગીદારીથી ખેતી કરવાની શરૂઆત કરવામાં આવી ત્યારે વરસાદ આધારિત ખેતી ધરાવતા ખેડૂતોને પણ પિયતખેતી કરતાં ખેડૂતો સાથે જોડવામાં આવ્યા. આમ, પોતાની માલિકીનો બોરવેલ ન હોય તેવા બીજા ૧૧ ખેડૂતોનો સમાવેશ સહભાગીદારીથી થતી ખેતી પદ્ઘતિમાં થયો. આ વ્યવસ્થાની શરૂઆત વર્ષ ૨૦૦૮-૦૯માં કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૮-૦૯માં વરસાદ આધારિત ખેતીમાં ૩૧.૨ એકરમાં કટોકટીના સમયે પિયત આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત શિયાળું સીઝનમાં પણ ૧૩.૯ એકરમાં પિયત કરવામાં આવ્યું હતું. ૧૩.૯ એકરમાંથી ફકત ૧.૨ એકરમાં જ વધારે પાણીની જરૂરિયાતવાળા પાકોનું વાવેતર કરવામાં આવેલું હતું. વર્ષ ૨૦૦૯-૧૦ સામાન્ય વરસાદનું હતું. આ વર્ષમાં ૩૩.૭ એકરમાં વરસાદ આધારિત ખેતીમાં કટોકટીના સમયે પિયત આપવામાં આવ્યું હતું અને શિયાળું સીઝનમાં ૨૦.૭ એકરમાં પિયત કરવામાં આવેલું હતું જેમાં ફકત ૨ એકરમાં જ વધારે પાણીની જરૂરિયાતવાળા પાકોનું વાવેતર કરવામાં આવેલું હતું. વર્પ ૨૦૧૦-૧૧માં વરસાદ સારો થયો હતો, પરંતુ મોડો થયો હતો. એ વર્ષે ૪૪.૪ એકરમાં વરસાદ આધારિત ખેતીમાં પિયત આપવામાં આવેલું હતું. ૩૧ એકરમાં શિયાળું પાક લેવામાં આવેલો હતો જેમાં ફકત ૫ એકરમાં જ વધારે પાણીની જરૂરિયાતવાળા પાકોનું વાવેતર કરવામાં આવેલું હતું. વર્ષ ૨૦૧૧-૧૨ દુષ્કાળનું વર્ષ હોવા છતાં પણ આ ગામમાં કુલ ૩૪.૨૫ એકરમાં વરસાદ આધારિત ખેતીમાં કટોકટીના સમયે પિયત આપવામાં આવેલું હતું અને ૨૯.૯ એકરમાં શિયાળું પાક લેવામાં આવેલો હતો જેમાં ફકત ૪.૨ એકરમાં જ વધારે પાણીની જરૂરિયાતવાળા પાકોનું વાવેતર કરવામાં આવેલું હતું.

ઉપરોકત ખેતી પ્રયોગને બોરવેલ પુલિંગ કહેવામાં આવે છે જેનો અર્થ બોરવેલ ભલે અમારો હોય કે ન હોય પણ ભૂગર્ભજળ સહિયારૂં છે એવો થાય છે. આ પ્રયોગનો મુખ્ય હેતુ વધારેમાં વધારે વરસાદી આધારિત ખેતીમાં કટોકટીના સમયે પિયત આપવું અને એ પછી શિયાળાની સિઝનમાં ઓછા પાણીએ થતાં પાકોનું વાવેતર કરી સંતોષકારક ઉપજ મેળવવાનો હતો. વાસન સંસ્થા દ્વારા ખેડૂતોને બોરવેલ પુલિંગનો અભિગમ સમજાવ્યા બાદ આ ગામમાં હાલ કુલ ૭ બોરવેલ છે અને ગામના બધા જ ખેડૂતોને પિયત સપ્રમાણ મળી રહે એ માટે તેને પાઇપલાઇન દ્વારા જોડવામાં આવ્યા છે. ઓછા પાણીથી થતાં કયા પાકનું વાવેતર શિયાળું સીઝનમાં કરવું એ બાબતનો નિર્ણય ગામના બધા જ ખેડૂતો સર્વસંમતિથી નક્કી કરેે છે. જોકે પ્રથમ અગ્રતા એ બાબતની આપવામાં આવે છે કે વરસાદ આધારિત પાકોને કટોકટીના સમયે પિયત આપવું અને એ બાદ પાણીની બચત હોય તો જ શિયાળું પાકનું વાવેતર કરવું. વાસન સંસ્થાના માર્ગદર્શન હેઠળ આ ગામમાં સમિતિ બનાવવામાં આવેલી છે. ખેતી અને પાણીના ઉપયોગ અંગેના નીતિ-નિયમો બનાવવામાં આવેલા છે. મલકાઇ પેટ થંડા ગામ સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપનની દિશા દર્શાવતું ઉત્તમ ગામ બન્યું છે. ઉપરોકત અનુભવથી સાબીત થાય છે કે, પીવાના પાણીના આયોજનની સાથે આપણે ખેતીના પાણીનું આયોજન પણ કરવું એટલું જ જરૂરી છે. ખેતીના પાણી અંગેનું આયોજન કરવાથી પાક નિષ્ફળ જવાની કે ઓછું ઉત્પાદન આવવાની શકયતા ઘટી જાય છે.

વિનીત કુંભારાણા
Path Alias

/articles/khaetai-maataenaa-saincaainaa-bhauugarabhajalanaa-vaparaasanai-sahabhaagaidaaraithai

Post By: vinitrana
×