જામનગરનું રણમલ(લખોટા) તળાવ

ભુજ શહેરમાં આવેલા હમીરસર તળાવની રચના જામનગરના રણમલ(લખોટા) તળાવ ઉપરથી કરવામાં આવેલી છે. પ્રસ્તુત લેખમાં જામનગરના ઇતિહાસની સાથે તળાવની જાણકારી મેળવીએ:

[img_assist|nid=47337|title=RANMAL LAKE OF JAMNAGAR|desc=|link=none|align=left|width=199|height=142]જામનગરની સ્થાપના ઇ.સ. ૧૫૩૫ માં જામ રાવળે ખીલી ખોડીને કરી હતી. જામનગર શહેરનું બાંધકામ જામ રાવળે ઇ.સ. ૧૫૪૦માં શરૂ કરાવ્યું હતું. જામ રાવળના પિતા જામ લાખાજી કચ્છમાં 'તેરાબાનુ' પ્રાંતમાં રાજ કરતાં હતા. જામ લખાજીને તમાચી દેદા અને હમીરજી જાડેજા નામે બે પિતરાઇ ભાઇઓ હતા જે હંમેશા જામ લખાજીના બહાદુર 'લડવૈયા' તરીકેના વ્યકિતત્વને કારણે તેની ઇર્ષ્યા કરતા હતા. એ સમયના ગુજરાતના મહારાજા બહાદુરશાહે જામ લખાજીની બહાદુરીની કદર કરતા તેમને ૧૨ ગામ ઇનામ-ભેંટ તરીકે આપ્યા હતા. જયારે જામ લખાજી આ ભેંટ સ્વીકારવા જઇ રહ્યા હતા ત્યારે તમાચી દેદા અને હમીરજી જાડેજાએ કાવતરૂં રચીને તેમની હત્યા કરી નાખી હતી. જામ લખાજીનો પુત્ર જામ રાવળ બચી જવા પામ્યા હતા અને તેઓ ભાગી છુટયા અને પિતાની હત્યા કરનારા હમીરજી અને તમાચીને ખતમ કરી નાખવાની માં આશાપુરા સામે પ્રતિજ્ઞા લીધી. પિતાની હત્યાના બદલામાં તેમણે હમીરજી જાડેજાની હત્યા કરી હતી પણ તમાચી તેનાથી બચી ગયા અને ભાગી છુટયા. જામ રાવળે કચ્છ ઉપર કબજો મેળવ્યો હતો.

હમીરજીના બે પુત્રો ખેંગારજી અને સાહીબજી દિલ્હીના મુગલ સમ્રાટ હુમાયુના શરણે ગયા અને તેમની શિકારી ટુકડીમાં સામેલ થયા હતા. એક વખત સિંહનો શિકાર કરતી વખતે તેઓએ હુમાયુના પ્રાણ બચાવ્યા હતા આથી હુમાયુએ ખુશ થઇને તેમને ૧,૦૦,૦૦૦ સૈનિકોની ટુકડી સાથે પોતાના વતન કચ્છ ઉપર કબજો મેળવવા માટે મોકલ્યા. આ તરફ જામ રાવળને આ સમાચાર મળતાં તેમણે યુદ્ઘની તૈયારીઓ શરૂ કરી દીધી. એક દિવસ તેમને સપનામાં માં આશાપુરા આવ્યા અને તેની પ્રતિજ્ઞા યાદ અપાવીને કહ્યું કે, ''તમાચી હજુ જીવે છે તે તારી પ્રતિજ્ઞા પૂરી કરી નથી આથી આ મારૂં અપમાન છે માટે હવે હું કચ્છમાં રહેવાની નથી અને કાઠિયાવાડ તરફ જાઉં છું.'

