કુદરત તરફથી માનવજાતને 'હાઇ એલર્ટ\" -૨

કુદરત તરફથી માનવજાતને 'હાઇ એલર્ટ' -૨દરિયામાં રહેલો અબજો ટન કાર્બનડાયોકસાઇડ દરિયાની ઊંડાઇએ અતિ ઠંડીના કારણે અત્યારે તો 'સુસુપ્ત' અવસ્થામાં છે, પણ જો દરિયાના તાપમાનમાં વધારો થાય તો આ કાર્બનડાયોકસાઇડ દરિયાની બહાર આવી શકે અને 'હાઇ એલર્ટ' આસાનીથી પાર કરી શકાય. આ તો જાણે ફકત કાર્બનડાયોકસાઇડની વાત થઇ પરંતુ આપણે મિથેન વાયુની અવગણના કરી રહ્યા છીએ. આવનારા સમયમાં ગ્લોબલ વોર્મિંગમાં સુપર સોનીક સ્પીડે વધારો કરવામાં મિથેન વાયુનો ફાળો કાર્બનડાયોકસાઇડ કરતાં પણ ૨૦ ગણો વધારે રહેવાનો છે. આ હકીકતની નોંધ માનવજાતે અત્યારે લઇ લેવી જોઇએ! પૃથ્વીના વાતાવરણમાં ૧૨ ટન કાર્બનડાયોકસાઇડ અને ૧૨ ટન મિથેન ભળ્યા બાદ પાંચ વર્ષના અંતરાલ બાદ મિથેન વાયુ કાર્બનડાયોકસાઇડ કરતા ૧૦૦ ગણી વધુ ગરમીનો કારક બને છે. આમછતાં પણ પર્યાવરણવાદીઓ મિથેન વાયુની મુખ્ય બે કારણોસર અવગણના કરી રહ્યા છે: એક, મિથેન વાયુ ફકત ૧૨ વર્ષ જ વાતાવરણમાં ટકે છે અને પછી તેનું બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થઇ જાય છે. જયારે કાર્બનડાયોકસાઇડ વાતાવરણમાં ૧૦૦ વર્ષ સુધી ટકી રહે છે. બીજું કારણ મહત્વનું છે. અત્યારે આશરે ૧૦,૦૦૦ અબજ ટન એટલે કે, કાર્બનડાયોકસાઇડ કરતા બમણો મિથેન વાયુ 'ગેસ હાઇડ્રેટ' તરીકે દરિયાના તળિયે બેઠો છે. ભારતવર્ષની કૃષ્ણા-ગોદવરી જેવી નદીઓના મુખપ્રદેશોમાં પણ તેના અખૂટ ભંડારો પડેલા છે. મિથેન વાયુ દહનશીલ છે માટે માનવજાતને તેમાં વૈકલ્પિક બળતણનો સ્ત્રોત દેખાય રહ્યો છે. અહીં પ્રશ્ન એ થાય કે દરિયાના પેટાળમાં મિથેન વાયુ(ગેસ હાઇડ્રેટ)નો જથ્થો આવ્યો કયાંથી?! જવાબ છે, દરિયાઇ વનસ્પતિના કોહવાટનું એ સર્જન છે. દરિયામાં વનસ્પતિઓ મૂરઝાયા બાદ તેનો સેન્દ્રિય પદાર્થ સડે છે અને કાર્બનના એક અણુ સાથે હાઇડ્રોજનના ચાર અણુ ભેગા થતાં મિથેન વાયુ પેદા થાય છે. હાઇડ્રોજનના ચાર અણુઓ હોવાથી સ્વાભાવિક રીતે તે વજનમાં હલકો છે માટે તે દરિયાની સપાટી ઉપર આવી જવો જોઇએ, પણ એવું થતું નથી, કારણ કે દરિયાના તળિયે તાપમાન ૦૦ સેલ્સિયશ જેટલું હોય છે ત્યારે પાણીનું દબાણ હવાના દબાણ કરતા આશરે ૫૦-૬૦ ગણુ વધી જાય છે. આથી મિથેન વાયુ ઉત્પન થયાની સાથે જ થીજીને બરફના ટુકડાઓમાં કેદ થઇ જાય છે જેને ગેસ હાઇડ્રેટ કહે છે. આવા બરફના ટુકડાઓને દરિયાના તળિયેથી બહાર લાવીએ ત્યારે પાણીનું દબાણ ઓછું થઇ જતાં