કચ્છપ્રદેશ એટલે 'લેન્ડ ઓફ લેઇક\"

ભારતવર્ષમાં ગુજરાતમાં કચ્છપ્રદેશ પૃથ્વીના ગોળા ઉપર એવું સ્થાન ધરાવે છે કે, ભૌગોલિક પરિબળોને કારણે કચ્છપ્રદેશમાં રણવિસ્તાર આવે છે અને વરસાદ નિયમિત રીતે અનિયમિત અને ઓછી માત્રામાં પડે છે. વરસાદ ઓછો હોવાથી ભૂગર્ભજળ પણ ઓછું છે. આ ઉપરાંત કચ્છમાં ભૂસ્તરની વિવિધતાને કારણે ભૂગર્ભજળની ગુણવત્તા પણ પ્રમાણમાં નબળી છે. આ મુદ્રાને ધ્યાનમાં રાખીને કચ્છપ્રદેશના દૂરંદેશી રાજાઓએ કચ્છપ્રદેશમાં વિવિધ જગ્યાઓ ઉપર તળાવોનું નિર્માણ કરેલું છે. આ તળાવોની બાંધણી એવી રીતે કરવામાં આવેલી છે કે વરસાદનું જમીન ઉપર પડતું પાણી અલગ-અલગ આવક્ષેત્ર દ્વારા તળાવમાં એકઠું થાય. ભૂતકાળમાં આવા તળાવો જીવંત હતા જેથી આખા વર્ષ દરમ્યાન પાણીની ખેંચ બહુ ઓછી અનુભવાતી હતી. આજના સમયમાં કચ્છપ્રદેશના આવા તળાવોના આવક્ષેત્રોમાં આડાશો આવી જવાને કારણે તળાવો પૂર્ણત: પાણીથી ભરાતા નથી. હાલમાં જ કચ્છપ્રદેશ ઉપર મેઘરાજાની મહેર થઇ છે અને ઘણા ડેમ તથા તળાવો છલકાઇ રહ્યા છે. એક અંદાજ પ્રમાણે કચ્છપ્રદેશમાં ૫૦૦૦થી પણ વધારે તળાવો છે.

તળાવોની વાત માંડીએ તો ખત્રી તળાવને પ્રથમ યાદ કરવું રહ્યું. ભુજ-માંડવી રોડ ઉપર બળદીયા ગામની હદમાં ભારાસર રોડ ઉપર આવેલું ખત્રી તળાળ અનોખો ઇતિહાસ ધરાવે છે. ખત્રી તળાવ રાજાશાહીના વખતમાં બનાવવામાં આવેલું છે. લોકમુખે કહેવાતાં ઇતિહાસના આધારે કહી શકાય કે, આ તળાવ બનાવવા પાછળ એ સમયના રાજાઓની દૂરદેશી વિચારશીલતા અને પ્રજાલક્ષી અભિગમ છતો થાય છે. રાજાશાહીના વખતમાં કચ્છપ્રદેશમાં માંડવી અને જખૌ બે મોટા વ્યાપારી બંદરો પ્રખ્યાત હતા. યાતાયાતના સાધના તરીકે ઊંટગાડીઓ હતી. માંડવી બંદરે આવેલો વ્યાપારી સામાન ઊંટગાડીઓમાં ભરીને માંડવીથી ભુજ તરફ રવાના થતો હતો. ખત્રી તળાળ પાસે આ બધી ઊંટગાડીઓ કાફલો પહોચતાં સાંજ પડી જતી હતી અને ત્યાં દરેક ઊંટગાડીઓ વિરામ લેતી હતી. આખા દિવસની મુસાફરીના થાક ઉતારવા માટે ખત્રી તળાવ પાસે રાતવાસો કરવામાં આવતો હતો. ઊંટગાડીઓ ચલાવનારા લોકો તથા ઊંટ આ તળાળના પાણીનો ઉપયોગ પીવાના પાણી માટે કરતાં હતા. વિસામો લઇ વહેલી સવારે ભુજની બજારમાં સામાન પહોચી જાય એ રીતે ફરી આખો કાફલો ભુજ તરફ રવાના થતો હતો. માલસામાનને માંડવીથી ભુજની બજાર સુધી પહોચાડતાં મુસાફરો માટે ખત્રી તળાળ અગત્યનું હતું. આજે આ ખત્રી તળાવની ખાસ કશી અગત્યતા રહી નથી તેમ છતાં પણ માંડવી બંદરના સુવર્ણકાળની યાદગીરી સમાન આ તળાવનું વ્યવસ્થાપન બળદિયા ગામના કરશનબાપાના વડપણ હેઠળ 'તળાવ સમિતી' આજે પણ કરે છે. તળાવના વ્યવસ્થાપનમાં તળાવ સમિતી એક અગત્યનું માધ્યમ છે જેનું ઉદાહરણ ભુજ શહેરનું હમીરસર તળાવ છે.

