જળ સંચય

જળ એ જ જીવન છે...જીવ માત્ર માટે જળ કેન્દ્રબિંદુ છે. જળ વગરની સૃષ્ટિની કલ્પના જ અશકય છે. આજના યુગમાં નિરંતર પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે. ગ્લોબલ વોર્મિંગના આ સમયમાં કહેવાય છે કે, ત્રીજું વિશ્વ યુધ્ધ પાણી માટે થશે. આ પરિસ્થિતિનું સર્જન કરનાર માનવી જ છે તો તેમાંથી માર્ગ પણ માનવીએ જ શોધવાનો છે. મોટા ભાગે આપણે પાણી વરસાદ દ્વારા મેળવીએ છીએ. આપણા વડીલો અને પૂર્વજોએ વરસાદી પાણીનો ખૂબ જ કુનેહપૂર્વક ઉપયોગ કર્યો છે જે આજે પણ આપણને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂર્ણ પાડે છે.

જળ સંચયના સંદર્ભમાં કચ્છ જિલ્લાના સરકારી પ્રાથમિક શાળાના આચાર્યો અને મુખ્ય શિક્ષકો માટે તાલિમ ભવન-ભુજ ખાતે તારીખ ૨૨, ૨૩, ૨૪,ઓગસ્ટ, ૨૦૧૩ એમ ત્રણ દિવસીય 'જળ સંચય' વિષય પર તાલિમ યોજવામાં આવી હતી. જેમાં કચ્છ જિલ્લાના નવ તાલુકામાંથી ૨૫ તાલિમાર્થીઓ જોડાયા હતા. એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેકનોલોજિસ સંસ્થા-ભુજ(એકટ) અને જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતી-ભુજ (જે.એસ.એસ.એસ.) દ્વારા તાલિમ આપવામાં આવી હતી.પ્રથમ દિવસે એકટ સંસ્થા અને જે.એસ.એસ.એસ.ની કામગીરીનો પરિચય આપવામાં આવ્યો. ઉપસ્થિત તાલિમાર્થીઓ અને સંસ્થા-સમિતીના સભ્યોનો પરિચય કેળવ્યા બાદ એકટના ડો. સેઝીના ભીમાણી દ્વારા જળ સંચય શા માટે? તેના પર સૌની સાથે ચર્ચા કરવામાં આવી. શાળાઓમાં કોણ, કેવી રીતે જળ સંચય કરે છે તેમજ આ તાલિમ આપવા અને લેવા પાછળ આપણો ઉદ્‌ેશ શું છે? આ તાલિમ જળ સંચય કરવા માટે કેવી રીતે ઉપયોગી થઇ શકે? જળ સંચય ફકત વરસાદી પાણી સંગ્રહ કરવાથી જ થાય તેમ નથી પણ આપણી પાસે જે પાણી છે તેની જાળવણી પણ જળ સંચય જ છે. જેવા મુદ્‌ાઓ ઉપર ચર્ચા થઇ હતી.

એકટના નેહા શુકલાએ 'જલચક્ર' દ્વારા પાણીનું પૃથ્વી ઉપર ગમન-આગમન કેવી રીતે થાય છે તે દર્શાવતા પાણીનું બાષ્પિભવન, વાદળોનું બંધાવુ, પાણીનું ઘનીભવન અને ત્યારબાદ વરસાદ- બરફના કરા દ્વારા જમીન પર પાછું આવવું તથા પાછું જમીનમાં રિચાર્જ થવું, વહી જવું જેવી બાબતો સમજાવી હતી.