જામ રાવળે પોતાના સપનાની વાત તેમના દરબારીઓ સાથે કરી અને પ્રતિજ્ઞા પૂરી કરવા માં આશાપુરાની સાથે કાઠિયાવાડ તરફ પ્રયાણ કર્યુ જયા તેમણે તેમના પિતાના હત્યારા તમાચીનો પ્રાંત ધ્રોળ અને તેની આસપાસનો વિસ્તાર કબ્જે કર્યો અને તમાચીને મારી નાખ્યો. જામ રાવળે ધ્રોળ પોતાના ભાઇ હરદોજીને આપ્યુ હતું જે તેના મૃત્યુ બાદ તેના મોટા પુત્ર જશાજીને મળ્યું હતુંં. આમ, જામ રાવળે કાઠિયાવાડનો ઘણો વિસ્તાર કબ્જે કર્યો હતો અને હવે તેના માટે એક રાજધાનીની જરૂર હતી. વિક્રમ સવંત ૧૫૯૧માં રંગમતી અને નાગમતી નામની બે નદીઓના કાંઠે 'નવાનગર'(આજનું જામનગર)ની સ્થાપના કરી હતી.

ઇતિહાસમાં નાગમતી નદી અંગેની પણ રસપ્રદ વાત છે. રાજસ્થાનના જેસલમેરનો રાજકુમાર ભૈરોજી 'નાગવિદ્યા'માં કુશળ હતો. ભૈરોજી 'સાગાઇ સંધાર' ની રાજકુમારી સેસાના પ્રમમાં હતો. રાજકુમારીએ ભૈરૌજીને ભુજંગ નાગ(કોબ્રા જાતના નાગનો રાજા)ને વશમાં કરવાની શરતે લગ્ન કરવાની તૈયારી બતાવી હતી આથી ભૈરોજી ભુજંગને વશમાં કરવા માટે તેમની પાછળ પડી ગયા. ભૈરોજીથી બચવા માટે ભુજંગ કચ્છ તરફ આવ્યા. ભૈરોજી પણ તેમની પાછળ આવ્યા. ભુજંગ પોતાની ચમત્કારીક શકિત વાપરીને નાગ આકારની લાકડીમાં ફેરવાઇ ગયા. ભૈરોજી ભુજંગને એ સ્વરૂપમાં ઓળખી ગયા અને એ લાકડીને કબ્જે કરી પોતાની પીઠ ઉપર બાંધી દીધી. ભુજંગ પોતાના મુળ સ્વરૂપમાં આવી ભૈરોજીને ખતમ કરી નાખ્યો અને રાજકુમારી તેમની પાછળ સતિ થઇ હતી. જે સ્થળેથી ભુજંગ કચ્છમાં પ્રવેશ પામ્યા ત્યાં એક ડુંગર હતો(છે) જેને ભુજંગ નામ આપવામાં આવેલું જે આજે ભુજીયા તરીખે ઓળખાય છે. જે સ્થળેથી ભુજંગ ભાગી છુટયો હતો ત્યાં એક નદી હતી તેને નાગમતી નામ આપવામાં આવેલું છે, આ નાગમતી નદી આજે જામનગરમાં પણ હયાત છે.

