જળ સહયોગ : પરસ્પર સમજૂતિથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવાથી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા રહે છે

માનવજીવનની મૂળભૂત જરૂરિયાતો, પર્યાવરણ અને દેશનો સામાજિક-આર્થિક વિકાસનો આધાર પાણી છે. પાણીનું સુનિયોજીત વ્યવસ્થાપન તેની કેટલીક અનન્ય લાક્ષણિકતાઓને કારણે પડકારરૂપ છે. ઝડપથી થઇ રહેલું શહેરીકરણ, પ્રદૂષણ અને કલાઇમેટ ચેઇન્જ જેવા પરીબળોને કારણે પાણીના સ્રોતો ભયસ્થાનના સ્તર ઉપર આવી ગયા છે. વધી રહેલા વસતિ વધારાને કારણે ઘરેલું વપરાશ, ખાદ્ય ઉત્પાદન અને ઓદ્યોગિક ક્ષેત્રે પાણીનો ઉપયોગ વધી રહ્યો છે. પૃથ્વી ઉપર મળતું પાણી એક સાર્વત્રિક વહેચાયેલો સ્રોત છે અને તેના વ્યવસ્થાપન માટે વિવિધ વિરોધાભાષી પરિબળોને ગણતરીમાં લેવાની હવે તાતી જરૂરિયાત છે. વ્યવસ્થાપનની આ પ્રક્રિયામાં વપરાશકર્તાઓ વચ્ચે સહકાર માટેની પૂરતી તકો રહેલી છે.

વર્ષ ૨૦૧૩ના વિશ્વ જળ દિવસના અનુસંધાનમાં આ વર્ષને જળ સહયોગની થીમ સાથે જોડવામાં આવેલું છે. જળ સહયોગ એટલે પ્રવર્તમાન સમયમાં પાણીની જરૂરિયાત અને તેની પ્રાથમિકતા વચ્ચે એક મજબૂત સંતુલન બનાવી રાખવું. પાણીના વધારે પડતા ઉપયોગને કારણે પાણીની અછત ઊભી થઇ રહ્યી છે તેને કારણે સમાજમાં તંગદીલી ઊભી થાય ત્યારે પાણીને જ શાંતિના એક માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાનું આ થીમમાં સૂચવવામાં આવેલું છે. જળ સહયોગ પ્રોત્સાહન, સાંસ્કૃતિક, શૈક્ષણિક, વૈજ્ઞાનિક પરિબળોની સાથે ધાર્મિક, નૈતિક, સામજિક કાનૂની અને આર્થિક હકારાત્મક પરિણામો લાવવાનો સૂચીત અભિગમ છે.

પાણીના વિવિધ સ્રોતો બાબતે આંતરાષ્ટ્રિય ક્ષેત્રે સમુદાય વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ સમસ્યાઓના ઉકેલ માટે સમુદાય, પરિસ્થિતિ અને તંત્રએ પ્રતિબદ્ઘ થઇને નક્કર કામગીરી કરવાની જરૂર છે. જળ સહયોગ દ્વારા પાણીનું યોગ્ય વ્યવસ્થાપન કરીને પાણી બાબતના પડકાર, લાભ અને અંર્તભાવની સુધારણા માટે વિશ્વના દેશો વચ્ચે પરસ્પર આદર, સમજણ, શાંતિ, સુરક્ષા અને ટકાઉ આદર્શ આર્થિક વૃદ્ઘિને ઉત્તેજન આપી શકાય તેમ છે. જળ સંશાધન વ્યવસ્થાપન સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે એકી સાથે થવું જરૂરી છે. આ એક વિવિસ્તરીય વ્યાપક અભિગમ તરીકેની કામગીરી ગણી શકાય. તમામ વપરાશકર્તાઓ સાથે સરકારી, ખાનગી સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોએ સંવેદનશીલ અને વંચીત લોકો પ્રત્યે વિશેષ કાળજી રાખવી જરૂરી છે. વંચીત વિસ્તારના લોકોની આજીવીકાની સાથે તેમની જીવન જરૂરિયાતની તમામ સગવડો પૂરતા પ્રમાણમાં મળી રહે એ દિશામાં સામૂહિક રીતે કાર્ય કરવાની પરિસ્થિતિનું નિર્માણ હવે થઇ ચૂકયું છે. મૂળભૂત રીતે જળ વ્યવસ્થાપનના વિકલ્પો સરકારી નીતિઓ સાથે સુસંગત હોવા જોઇએ અને સાથે-સાથે સમાજને પણ અનુરૂપ હોય એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જળ વ્યવસ્થાપનના નિર્ણયો સામાજિક, રાજકિય અને જૈવિક પર્યાવરણની મર્યાદાને ધ્યાનમાં રાખીને કરવા જોઇએ અને કુદરતી સંશાધનોની ફાળવણી તથા વિતરણ સંતુલિત રીતે વૈશ્વિક પર્યાવરણને ધ્યાનમાં રાખીને કરવી જોઇએ.