અન્ય એક લેકચર દ્વારા ડો. સેઝીના ભીમાણીએ 'કચ્છ અને પાણી-ક્ષમતાઓ, મુશ્કેલીઓ અને નિરાકરણ ' વિષય પર વિસ્તૃત સમજ આપી હતી. કચ્છ એ શુષ્ક પ્રદેશ છે તો આપણી આબોહવાને ધ્યાનમાં રાખી સપાટીય જળ સંગ્રહ અને ભૂગર્ભજળ રિચાર્જ દ્વારા જળ સંગ્રહ કરવું જોઇએ. કચ્છ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, કચ્છમાં કેવા પ્રકારના ખડકો છે, કેવા પ્રકારના ખડકોમાંથી પાણી મળે છે, કેવા પ્રકારના ખડકોમાં પાણી રિચાર્જ કરી શકાય, તેમજ વિવિધ ખડકો અને ખનિજો, તેમની વિવિધ પ્રકારની લાક્ષણિકતાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. ઇતિહાસ અને આપણી સંસ્કૃતિમાં પાણી કેવી રીતે વણાયેલું છે, મોટા શહેરો જયાં પાણી છે ત્યાં વિકાસ પામ્યા છે જે તેનું મોટું ઉદાહરણ છે. કચ્છમાં ૧૯૭૦ના ભૂકંપ પછી બોરવેલ ટેકનોલોજિ અસ્તિત્વમાં આવી. હાલની પાણી વ્યવસ્થા અને પહેલાંની પાણી વ્યવસ્થાની સરખામણી કરીએ તો પહેલાંની આપણી પરંપરાગત જળસ્રોતો પરની વ્યવસ્થા ખુબ સુંદર હતી. તેને સાચવીએ તો પણ એ જળ સંચયનું જ કાર્ય છે અને આપણે સાથે મળી તે કાર્ય કરીએ.

બ્રિજેન ઠાકર દ્વારા 'જળ સંચય કેવી રીતે-તેના વિવિધ પ્રકારો' પર સમજ આપવામાં આવી. ભારતનું પાણીનું બજેટ, ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં જળ સંચય કેવી રીતે થઇ શકે, ભારતમાં પાણીનો વપરાશ-ખેતી, ઉદ્યોગો અને ઘર વપરાશમાં કેટલો થાય છે, ભારતની નદીઓ, ગુજરાતમાં મળતા પાણીની માહિતી અને ભારતની પરંપરાગત જળ સંરક્ષણ પધ્ધતિઓ વિશે અને આજની આધુનિક જળ સંરક્ષણ પધ્ધતિઓ વિશે જાણકારી આપવામાં આવી. જેમ કે, વરસાદી પાણીને ભૂગર્ભ ટાંકાઓમાં સંગ્રહ કરીને, ભૂગર્ભમાં રિચાર્જ કરીને, ઝાકળના પાણીનો પીવાના પાણી તરીકે સંગ્રહ કરીને, ઘર વપરાશના પાણીને શોષખાડા દ્વારા રિચાર્જ કરી ફરી ઘર વપરાશના ઉપયોગમાં લેવું. સબ સરફેસ ચેકડેમ દ્વારા, કૂવા-બોરવેલ રિચાર્જ દ્વારા, ખેત તલાવડી દ્વારા, નાની-નાની નદીઓ પર રિચાર્જ ચેકડેમ દ્વારા, મોટા સિંચાઇ ડેમ દ્વારા, વોટરશેડ મેનેજમેન્ટ દ્વારા સમગ્ર વોટરશેડને ધ્યાનમાં રાખી પ્લાનીંગ કરવું જેથી ભૂગર્ભજળ રિચાર્જ પણ થાય અને જમીન ઉપર પણ સંગ્રહ થાય, ટપક સિંચાઇ દ્વારા-ઓછા પાણીથી ખેતી આમ, વિવિધ પ્રકારે જળ સંગ્રહ અને રિચાર્જ થઇ શકે છે. જળ સંરક્ષણને અસર કરતા વિવિધ પરીબળો જેવા કે, વનસ્પતિ, જમીનની પાણી સંગ્રહ કરવાની શકિત, વરસાદની સરેરાશ માત્રા અને તિવ્રતા, વાતાવરણ, બાષ્પિભવન, પાણીનું આવકક્ષેત્ર, ભૌગોલિક અને ભૂગર્ભની પરિસ્થિતિ, વ્યવસ્થાપન પધ્ધતિ વગેરે પરીબળોને ધ્યાનમાં રાખી જળ સંચય અને સંરક્ષણ કરવું જોઇએ. કચ્છમાં જયાં જળસ્રોત વ્યવસ્થાપનના કાર્યો થયા છે તે વિસ્તારોમાં કેવા પ્રકારની વ્યુહ રચનાઓ ઘડવામાં આવી છે તેની સમજ આપી. જેમ કે, ડાડોર ગામમાં પીવાના પાણીને ધ્યાનમાં રાખીને ભૂગર્ભ જળસ્રોત વ્યવસ્થાપનની વ્યુહ રચના બનાવવામાં આવી છે.