જામનગરની સ્થાપનના જામ રાવળે વિક્રમ સવંત ૧૫૯૧, માગસર વદ પાંચમના રોજ કરી હતી, જયારે ભુજ શહેરની સ્થાપના મહારાવશ્રી ખેંગારજી(પહેલા)એ વિક્રમ સવંત ૧૬૦૫, માગસર વદ પાંચમના રોજ કરી હતી. વિક્રમ સવંત ૧૫૯૧માં જામનગરની સ્થાપના સાથે જ રણમલ તળાવની બાંધણી પણ શરૂ કરવામાં આવેલી હતી. આમ જોવા જઇએ તો ભુજનું હમીરસર તળાવ અને જામનગરના રણમળ તળાવ બન્ને એક સરખા જ છે. હમીરસર તળાવની જેમ જ રણમલ તળાવ પણ ગોળાકાર અને વચ્ચે લખોટો ધરાવે છે ફર્ક એટલો છે કે, હમીરસર તળાવમાં લખોટામાં રાજેન્દ્ર બાગ છે જયારે રણમલ તળાવમાં લખોટામાં મ્યુઝીયમ બનાવવામાં આવેલું છે. રણમલ તળાવને લખોટા તળાવ પણ કહેવામાં આવે છે. પ્રાચિન માન્યતા પ્રમાણે ભુજ શહેર અને જામનગર શહેર ભુજંગ નામના નાગ સાથે સંકળાયેલા છે. ભુજ શહેરમાં જે સ્થળે સ્થાપના સમયે ખીલી ખોડવામાં આવેલી છે તે ભુજંગના માથા ઉપર લાગેલી છે અને જામનગર શહેરમાં જે સ્થળે સ્થાપનાની ખીલી ખોડવામાં આવેલી છે તે ભુજંગની પુંછડી ઉપર લાગેલી છે. જામનગર શહેરમાં રણમલ તળાવ પાસે એક 'કોઠો'(એક પ્રકારનું નળાકાર બાંધકામ) આવેલો છે. આ કોઠો 'ભુજીયો કોઠો' તરીકે ઓળખાય છે. એવું કહેવામાં આવે છે કે, આ કોઠાની અંદર એક એવું વિશાળ ભોયરૂં છે જેની અંદર ઘોડા ઉપર બેસીને આગળ વધીએ એટલે સીધા ભુજ શહેરના ભુજીયા ઉપર આવેલા કિલ્લામાં આવી શકાય!

રણમલ તળાવની વાત કરીએ તો આજે ભુજ શહેરમાં 'જળસ્રોત સ્નેહ સંર્વધન સમિતી' સપાટીય જળસ્રોતોના રક્ષણ માટે કાર્યરત છે પણ રણમલ તળાવ એવું નશીબવંતુ નથી. મહાનગરપાલિકા હસ્તક આ તળાવની સ્થિતિ આજે દયાજનક છે અને તેને આ સ્થિતિમાં લાવનાર બીજું કોઇ નહી પણ ત્યાંના રહેવાશીઓ છે. ભુજ શહેર અર્ધશુષ્ક એવા કચ્છ વિસ્તારમાં આવેલું છે તેની સરખામણીએ જામનગર શહેરમાં કચ્છ વિસ્તાર જેટલી પાણીની તંગી છે નહી. આથી કદાચ એવું હોઇ શકે કે, જામનગરવાસીઓને તળાળ ભરાયેલું હોય, ખાલી હોય કે ગંદકીથી ખદબદતું હોય તેનાથી કશો ફર્ક પડતો ન હોય! ભુજ શહેરમાં હમીરસરને ભુજનું હૃદય તરીકે નવાજવામાં આવે છે, જયારે રણમલ તળાવને એવું માન હજુ સુધી મળ્યું નથી. 'જળસ્રોત સ્નેહ સંર્વધન સમિતી' સપાટીય જળસ્રોતોના રક્ષણ માટે કાર્ય કરે છે ત્યારે તેમને કહેવાનું મન થાય કે, હમીરસરના સગા મોટાભાઇ સમાન આ તળાવ પ્રત્યે આવી રૂક્ષતા શા માટે? કોઇપણ શહેરની ઓળખ તળાવના નામથી થતી હોય તેવા ગુજરાતના આ માત્ર બે જ શહેરો છે. ભુજનું નામ પડે એટલે હમીરસર અને જામનગરનું નામ પડે એટેલે લખોટા તળાવ યાદ આવ્યા વગર રહે જ નહી. અફસોસની વાત એ છે કે, આજે રણમલ(લખોટા) તળાવની સંભાળ રાખનાર કોઇ નથી!

વિનીત કુંભારાણા
Path Alias

/articles/jaamanagaranaun-ranamalalakhaotaa-talaava

Post By: vinitrana
×