ગુજરાત રાજય જળનીતિ અંગે રૂપરેખા/મુસદો

ગુજરાત રાજયની ભૂર્ગભ અને સપાટીય જળ સંપત્તિ અપૂરતી અને મર્યાદિત હોવાને કારણે સંકલિત આયોજન દ્વારા રાજયના જળસંશાધનોનો વિકાસ કરવો જરૂરી છે. રાજયના કેટલાક ભાગોમાં વધુ પ્રમાણમાં ખેંચાતી ભૂર્ગભજળ સંપત્તિ સામે પાણીનું વૈજ્ઞાનિક વ્યવસ્થાપન અને કાર્યક્ષમ ઉપયોગ માટે કડક પગલાઓ લઇ વિનીમય અને નિયંત્રણ કરવું જરૂરી છે. પીવાના અને ઘરવપરાશના પાણીને અગ્રતા આપવાની સાથે જુદા-જુદા વિસ્તારોમાં સમાન રીતે પાણીની વહેચણીની સાથે વપરાયા વગરના ભૂર્ગભજળની સાથે સપાટીય જળનો પણ કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઇએ.

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૪માં નર્મદા, જળસંપત્તિ, પાણી પૂરવઠો અને કલ્પસર વિભાગ-સચિવાલય, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજય જળનીતિ અંગે રૂપરેખા/મુસદો તૈયાર કરવામાં આવેલો છે. આ રૂપરેખામાં રાજયની જળનીતિની જરૂરિયાત, ઉદ્રેશ્યો, જળસંપત્તિનું આયોજન, વિકાસ અને વ્યવસ્થાપન અંગે વાત કરવામાં આવેલી છે. આ ઉપરાંત પીવાના પાણી, તેની ગુણવત્તા તેમજ સિંચાઇના પાણી વિશે વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવેલી છે. આ રૂપરેખા/મુસદાની વિગતવાર માહિતી માટે આ લેખ સાથે જોડવામાં આવલી PDF ફાઇલ વાંચવી. જીવસૃષ્ટિ માટે પાણી અનિવાર્ય કુદરતી સ્રોત છે. પાણી વગર જીવન અશકય છે એ હવે સર્વ સામાન્ય વાત છે. પાણી વગર જીવન કઠિન છે. આથી જ કુદરતે વસુંધરા ઉપર અનેક સ્થળે, અનેક રીતે કુદરતી જળસ્રોતોની રચના કરી છે. કુદરતી જળસ્રોતો ગુજરાત રાજયમાં અન્ય રાજયોની સરખામણીમાં ઓછા છે અને કચ્છ જેવા જિલ્લામાં તો નહિવત કહી શકાય એટલા કુદરતી જળસ્રોતો છે. ગુજરાત રાજયની આર્થિક સ્થિતિ વધુ મજબૂત થાય એ માટે આવા કુદરતી સ્રોતોનું સંરક્ષણ અતિ મહત્વનું છે.

ગુજરાત રાજયની જળસંપત્તીની વાત કરીએ તો, ગુજરાત રાજયને ચાર વિભાગમાં વહેચી નાખવામાં આવેલું છે
૧. દક્ષિણ અને મધ્ય ગુજરાત એટલે કે, સાબરમતિ નદીથી દક્ષિણ તરફનો ભાગ
૨. ઉત્તર ગુજરાત
૩. સૌરાષ્ટ્ર
૪.કચ્છ
રાજયના કુલ વાર્ષિક વરસાદનો ૯૫% વરસાદ દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી આવતાં મૌસમી પવનોને કારણે જુનથી સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન પડે છે. સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ પડે છે જયારે કચ્છ વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ પડે છે. ગુજરાત રાજયનો ૨/૩ વિસ્તાર ખડકાળ સ્તરવાળો અને ૧/૩ વિસ્તાર કાંપના સ્તરવાળો છે. ગુજરાત રાજયમાં કુલ ૧૮૫ નદીઓ આવેલી છે જેમાંથી ૧૭ નદીઓ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં, ૭૧ નદીઓ સૌરાષ્ટ્રમાં અને ૯૭ નદીઓ કચ્છમાં આવેલી છે. ગુજરાત રાજયમાં પાણીના કુલ જથ્થાના સાપેક્ષમાં ૭૧.૪૦% દક્ષિણ ગુજરાતમાં, ૧૦.૬૦% ઉત્તર ગુજરાતમાં, ૧૫.૮૦% સૌરાષ્ટ્રમાં અને ૨.૨% કચ્છમાં ઉપલબ્ધ છે. આ આંકડાઓને વિગતવાર જોઇએ તો, દક્ષિણ ગુજરાતમાં ભૂગર્ભજળ સંપત્તિ ૩૯૫૦X૧૦૬ ઘનમીટર અને સપાટીય જળસંપત્તિ ૩૧૭૫૦X૧૦૬ ઘનમીટર છે. ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભજળ સંપત્તિ ૩૩૦૦X૧૦૬ ઘનમીટર અને સપાટીય જળસંપત્તિ ૨૦૦૦X૧૦૬ ઘનમીટર છે. સૌરાષ્ટ્રમાં ભૂગર્ભજળ સંપત્તિ ૪૩૦૦X૧૦૬ ઘનમીટર અને સપાટીય જળસંપત્તિ ૩૬૦૦X૧૦૬ ઘનમીટર છે જયારે કચ્છમાં ભૂગર્ભજળ સંપત્તિ ૪૫૦X૧૦૬ ઘનમીટર અને સપાટીય જળસંપત્તિ ૬૫૦X૧૦૬ ઘનમીટર છે.

