માનસાગર તળાવ ૧૯ મી સદીમાં દર્ભાવતી નદીની ઉપર ખીલાગઢ અને નાહરગઢ ટેકરીઓ વચ્ચે બંધ બાંધીને બનાવવામાં આવ્યું છે. આ તળાવના નિતાર ક્ષેત્રમાં પચાસ ટકા ભાગ શહેરી વિસ્તાર છે જયારે બાકીનો પચાસ ટકા ભાગ અરવલ્લીની પહાડીઓનો બનેલો છે. તળાવના આવક ક્ષેત્રમાં ૬૫૭ મિલીમિટર જેટલો વરસાદ પડતો હોવાથી આ તળાવમાં શિયાળાની ઋતુ બાદ પાણીની ઉણપ વર્તાય છે. તળાવના જાવક ક્ષેત્રમાં બંધ બાંધવામાં આવ્યો છે અને ત્યાં સિંચાઇ પ્રણાલીની વ્યવસ્થા કરવામાં આવી છે. માનસાગર તળાવના સંદર્ભમાં સૌથી અગત્યની વાત એ છે કે આ તળાવમાં નાહરગઢની આસપાસના ક્ષેત્રમાં આવેલા બ્રહ્મપુરી અને નાહતલાઇ તથા જયપુરની ગટરના બે મોટા નાલાની સાથે ઘન કચરો પણ ઠાલવવામાં આવે છે.
આ તળાવની ફરતે જયપુરની ઇશાન તરફની ટેકરીઓ કવાર્ટઝાઇટની બનેલી છે જેની ઉપર માટીનો પાતળો થર આવેલો છે. આ ટેકરીઓ અરવલ્લી પહાડીનો જ એક ભાગ છે. આ તળાવની અંદરના ભાગમાં માટીનો જાડો થર છે જે પવન સાથે ઉડીને આવેલી રેતી અને કાંપનો બનેલો છે. ટેકરીઓ ઉપર જંગલની સફાઇ થઇ જતાં વહેતા પાણીની સાથે જમીનનું ધોવાણ થવાથી વધારે પ્રમાણમાં કાંપ તળાવમાં ઠલવાઇ છે અને તળાવનું તળીયું ઊંચુ આવતું જાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારે જયાં તળાવ આવેલું છે ત્યાં એક મોટો ખાડો હતો જયાં વરસાદી પાણી જમા થતું હતું. વર્ષ ૧૫૯૬માં જયારે આ ક્ષેત્રમાં દુકાળ અને ભૂખમરો આવ્યો ત્યારે અજમેરના એ સમયના રાજાએ અહીં એક બંધ બાંધવાનો નિર્ણય કર્યો હતો. આ બંધ આમેર અને આમગઢની ટેકરીઓના કવાર્ટઝાઈટથી બનાવવામાં આવ્યો હતો. સત્તરમી સદીમાં આ બંધનું પથ્થરોથી ચણતર કરવામાં આવ્યું હતું. આ બંધમાં ત્રણ દ્વાર આવેલા છે જેના દ્વારા સિંચાઇનું પાણી પુરૂ પાડવામાં આવે છે. આ બંધને ફરી અઢારમી સદીમાં આમેરના રાજા જયસિંહ(બીજા)એ બંધાવ્યો હતો. અત્યારે આ બંધ ૩૦૦ મિટર લાંબો અને ૨૮.૫ મિટર જેટલો પહોળો છે.
આ તળાવની આસપાસના ક્ષેત્રમાં શહેરીકરણની પ્રક્રિયા થવાથી તળાવનો વિસ્તાર સતત ઘટતો જાય છે. આ શહેરીકરણ ક્ષેત્રના ગટરના પાણીનો નિકાલ આ તળાવમાં કરવામાં આવે છે જેના કારણે તળાવનું પાણી પ્રદૂષિત થઇ રહ્યું છે. આ તળાવની આસપાસ આવેલું ભૂજળ ક્ષેત્ર પણ પ્રદૂષિત થઇ ગયું છે જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. વરસાદનું પાણી પણ ગટરના પાણી સાથે મિશ્ર થઇને આ તળાવમાં આવે છે જેને કારણે તળાવના પાણીમાંથી દુર્ગંધ આવે છે.
