ભારતમાં આશરે ૭.૨ લાખ હેકટર વિસ્તારમાં તળાવો આવેલા છે. આ તળાવો છીછરા અને વિસ્તારના દ્રષ્ટિકોણથી એકદમ નાના છે. આ કારણોસર આવા તળાવોમાં ઓછી માત્રામાં વરસાદી પાણી સંગ્રહ થાય છે. આવા તળાવોના આવકક્ષેત્ર તેમજ તળાવના ભૂસ્તરનો અભ્યાસ કરીને તેને ઊંડા બનાવવાની કામગીરી હાથ ધરવી જોઇએ. ભુજ શહેરની વાત કરીએ તો, જયુબેલી સર્કલ પાસે ઓરિએન્ટ કોલોનીમાં આવેલી જીવણરાઇ તળાવડી નામશેષ તો નથી થઇ પણ તેનો વિસ્તાર ઘટી જવા પામ્યો છે. આ તળાવડીનો જેટલો પણ વિસ્તાર બચ્યો છે તેનું સિમાંકન કરીને તેની ઊંડાઇ વધારવાનું આયોજન કરવું જરૂરી બની જાય છે. આ પ્રમાણે જ પ્રાગસર તળાવની પણ બગડેલી પ્રણાલીને સુધારી શકાય તેમ છે. હમીરસર તળાવ ઓગની ગયા બાદ વધારાનું પાણી પ્રાગસર તરફ આવે છે આથી પ્રાગસર તળાવને ફરીથી ખુલ્લું કરવું જોઇએ જેથી વધારાનું પાણી શહેર તરફ ન આવતાં પ્રાગસર તરફ જાય.આ કાર્ય કઠિન છે કારણ કે, પ્રાગસર તરફ જતાં પાણીના માર્ગમાં અનેક આડાશો આવી ગયેલી છે જે આપણે જ ઊભી કરી છે. જાગૃત નાગરીક તરીકે આપણી ફરજ સમજીને આપણે પાણીના વહેણના માર્ગમાંથી ખસી જવું જોઇએ. તળાવ ઉપર કોઇ એકની માલિકી હોતી નથી. કોઇપણ ગામ-શહેરમાં આવેલા તળાવ ઉપર તે ગામ-શહેરની માલિકી હોય છે. આથી આવા તળાવોના વિકાસનું કાર્ય ફકત એક તંત્ર દ્વારા કરવું અશકય છે. યોગ્ય દિશામાં કામ કરતાં તંત્રની સાથે આવા જ બીજા વહીવટી માળખાઓની સમિતી (ઉદાહરણ: જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતી) અને અનુભવી તજજ્ઞો તથા લોકભાગીદારીથી તળાવોના વિકાસના કાર્યો શકય બની શકે. આથી આવા તળાવોના વિકાસના કામ પ્રત્યે લોકો જાગૃત થાય એ અત્યંત જરૂરી છે. સરકાર દ્વારા તળાવો અંગેની કામગીરીઓ હાથ ધરવામાં આવે છે પણ કેટલા લોકો આવી કામગીરીમાં સહભાગી થાય છે તે એક મનોમંથનનો વિષય છે.વિશ્વમાં પાણીને બે પ્રકારે ઓળખવામાં આવે છે ગ્રીન વોટર અને બ્લુ વોટર. આપણે જાણીએ છીએ કે, ખોરાક ખેતીના પાક ઉત્પાદન દ્વારા મળે છે અને તેના માટે જમીનની સાથે પાણીની જરૂરિયાત રહે છે. આ પાણી વરસાદ(ગ્રીન વોટર)અને નદી, તળાવો વેટલેન્ડસ અને એકિવફર(બ્લુ વોટર) દ્વારા પ્રાપ્ત થાય છે. સમગ્ર વિશ્વમાં ખેતીમાં ૭૦% બ્લુ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વમાં ખેડી શકાય તેવી જમીનમાંથી ૨૦ ટકા જમીન પિયતખેતીની છે જે વિશ્વના ૪૦ ટકા ખોરાક માટેના ઉત્પાદનો રળી આપે છે. આની સામે તળાવો અને વેટલેન્ડસના પાણીમાંથી પણ ફૂડ સિકયુરિટી મળે છે. જો આવા તળાવો કે વેટલેન્ડસનું પાણી ખેત ઉત્પાદન માટે વાપરી નાખવામાં આવે તો તેમાંથી મળતી ફૂડ સિકયુરિટી નષ્ટ પામે!ખોરાક સાથે પાણી અન્ય રીતે પણ જોડાયેલું છે. ઉદાહરણ જોઇએ તો યુ. એન.ના અહેવાલ પ્રમાણે એક કપ ચા બનાવવા માટે ૩૫ લિટર પાણીની જરૂરિયાત રહે છે. વાત અસ્વભાવીક લાગે પણ સાચી છે કારણ કે, અહીં ફકત ચા બનાવવા માટે વપરાતાં પાણીની વાત નથી પણ એક કપ ચા બનાવવા માટે વપરાતી ચાની ભૂકીનું ઉત્પાદન કરવા તેમજ તેના પ્રોસીંગમાં વપરાતાં પાણીની સાથે ચા બનાવવાથી લઇને ચા પીધા બાદ કપ-રકાબી ધોવાની પ્રક્રિયા સુધી વપરાતા પાણીની વાત કરવામાં આવી રહી છે. કોણ, કયાં, કેવી રીતે પાણી વાપરી રહ્યું છે એ ઊંડાણપૂર્વક જોવાનું શરૂ કરવું પડશે તો જ આપણને ખ્યાલ આવશે કે, કયાં બીન જરૂરી પાણીનો વપરાશ થઇ રહ્યો છે અને આ બીનજરૂરી પાણીનો વપરાશ અટકાવીશું તો જ સાચા અર્થ વિશ્વ જળ દિવસ કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી કહેવાશે. જોકે દરેકે શરૂઆત પોતાનાથી જ કરવી પડશે...!
Path Alias
/articles/gaujaraata-raajayanai-jala-sanpatatai-3
Post By: vinitrana