ગુજરાત રાજયનો સિંચાઇ કરી શકાય તેવો વિસ્તાર ફકત ૩૫.૯૭ ટકા જ છે. રાજયની મોટાભાગની ભૂગર્ભજળ સંપત્તિ ૧/૩ વિસ્તાર પૂરતી સીમિત છે. બીજી તરફ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૂરેન્દ્રનગર જિલ્લો અને કચ્છપ્રદેશના કેટલાક વિસ્તારોમાં પડતાં અપૂરતા અને અનિયમિત વરસાદને કારણે વારંવાર અનાવૃષ્ટિનો ભોગ બનવું પડે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં જળ સંપત્તિ અપૂરતી અને મર્યાદિત હોવાને કારણે દર બે કે પાંચ વર્ષે અનાવૃષ્ટિ કે અછતનો સામનો કરવો પડે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં બારમાસી નદી ન હોવાને કારણે સપાટીય જળ પૂરતી માત્રામાં ઉપલબ્ધ થતું નથી. આથી કૃષિ, ઉદ્યોગો અને ઘરવપરાશના પાણી માટે ભૂગર્ભજળના સ્રોતોને મુખ્ય આધાર તરીકે લઇ તેનું બેફામ શોષણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રદેશોમાં ભૂગર્ભજળના પુન:પ્રભરણ(અનુશ્રવણ, રિચાર્જ) કરતાં વધુ ઉપયોગ થતો હોવાને કારણે દર વર્ષે ભૂગર્ભજળ સપાટી ૩ થી ૫ મીટરના દરે ઘટી રહી છે. ભૂગર્ભજળ વધુ ને વધું ઊંડા જવાથી વિદ્યુતનો વપરાશ પણ વધી રહ્યો છે. રાજયના કુલ વિદ્યુત વપરાશના આશરે ૪૦ ટકા જેટલો વિદ્યુત વપરાશ ફકત ભૂગર્ભજળના ખેંચાણમાં વપરાય છે. ભૂર્ગભજળ સ્રોતો ઊંડા જતાં દરિયાકિનારાના વિસ્તારોમાં આવેલા ભૂગર્ભજળ સ્રોતોમાં દરિયાના ખારા પાણીનું અતિક્રમણ થતાં ભૂગર્ભજળની ગુણવત્તા પણ ઉત્તરોત્તર બગડતી જાય છે. એ વિસ્તારોમાં આવેલી જમીનની ફળદ્વુપતામાં પણ ઘટાડો થઇ રહ્યો છે.

ગુજરાત રાજયની ભૂર્ગભ અને સપાટીય જળ સંપત્તિ અપૂરતી અને મર્યાદિત હોવાને કારણે સંકલિત આયોજન દ્વારા રાજયના જળસંશાધનોનો વિકાસ કરવો જરૂરી છે. રાજયના કેટલાક ભાગોમાં વધુ પ્રમાણમાં ખેંચાતી ભૂર્ગભજળ સંપત્તિ સામે પાણીનું વૈજ્ઞાનિક વ્યવસ્થાપન અને કાર્યક્ષમ ઉપયોગ માટે કડક પગલાઓ લઇ વિનીમય અને નિયંત્રણ કરવું જરૂરી છે. પીવાના અને ઘરવપરાશના પાણીને અગ્રતા આપવાની સાથે જુદા-જુદા વિસ્તારોમાં સમાન રીતે પાણીની વહેચણીની સાથે વપરાયા વગરના ભૂર્ગભજળની સાથે સપાટીય જળનો પણ કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઇએ.