જળ સહયોગ માટે નવીન અભિગમ શું હોઇ શકે ? વિશ્વભરમાં પાણીના મુદ્રાઓને નવીન અભિગમથી સંબોધવા માટે રાજકિય ઇચ્છા નિર્ણાયક રહે છે. સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય જળ સહયોગ સંપર્ક માટે એક સમાન વિચારધારાને પાયાનું અંગ ગણી શકાય. પાણીના મુદા બાબતે ખુલ્લી ચર્ચા અને સ્થાનિક લોકોની સહભાગીદારી ખૂબ જ જરૂરી છે કારણ કે, તે સુચારૂં પ્રશાસન, જવાબદારી અને પારદર્શકતા જેવા વાતાવરણને ઉત્તેજન આપતી મહત્વની કડી છે. આ કડી જળ સંપત્તિ બાબતે સહકારની ભાવના અને રાજકિય પ્રતિબદ્ઘતાને ઉજાગર કરે છે. જળ સહયોગની પરામર્શ જળ વ્યવસ્થાપન સહિત તમામ સ્તરના લોકોને જીવન જરૂરી લાભો પહોચાડવામાં મદદરૂપ થઇ શકે તેમ છે.

પાણીની પ્રાપ્તીનો મુદો કયારેક સમાજમાં લોકો વચ્ચે વિભાજનની પ્રક્રિયા કરે છે. ભૂતકાળના અનુભવો દ્વારા જાણી શકાય છે કે, આવા સમયે વાટાઘાટ અને પરસ્પર સહકાર દ્વારા જટિલ મુદાઓનો પણ સામનો સરળતાથી કરી શકાય છે. પરસ્પર સમજૂતિથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવાથી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા રહે છે. સદનસીબે આપણી પૃથ્વી દરેકને 'પાણી સુરક્ષા' પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ, પાણી સુરક્ષા ત્યારેજ શકય બને જયારે સમાજ જળ વ્યવસ્થાપનના વૈચારિક અભિગમને યોગ્ય રીતે સમજે અને તેનું અનુકરણ કરે! આપણા ઇતિહાસમાં ડોકિયું કરીએ તો જાણવા મળે છે કે, અગાઉ લોકો નદીઓના પાણીને પરસ્પર સમાન રીતે વહેચીને વાપરતા હતા. અહીં ચાવીરૂપ મુદો એ છે કે, શાંતિર્પૂણ ઉકેલ માટે લોકો પોતાના આચરણને કદી નેવે મૂકતાં ન હતા.

પાણી અને પાણીનું વ્યવસ્થાપન ટકાઉ વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. એક આદર્શ સંકલિત, સામાજિક, આર્થિક અને પર્યાવરણીય માળખું પાણીના યોગ્ય વ્યવસ્થાપનથી બને છે. પાણીના વ્યવસ્થાપન બાબતના નિર્ણયોમાં તમામ સ્તરના લોકોએ સહભાગી થવું જોઇએ. તમામ સ્તરની સંતુલિત વ્યુહરચના વગર પારિસ્થિતિક તંત્રની એકસૂત્રતાને જાળવી રાખવી અશકય છે. જળ સંશાધનોના વિકાસ અને તેના રક્ષણ માટેની સંયુકત જવાબદારી જે-તે વિસ્તારના લોકોની ઉપર હોય છે. લોકોની સાથે તંત્ર પણ પ્રમાણિકતાથી સાથ આપે તે જરૂરી છે.

વિનીત કુંભારાણા
Path Alias

/articles/jala-sahayaoga-parasapara-samajauutaithai-vaaisavaika-paanai-samasayaanao-ukaela-0

Post By: vinitrana
×