ભૂજ શહેરમાં જેમ હમીરસર તળાવ મહત્વનું છે તેમ કચ્છના માંડવી શહેરમાં ટોપણસર તળાવ પણ મહત્વનું છે. માંડવી વિસ્તારની ભાટીયા(લોહાણા મહાજન)જાતિએ માંડવીના વિકાસ અને તેના પુન:સ્થાપન અંગે સામાજિક અને સાંસ્કૃતિક રીતે ઘણો જ ફાળો આપેલો છે. લોકમુખે એવું કહેવાય છે કે, પોતાના જીવનના ઘણા વર્ષો માંડવીના વિકાસ કાર્ય અર્થે આપનાર 'ટોપરાણી'(ભાટીયા) વ્યકિતવિશેષના નામ ઉપરથી તળાવનું નામ ટોપણસર રાખવામાં આવેલું છે. કચ્છપ્રદેશમાં ભાટીયા જાતી આર્થિક રીતે તેમજ સ્વભાવને અનુલક્ષીને ખૂબ જ ઉદાર અને દરિયાદિલ હતા. એ લોકોની અથાગ મહેનતના અંતે માંડવીનું ટોપણસર તળાવ બનેલું છે. ભૂજ શહેરમાં આજે હમીરસર પ્રત્યે લોકોની લાગણી વધુ તિવ્ર બની છે. હમીરસર તળાવ માટે જે લાગણીઓ લોકોને છે એ જ પ્રમાણે માંડવીના લોકોને ટોપણસર પ્રત્યે લાગણી છે પણ માંડવીમાં ટોપણસર તળાવ માટે જે કામગીરી કરવામાં આવી રહેલી છે તેમાં લોકભાગીદારીનો અભાવ છે, લોકજાગૃતિનો અભાવ છે. સરકારી કામને વેગવંતુ રાખવા માટે લોકજાગૃતિ અગત્યનો ભાગ ભજવે છે. ટોપણસર તળાવને પણ હમીરસર તળાવની જેમ જ લોકભાગીદારીના વ્યવસ્થાપનમાં લાવવાની જરૂર છે. કોઇપણ વ્યવસ્થાપન ત્યારે જ યોગ્ય રીતે થઇ શકે જયારે જનતા, વહીવટીતંત્ર, સમાજ અને રાજકિય નીતિના વિચારો એક સરખા હોય. તળાવ કોઇની માલિકીનું ન હોઇ શકે, ભલે એ તળાવ જે તે વ્યકિતવિશેષે બનાવેલું હોય પણ તેની અંદર ભરાતું પાણી કુદરતી છે અને કુદરતી પાણી ઉપર બધાનો સમાન હક્ક હોઇ શકે. આપણે આશા રાખીએ કે, માંડવીમાં પણ ટોપણસર તળાવ ભુજના હમીરસર તળાવ જેટલું જ મહ_વ પામે...!

છેલ્લી લાઇન... મધ્યપ્રદેશમાં ભોપાલ શહેરને 'સીટી ઓફ ઝીલ' કહેવામાં આવે છે. ગુજરાતમાં કચ્છપ્રદેશમાં જેટલા તળાવો છે તે આજની તારીખે જીવીત હોત તો કચ્છ પ્રદેશને પણ 'લેન્ડ ઓફ લેક' કંઇક આવું જ નામ આપી શકાય...!!!

વિનીત કુંભારાણા

Path Alias

/articles/kacachaparadaesa-etalae-laenada-opha-laeika

Post By: vinitrana
×