ગ્લોબલ વોર્મિંગ : હવે ચિંતા નહી પણ ચિંતન...-૨

ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ ફોર કલાઇમેટ ચેન્જ' નો અહેવાલ વધુમાં જણાવે છે કે, છેલ્લા ૧૦૦ વર્ષોમાં વસુંધરાની સપાટીના સરેરાશ તાપમાનમાં ૦.૭૪ ડિગ્રી સેલ્શિયસનો વધારો નોંધાયો છે. યાદ રાખો, જો વસુંધરાના સરેરાશ તાપમાનમાં બે ડિગ્રી સેલ્શિયસનો ઘટાડો હિમયુગને લાવી શકે તો એટલો જ વધારો વસુંધરાના બર્ફિલા પ્રદેશોને ઓગાળી નાખવા માટે પૂરતો છે. ઇ.સ. ૧૯૯૫ થી આજ દિવસ સુધી વસુંધરાએ છેલ્લા ૧૫૦ વર્પોમાં કયારેય ન જોયા હોય તેવા કુલ ૧૧...રિપીટ કુલ ૧૧ સૌથી વધારે ગરમ વર્ષો જોયા છે. વસુંધરાની કમનસીબી(હા...આપણી નહી!) એ છે કે, આર્કિટક વિસ્તાર બીજા વિસ્તારોની સરખામણીએ વધારે ઝડપથી પીગળી રહ્યો છે. દુ:ખદાયક હકીકત એ છે કે, આપણે હજુ ભરનિંદ્રામાં છીએ, આપણે હજુ પણ જાગૃત થયા નથી. જો ક એક વાત નોંધવી રહી કે, ગ્લોબલ વોર્મિંગનો આંતરરાષ્ટ્રિય સ્તરે સૌથી મોટો અને બહુચર્ચિત નિષ્ફળ પ્રયત્ન એટલે ઇ.સ. ૧૯૯૭ માં જપાનના કયોટો શહેરમાં કરવામાં આવેલો 'કયોટો પ્રોટોકોલ'. આ પ્રોટોકોલમાં ગ્લોબલ વોર્મિંગને વૈશ્વિક સમસ્યા ગણીને વિશ્વના ૧૭૫ દેશોની કોન્ફરન્સ થઇ હતી. આ કોન્ફરન્સમાં એવો ઠરાવ પસાર કરવામાં આવેલો હતો કે, ઇ.સ. ૨૦૧૨ સુધીના સમય સુધીમાં દરેક દેશ પોતાના દેશના ગ્રીન હાઉસ વાયુઓના ઇ.સ. ૧૯૯૦ ના પ્રમાણ કરતાં ૫.૨ ટકાનો ઘટાડો કરશે, પણ આ કોન્ફરન્સમાં સમગ્ર વિશ્વમાંથી ચોથા ભાગનો ગ્રીન હાઉસ વાયુઓ ઓકતું અમેરિકાએ સહી કરવાની ના પાડી દીધી હતી. 'લાંબા પાછા ટુંકો જાય અને મરે નહી તો માંદો થાય' કહેવત પ્રમાણે ભારત, ચીન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ પણ અમુક વાંધા-વચકા કાઢીને સહીઓ કરવાની ના પાડી દીધી હતી. અહી ફ્રાન્સના વિખ્યાત લેખક આલ્બેટ કામૂના શબ્દો આપણે યાદ કરવા રહ્યા : 'ભવિષ્યની ખરેખરી ચિંતા તો એ જ વ્યકિત કરી શકે છે કે જે વર્તમાનમાં પોતાની જવાબદારીઓનું પાલન કરે છે.' આપણી મનોવેદના પેલા કસ્તૂરી મૃગ જેવી છે. સુગંધ કયાંથી આવે છે તે જાણવા મૃગ ચોતરફ આંટા મારે છે જયારે હકીકતમાં સુંગધનું મૂળ તો તેની દૂંટીમાં જ છે. આવી જ રીતે આપણી બધી જ સમસ્યાઓનું કેન્દ્રસ્થાન આપણે પોતે જ છીએ પણ તેનો ઉકેલ શોધવા આપણે આપણી આસપાસ ફાંફા મારીએ છીએ. ભવિષ્યના જીવન સંબંધિત સંકટોનો ધરમૂળમાંથી નાશ કરવા માટે આપણે કેટલાક નીતિવિષયક મૂલ્યો સ્થાપિત કરવા પડશે. આ નીતિવિષયક મૂલ્યો ખરેખર તો માનવોના આંતર સંબંધોમાં જ રહેલા છે. ચિંતનાત્મક રીતે વાત કરીએ તો પ્રથમ તો પ્રકૃતિ અને માનવ વચ્ચેના સંબંધનું મહ_વ સમજવું જોઇએ. જયાં પ્રકૃતિની એટલી જ અગત્યતા છે જેટલી માનવોની છે. બીજું માનવ અને માનવેતર જગત વચ્ચેનું સંતુલન સમજવું જરૂરી છે, જયાં માનવજીવન કેન્દ્રમાં નથી પરંતુ સમગ્ર જીવસૃષ્ટ્રિ કેન્દ્રમાં છે. માનવે સમગ્ર જીવસૃષ્ટ્રિ પ્રત્યે પોતાની ઊંડી જવાબદારી માટે સભાન થવાની જરૂર છે. ત્રીજુ અને સૌથી અગત્યનું એ છે કે, માનવનો પોતાની જાત સાથેનો સંબંધ. આજે માનવની આશરે ૮૦૦મી પેઢી પસાર થઇ રહ્યી છે છતાંપણ માનવ કદી પોતાની જાતને જાણી શકયો નથી. માનવની અંદર રહેલું એકમાત્ર સત્ય જ જીવન છે અને સમગ્ર જગતમાં તે પ્રસાર પામતું રહે છે. અહી સવાલ છે એ સત્યને બહાર કાઢવાનો.....આપણે એકવાર આ પરમ સત્યને સમજી લઇશું તો જીવન સંબંધિત સંકટો દૂર કરવા માટે પ્રકૃતિ...વસુંધરા પણ આપણને સાથ આપશે!
વિનીત કુંભારાણા
Path Alias

/articles/galaobala-vaoramainga-havae-caintaa-nahai-pana-caintana-2

Post By: vinitrana
×