આ તળાવની આસપાસ સંરક્ષિત જળગ્રાહ્ય ક્ષેત્રમાં વન્ય પ્રજાતિઓ હરણ, જંગલી બિલાડી, શિયાળ અને ચિત્તા વગેરે જોવા મળે છે. ભૂતકાળમાં આ સ્થળ પક્ષીવિદો માટે સ્વર્ગ સમાન હતું અને જયપુરના રાજપૂત રાજાઓ તેમની રાજ બતક શિકારની ઉજવણી માટે અહી આવતાં હતાં. આ તળાવ સ્થાનિય તેમજ સ્થળાંતર પક્ષીઓનું પણ નિવાસ સ્થાન હતું. સુરખાબ, વિશાળ ક્રેસ્ટેડ ગ્રેબ, પીનટેલ, પોકાર્ડ, કેસ્ટ્રેલ, રેડશેંક જેવા પક્ષીઓની સંખ્યા તળાવનું પાણી પ્રદૂષિત થઇ જતા ઘટી ગઇ છે. જોકે હવે આ તળાવનું નવિનીકરણ થઇ રહ્યું છે ત્યારે ફરી આ પક્ષીઓ આ તળાવ પ્રત્યે આકર્ષિત થઇ રહ્યા છે.
માનસાગર તળાવમાં આવેલો જલમહેલ રાજપૂત અને મોગલ શૈલીના મિશ્ર શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. આ મહેલ પાંચ માળનો બનેલો છે. મહેલના ચણતરમાં જળકૃત રેતીના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવેલો છે. જયારે તળાવ પાણીથી ભરાઇ જાય છે ત્યારે ચાર માળ પાણીમાં ડુબી જાય છ અને ફકત એક જ માળ જોઇ શકાય છે. મહેલની છત ઉપર આવેલી ચોરસ આકારની છત્રી બંગાળ શૈલીની છે. ચાર ખૂણે આવેલી છત્રીઓ અષ્ટકોણાકારની છે. પાણીના ભરાવાથી આ મહેલને નુકશાન થયું છે જે હાલમાં રાજસ્થાન સરકાર દ્વારા સમારકામ કરવામાં આવી રહ્યું છે. મહેલની છત ઉપર એક બગીચો બનાવવામાં આવેલો હતો જેમાં કમાનદાર ગલિયારા બનાવેલા હતાં. મહેલના ચાર ખૂણે અષ્ટાકાર મિનાર હતા જેમાં હાથીના આકરનો શણગાર હતો.
થોડા વર્ષો પહેલા જયારે આ મહેલનું સમારકામ કરવામાં આવેલું હતું તે યોગ્ય રીતે થયેલું ન હતું. આ પ્રકારની શૈલીના જાણકાર લોકોની સલાહ લઇને ફરીથી તેને સંવર્ધિત કરવામાં આવ્યું છે. મહેલની દિવાલોના પ્લાસ્ટરમાં ચૂનો, રેતી, ગોળ, ગુગળ અને મેથીનો ભૂકો જેવા ઓર્ગેનિક પદાર્થો વાપરવામાં આવેલા છે જેના કારણે મહેલને પાણીથી નુકશાન ઓછું થઇ રહ્યું છે. જલમહેલ તળાવની અંદર આવેલો છે જે જયપુર-દિલ્હી રાષ્ટ્રિય ધોરી માર્ગ-૮ ઉપરથી જોઇ શકાય છે. આ મહેલ જયપુરથી ૪ કિ.મીં અને આમેરના કિલ્લાથી ૧૧ કિ.મીં દૂર આવેલો છે. તળાવની સામે કચવાહા પરિવારના પૂર્વજોની સ્મૃતિમાં છત્રીઓ બાંધવામાં આવેલી છે. બગાચીઓની વચ્ચે આ છત્રીઓ જયસિંહ(બીજા) દ્વારા બાંધવામાં આવેલી છે.
તળાવની અંદર એક સુંદર મહેલ હોઇ તે એક અનેરી કલ્પના છે જે અહીં માનસાગર તળાવમાં સાકાર કરવામાં આવેલી છે પણ શહેરીકરણના કારણે આ તળાવ અને જલમહેલની હાલત કફોડી છે તેવું કહી શકાય.
વિનીત કુંભારાણા
/articles/jayapauranaun-maanasaagara-talaava-0