દ્વિતિય દિવસે તાલિમની શરૂઆત વરસાદી પાણી સંગ્રહ અને વિકેન્દ્રીત પીવાના પાણીની વ્યવસ્થા વિશે શિક્ષકોના પ્રશ્નો ઉપર ચર્ચા થઇ. વિકેન્દ્રીત પીવાના પાણીની વ્યવસ્થા પર સેઝીનાબેન દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. શા માટે વિકેન્દ્રીત વ્યવસ્થા થવી જોઇએ? જેના કારણો રૂપે તેમણે જાણાવ્યું કે, કેન્દ્રીત વ્યવસ્થામાં વધારે પડતો પાણી પાછળ ખર્ચ થાય છે, જમીનમાં ખારાશનું પ્રમાણ વધતું જાય છે,ભૂગર્ભજળ ઓછું થતું જાય છે, પરંપરાગત જળસ્રોતો જેવા કે, કૂવા-તળાવો પર લોકોની લાગણીઓ ઓછી થતી જાય છે, દૂર-દૂરથી આવતી પાઇપ લાઇનની સિસ્ટમમાં અવાર-નવાર થતી મુશ્કેલીઓ, પંપ હાઉસ-લાઇટની મુશ્કેલી-વાલ્વમેન-લાઇનમેન વગેરેની તાનાશાહી વગેરે ગેરલાભોને દૂર કરવા જરૂરી માહિતી એકત્રીકરણ કરી, લોકોના મંતવ્યો અને જરૂરીયાત મુજબનું પ્લાનીંગ કરીને સ્ટોરેજ, સપાટી પર અને ભૂગર્ભ જળમાં રિચાર્જ કરવું જોઇએ, દરેક વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને પ્લાનીંગ અને વ્યવસ્થાપન થવું જોઇએ. તેનાથી એ ફાયદા થાય છે કે, પોતાના જળસ્રોત પરની લાગણી વધે છે, સમયસર પાણી મળી શકે છે, લોકોને સમાન વહેંચણી થાય છે અને ઓછા ખર્ચે વિકેન્દ્રીત યોજના ચલાવી શકાય છે.

નલિયા સ્થિત પરબ સંસ્થાના જીતુભા જાડેજા દ્વારા 'ભૂગર્ભજળ સુરક્ષા-પીવાનું પાણી' વિષય પર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આપણે થોડીક તકેદારીઓ રાખીને ભૂગર્ભજળ અને તેના સ્રોતોની જાળવણી કરીએ તો બહારના સ્રોતો ઉપરની આપણી આધારિતતા ઓછી થાય અને પાણી બાબતે આપણે સ્વાયત બની શકીએ એ આ પ્રેઝન્ટેશનનું નિષ્કર્ષ હતું. ભૂગર્ભજળની સુરક્ષા માટે ગામનો અભ્યાસ, હાલની અને પહેલાંની પાણીની પરિસ્થિતિનો અભ્યાસ, ટેકનીકલ અને સોશિયલ સર્વે, ગ્રામ સભા બોલાવી તેમાં ગામલોકો સમક્ષ અભ્યાસ દ્વારા મેળવેલા તારણો રજુ કરવા ત્યારબાદ ગામલોકો સાથે મળી આયોજન બનાવવું અને વ્યવસ્થાપન માટેની નીતિઓ ઘડવી જોઇએ.