ધ નેશનલ કમીશન ફોર ઇન્ટિગ્રેટેડ વોટર રિસોર્સિઝ દ્વારા દેશના ફ્રેશ વોટરના સ્રોતોની આકારણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં કુલ ૨૪ રિવર બેઝીન સાથે ઉપયોગમાં લઇ શકાય તેવા સપાટીય પાણીના સ્રોતોનું સર્વે કરવામાં આવ્યું હતું. આ સર્વે પ્રમાણે દેશમાં અંદાજિત ૩૨.૮૮ લાખ ચોરસ કિ.મી.આવકક્ષેત્રો સાથે ૧૯૫૨.૮૭ ઘન કિ.મી. પ્રતિ વર્ષ સપાટીય સ્રોતો મળી આવ્યા છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડવોટર બોર્ડ દ્વારા ૪૩૨ ઘન કિ.મી. ફ્રેશ ગ્રાઉન્ડવોટર પ્રતિ વર્ષ ઓળખવામાં આવેલા છે જેમાંથી ૩૯૬ ઘન કિ.મી. ઉપયોગમાં આવી શકે તેવી સ્થિતિમાં છે. ધ નેશનલ કમીશન ફોર ઇન્ટિગ્રેટેડ વોટર રિસોર્સિઝ દ્વારા પાણીની વધુમાં વધુ અને ઓછામાં ઓછી જરૂરિયાતનો અંદાજ કાઢવામાં આવ્યો હતો. આ અંદાજ પ્રમાણે વર્ષ ૨૦૧૦માં ઓછામાં ઓછી જરૂરિયાત ૬૯૪ ઘન કિ.મી.થી વધુમાં વધુ ૭૧૦ ઘન કિ.મી. હતી. આ અંદાજના અનુસંધાને વર્ષ ૨૦૨૫માં ઓછામાં ઓછી ૭૮૪ ઘન કિ.મી. અને વધુમાં વધુ ૮૪૩ ઘન કિ.મી. જેટલી રહેશે. આ પ્રમાણે જ આ આંકડો વર્ષ ૨૦૫૦માં ૯૭૩ ઘન કિ.મી. ૧૧૮૦ ઘન કિ.મી. સુધી થવાનો અંદાજ છે. આ અંદાજ ઉપરથી સ્પષ્ટ જાણી શકાય છે કે આપણે પાણીનો વપરાશ કાળજીપૂર્વક કરવો જોઇએ અને પાણીના સ્રોતોની જાળવણીના યોગ્ય વ્યવસ્થાપનના પગલાઓ અત્યારથી જ ભરવા જોઇએ.

પીવાના પાણીની ગુણવત્તા માટેના ધારા-ધોરણો મેડિકલ રિસર્ચ કાઉન્સિલ દ્વારા આયોજિત કરવામાં આવે છે. ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતાં પાણીને ભારતીય માનક કોડ દ્વારા નિયમન કરવામાં આવે છે. સામાન્ય ધારા-ધોરણોની સાથે લોખંડ અને સ્ટીલ, એલ્યુમિનિયમ, પલ્પ અને પેપર, ઓઇલ રિફાઇનરીઓ, પ્રેટ્રોકેમિકલ્સ અને થર્મલ પાવર પ્લાન્ટ જેવા ઉદ્યોગોના ગંદા પાણીને પણ આ માનક કોડ દ્વારા જળ પ્રદૂષણ નિયંત્રણની યાદીમાં સમાવવામાં આવેલા છે. ધારાસભા દ્વારા આ બાબતે કડક કાયદાઓ બનાવવામાં આવેલા છે. પ્રિવેન્સન એન્ડ કન્ટ્રોલ ઓફ પોલ્યુશન એકટ, ૧૯૭૪ દ્વારા જળાશયોમાં થતાં પ્રદૂષણને રોકવા અંગેના કાયદાઓનો સમાવેશ કરવામાં આવલો છે અને આ કાયદાઓનું પાલન ન કરવામાં આવે તો તે સજાને પાત્ર છે એવું પણ દર્શાવવામાં આવેલું છે.

ભારતના સપાટીય સ્રોતો અંગે વાત કરીએ તો, કુલ ૧૩ રિવર બેઝીનમાંથી ફકત ચાર જ રિવર બેઝીન હાઇ રેઇનફોલના ક્ષેત્રમાં આવે છે અને તે બારમાસી છે.(બ્રહ્મપુત્રા, ગંગા, મહાનંદી અને બ્રાહ્મણી), છ રિવર બેઝીન મિડીયમ રેઇનફાલ ક્ષેત્રમાં આવે છે અને બાકીના બધા જ રિવર બેઝીન લો રેઇનફોલ ક્ષેત્રમાં આવે છે. આથી મોટા ભાગની નદીઓમાં ઉનાળા દરમિયાન પાણી હોતું નથી. આવા સંજોગોમાં તળાવોમાં પાણીની સ્થિતિ શું હોઇ શકે?