તરત જ મિથેન વાયુ છુંકારા મારતો બહાર નીકળે છે. આવા બરફના ટુકડાઓ ઉપર સળગતી દિવાસળી ચાંપવામાં આવે તો આ બરફના ટુકડાઓ સળગી ઊઠે છે. હવે આવા મિથેન વાયુએ પોતાની માયાઝાળ ફેલાવવાની શરૂ કરી દીધી છે. અમેરિકાના ઉત્તરીય રાજય અલાસ્કામાં મિથેન વાયુ દરિયાના પેટાળમાં તાપમાન વધવાથી બહાર આવી રહ્યો છે. મિથેન વાયુ વાતાવરણમાં ભળી જવાથી આ વિસ્તારોના સરેરાશ તાપમાનમાં ૦.૭૦ સેલ્સિયશનો વધારો નોંધાયો છે. આમ, તાપમાનમાં વધારાની સાથે વધુ ને વધુ મિથેન વાયુ દરિયામાંથી બહાર આવવાનો શરૂ થઇ ચૂકયો છે. આ એક દુષ્ચક્ર છે. તાપમાનમાં વધારો થાય એટલે મિથેન વાયુ ગેસ હાઇડ્રેટના સ્વરૂપમાં રહી શકતો નથી. હાલ જે પરિસ્થિતિ અલસ્કાના વિસ્તારોમાં થઇ છે તે અન્ય વિસ્તારોમાં પણ નિર્માણ પામે તો 'પલકવાર' માં જ 'હાઇ એલર્ટ' પાર થઇ ગયા સમજો! મિથેનનો આવો ઘાતક ગુણધર્મ જાણતા હોવા છતાં પણ ગ્લોબલ વોર્મિંગનું ભવિષ્યકથન કરતી વખતે વૈજ્ઞાનિકોએ તેને ગણતરીમાં લીધો નથી! કુદરતે માનવજાત માટે 'એલાર્મ' વગાડયું છે કે, હવે કાર્બનડાયોકસાઇડને પડતો મૂકીને મિથેનની ચિંતા કરો!
[img_assist|nid=46854|title=Mithen|desc=|link=none|align=left|width=402|height=302] ગ્લોબલ વોર્મિંગ કોઇ રાષ્ટ્રિય નહી પણ વૈશ્વીક સમસ્યા છે, પણ અત્યારે વિશ્વમાં તાલ એવો છે કે, આ સમસ્યા બધાની હોવા છતા પણ કોઇની નથી! કોપેનહેગન શહેરમાં આયોજિત ગ્લોબલ વોર્મિંગ અંગેની મિટિંગની સરિયામ નિષ્ફળતાએ સાબિત કરી આપ્યું છે કે, દરેકને પોતાના આર્થિક વિકાસની ચિંતા છે વાતાવરણની નહી.....તો પછી વાતાવરણની ચિંતા કોણ કરશે?!....ભાવિપેઢી?!...આશાવાદ મૃગજળ સમાન છે. આજે પૃથ્વી ઉપર રહેલા મહાસાગરો પ્રદુષિત થઇ રહ્યા છે. જંગલો બેફામ કપાઇ રહ્યા છે અને ભૂસ્તરના પોપડામાં રહેલા પે્રટ્રોલિયમ અને નેચરલ ગેસને બહાર ખેંચી કાઢી પર્યાવરણ-વાતાવરણનો સત્યનાશ થઇ રહ્યો છે. આજના વડિલો જો અવળે માર્ગે ચડી ગયા હોય તો ભાવિપેઢી વિશેનું ભવિષ્યકથન કરવું થોડું અઘરૂં છે. આજના સમયની પરિસ્થિતિ જોતા એક આશ્વાશન લઇ શકાય કે, માનવજાત પાસે જે કંઇ સમય બચ્યો છે તેનો સદ્‌ઉપયોગ કરી ગ્લોબલ વોર્મિંગને ઉત્તેજન આપતા પરિબળોને બને ત્યા સુધી અંકુશમાં રાખે નહીતર પૃથ્વી નર્કાગાર બની જશે એ વાતમાં શંકાને કોઇ સ્થાન નથી!
વિનીત કુંભારાણા
Path Alias

/articles/kaudarata-taraphathai-maanavajaatanae-haai-elarata-2

Post By: vinitrana
×