'શહેરી વિસ્તારમાં થયેલ જળ સંચય-ભૂગર્ભજળ રિચાર્જ' વિષય પર જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતીના શ્રી પીર સાહેબ અને શ્રીમતી દિવ્યાબેન વૈદ્ય દ્વારા માહિતી આપવામાં આવી. પીર સાહેબે સમિતીની રચના વિશે માહિતી આપી, ૨૦૦૬ માં એકટ સંસ્થાના ડાયરેકટરશ્રી યોગેશભાઇ જાડેજાને શહેરી વિસ્તારમાં પાણી પર કાર્ય કરવાનો વિચાર સ્ફૂર્યો અને હમીરસર તળાવના અભ્યાસને લોકો સમક્ષ 'હમીરસર એક જલગાથા' પ્રવાસના માધ્યમથી મૂકયો. શહેરીજનોને જોડયા, ચિંતન શિબીર યોજી અને તારીખ ૧૯-૦૮-૨૦૦૭ના રોજ 'હમીરસર સ્નેહ સંવર્ધન સમિતી'ની સ્થાપના થઇ, લોકોની માંગ અને જરૂરિયાતને ધ્યાનમાં લેતા સમિતી અન્ય જળસ્રોતો પર કાર્ય કરતી થઇ, લોકજાગૃતિના કાર્યોથી કરીને અમલીકરણના કાર્યો થયા, આમ, દરેક પ્રકારના જળસ્રોતો પર કાર્ય કરતા સમિતીનું નામકરણ પણ કરવામાં આવ્યું અને હમીરસર સ્નેહ સંવર્ધન સમિતીમાંથી 'જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતી' બની. જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતીના વિવિધ કાર્યો જેવા કે, લોકજાગૃતિ, વરસાદી પાણી સંગ્રહ પર શાળાઓમાં ભૂગર્ભ ટાંકા-રિચાર્જ બોરવેલ બનાવવા, તળાવોના સંરક્ષણ પરના કાર્યો, કૂવા-બોરવેલ રિચાર્જ કરવા, વિકેન્દ્રીત પીવાના પાણીની યોજનાઓ અમલીકૃત કરવી, વિવિધ અભ્યાસો કરવા, વગેરે માહિતી શ્રીમતી દિવ્યાબેન દ્વારા આપવામાં આવી.

ત્રીજા દિવસે શિવનગર પ્રાથમિક શાળા નં.૨૪ની મુલાકાત લેવામાં આવી હતી. શાળામાં અમલીકૃત વરસાદી પાણી સંગ્રહની યોજના વિશે શાળાના આચાર્ય શ્રી પરેશભાઇ ગુજરાતીએ વિસ્તૃત સમજ આપી. કેવી રીતે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, વિસ્તારના આગેવાનો, એકટ સંસ્થા-જે.એસ.એસ.એસ., અન્ય સસ્થા-દાતાઓ, નગરપાલિકાનો સાથ સહકાર મેળવી આ યોજના અમલીકૃત કરવામાં આવી છે. ચાર વર્ષથી આ યોજનાનું સંપૂર્ણ સંચાલન શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ખુબ જ સરસ રીતે થઇ રહ્યું છે તેની પણ સમજ આપવામાં આવી. જે.એસ.એસ.એસ.ના મનીષાબા જાડેજા દ્વારા વરસાદી પાણી સંગ્રહની આ કામગીરી શા માટે સરકારી પ્રાથમિક શાળાઓમાં કરવાનું વિચાર્યું તે વિશે સમજ આપી. સરકારી પ્રાથમિક શાળાઓ મોટા ભાગે વંચીત વિસ્તારોમાં આવેલી છે અને જે શાળાઓ વંચીત વિસ્તારમાં નથી તેમાં પણ બાળકો તો વંચીત વિસ્તારમાંથી આવે છે, જેઓને સારી ગુણવત્તાનું પાણી મળતું નથી, જે સૌની મુળભૂત જરૂરિયાત પણ છે, બાળકોમાં આજથી જો આ વિચારનું બીજ રોપવામાં આવશે તો તે બાળકો જે આવતી કાલની પેઢી છે તે જળ સંચયને સારી રીતે સમજશે.

વિનીત કુંભારાણા
Path Alias

/articles/jala-sancaya

Post By: vinitrana
×