ભારતમાં આશરે ૭.૨ લાખ હેકટર વિસ્તારમાં તળાવો આવેલા છે. આ તળાવો છીછરા અને વિસ્તારના દ્રષ્ટિકોણથી એકદમ નાના છે. આ કારણોસર આવા તળાવોમાં ઓછી માત્રામાં વરસાદી પાણી સંગ્રહ થાય છે. આવા તળાવોના આવકક્ષેત્ર તેમજ તળાવના ભૂસ્તરનો અભ્યાસ કરીને તેને ઊંડા બનાવવાની કામગીરી હાથ ધરવી જોઇએ.

તળાવ ઉપર કોઇ એકની માલિકી હોતી નથી. કોઇપણ ગામ-શહેરમાં આવેલા તળાવ ઉપર તે ગામ-શહેરની માલિકી હોય છે. આથી આવા તળાવોના વિકાસનું કાર્ય ફકત એક તંત્ર દ્વારા કરવું અશકય છે. યોગ્ય દિશામાં કામ કરતાં તંત્રની સાથે આવા જ બીજા વહીવટી માળખાઓની સમિતી અને અનુભવી તજજ્ઞો તથા લોકભાગીદારીથી તળાવોના વિકાસના કાર્યો શકય બની શકે. આથી આવા તળાવોના વિકાસના કામ પ્રત્યે લોકો જાગૃત થાય એ અત્યંત જરૂરી છે.

વિશ્વમાં પાણીને બે પ્રકારે ઓળખવામાં આવે છે ગ્રીન વોટર અને બ્લુ વોટર. આપણે જાણીએ છીએ કે, ખોરાક ખેતીના પાક ઉત્પાદન દ્વારા મળે છે અને તેના માટે જમીનની સાથે પાણીની જરૂરિયાત રહે છે. આ પાણી વરસાદ(ગ્રીન વોટર)અને નદી, તળાવો વેટલેન્ડસ અને એકિવફર(બ્લુ વોટર) દ્વારા પ્રાપ્ત થાય છે. સમગ્ર વિશ્વમાં ખેતીમાં ૭૦% બ્લુ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વમાં ખેડી શકાય તેવી જમીનમાંથી ૨૦ ટકા જમીન પિયતખેતીની છે જે વિશ્વના ૪૦ ટકા ખોરાક માટેના ઉત્પાદનો રળી આપે છે. આની સામે તળાવો અને વેટલેન્ડસના પાણીમાંથી પણ ફૂડ સિકયુરિટી મળે છે. જો આવા તળાવો કે વેટલેન્ડસનું પાણી ખેત ઉત્પાદન માટે વાપરી નાખવામાં આવે તો તેમાંથી મળતી ફૂડ સિકયુરિટી નષ્ટ પામે!

ખોરાક સાથે પાણી અન્ય રીતે પણ જોડાયેલું છે. ઉદાહરણ જોઇએ તો યુ. એન.ના અહેવાલ પ્રમાણે એક કપ ચા બનાવવા માટે ૩૫ લિટર પાણીની જરૂરિયાત રહે છે. વાત અસ્વભાવીક લાગે પણ સાચી છે કારણ કે, અહીં ફકત ચા બનાવવા માટે વપરાતાં પાણીની વાત નથી પણ એક કપ ચા બનાવવા માટે વપરાતી ચાની ભૂકીનું ઉત્પાદન કરવા તેમજ તેના પ્રોસીંગમાં વપરાતાં પાણીની સાથે ચા બનાવવાથી લઇને ચા પીધા બાદ કપ-રકાબી ધોવાની પ્રક્રિયા સુધી વપરાતા પાણીની વાત કરવામાં આવી રહી છે. કોણ, કયાં, કેવી રીતે પાણી વાપરી રહ્યું છે એ ઊંડાણપૂર્વક જોવાનું શરૂ કરવું પડશે તો જ આપણને ખ્યાલ આવશે કે, કયાં બીન જરૂરી પાણીનો વપરાશ થઇ રહ્યો છે અને આ બીનજરૂરી પાણીનો વપરાશ અટકાવીશું તો જ સાચા અર્થ વિશ્વ જળ દિવસ કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી કહેવાશે. જોકે દરેકે શરૂઆત પોતાનાથી જ કરવી પડશે...!
વિનીત કુંભારાણા

ગુજરાત રાજય જળનીતિ અંગે રૂપરેખા/મુસદો ની વિગતવાર માહિતી માટે આ લેખ સાથે જોડવામાં આવલી PDF ફાઇલ વાંચવી.

Path Alias

/articles/gaujaraata-raajaya-jalanaitai-angae-rauuparaekhaamausadao

Post By: vinitrana
×