ગ્લોબલ વોર્મિંગ: એક કુદરતી પ્રક્રિયા

ગ્લોબલ વોર્મિંગ: એક કુદરતી પ્રક્રિયા
વિશ્વમાં ભાગ્યે જ કોઇ એવો વ્યકિત હશે જે ગ્લોબલ વોર્મિંગથી અજાણ હશે! ગ્લોબલ વોર્મિંગના નામે વિશેષજ્ઞોએ માનવજાતના મનમાં એવો ડર બેસાડી દીધો છે કે, જાણે દુનિયા આવતીકાલે જ ખતમ થઇ જશે. આજે આપણે જાણીએ છીએ કે, ગ્લોબલ વોર્મિંગ એક વૈશ્વિક સમસ્યા છે. તત્વજ્ઞાનની ભાષામાં વાત કરીએ તો સમસ્યા હોય ત્યાં ઉકેલ જરૂર હોય! કોઇપણ સમસ્યાનો તાર્કિક ઉકેલ મેળવવો હોય તો એક જ રસ્તો છે કે, કોઇપણ જાતના આગ્રહ કે પૂર્વગ્રહને બાજુએ મૂકીને એ સમસ્યાને પૂર્ણરૂપે સમજવી. સમસ્યા માટે કોણ જવાબદાર છે તેની મથામણ તત્પૂરતી ભૂલી જવી જોઇએ. કયારેક આવી મથામણમાં સમસ્યા કેટલી વિકરાળ છે અને તેની અસરો કેવી પડશે વગેરે બાબતોની લાહ્યમાં તત્કાળ ઉપાયો મેળવી લેવાની ઉતાવળમાં ઊંધું પણ વેતરાય જતું હોય છે. થોડા સંયમ સાથેના વિચારોથી ચિંતન કરીએ તો ગ્લોબલ વોર્મિંગ બાબતે આવું જ થયું છે. પ્રવર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો ઉકેલ લાવવાની જે પ્રક્રિયા ચાલી રહ્યી છે એ પ્રમાણે જ આ પ્રક્રિયા ચાલતી રહી તો વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે માનવજાત ઇ.સ. ૨૧૦૦ સુધીમાં પણ કોઇ નક્કર પરિણામ લાવી શકશે નહી.
ગ્લોબલ વોર્મિંગને માનવજાતની ભૂલ તરીકે વૈશ્વિક રીતે દર્શાવવામાં આવે છે. અહી મૂળભૂત પ્રÅન એ છે કે, શું ખરેખર ગ્લોબલ વોર્મિંગ માનવજાતની ભૂલને કારણે ઉદ્‌ભવેલી સમસ્યા છે કે પછી પૃથ્વીને સમયાંતરે આ રીતે વાતાવરણ બદલવાની ટેવ છે?! આ પ્રÅનનો જવાબ મેળવવા માટે પૃથ્વીના વાતાવરણનો કરોડો વર્ષનો ઇતિહાસ તપાસવો પડે! જોકે સાથે એ વાત પણ સો ટચના સોના જેવી સત્ય છે કે પૃથ્વીના વાતાવરણનો કરોડો વર્ષનો ઇતિહાસ તો મળી ન શકે પણ તેનો અંદાજ જરૂર મળી શકે. આ અંદાજ મેળવવા માટે વિશેષજ્ઞોએ પૃથ્વીના ધ્રુવપ્રદેશના બરફાચ્છદિત પર્વતોમાં નળાકાર પાઇપો ઘુસાડીને ઊંડાઇએથી બરફના સેમ્પલો એકઠા કરેલા છે. 'કાર્બન ડેટિંગ' પદ્ઘતિથી જાણવા મળેલું છે કે, આ બરફ આશરે સાડાચાર લાખ વર્ષ જૂનો છે. જયારે બરફ(એટલે કાર્બનડાયોકસાઇડનું ઘન સ્વરૂપ) જામે છે ત્યારે તે વાતાવરણની હવાને પણ પોતાની અંદર કેદ કરી લે છે. બરફની અંદર રહેલી આ હવાનો અભ્યાસ કરવામાં આવે તો આપણને સાડાચાર લાખ વર્ષ પહેલાની હવામાં કયા-કયા તત્વો હતા તેની જાણ થઇ શકે! સાડાચાર વર્ષના સમયગાળામાં કયારથી પ્રદૂષણની ભેળસેળ વાતાવરણમાં થવા લાગી તેનો પણ અંદાજ આવી શકે!
કલોરાડો રાજયમાં લેકવૂડ શહેરમાં આવેલી એક લેબોરેટરીમાં આવા બરફના અનેક સેમ્પલો રાખવામાં આવેલા છે. આ લેબોરેટરીના સંચાલક શ્રી એરિક કેવેન્સે ૩૩ ડિગ્રી ફેરનહિટના તાપમાને આ સેમ્પલો સાચવી રાખ્યા છે. એલ્યુમિનિયમના નળાકારમાં સિલબંધ આવા કેટલાક સેમ્પલો એરિકે વિશેષજ્ઞોને કાઢી આપ્યા. આ સેમ્પલોમાં આશરે સાડાચાર લાખ વર્ષ જૂનો બરફ છે કે સંભવત: તેની અંદર હવામાનનો રેકર્ડ સચવાયેલો છે! વિશેષજ્ઞોએ હાઇડ્રોજન અને ઓકિસજનમાં રહેલા આઇસોટોપનું બંધારણ ચકાસીને એ સમયના હવામાનનો 'પાકો' અંદાજ મેળવ્યો છે. અભ્યાસ દરમ્યાન એવું તારણ નીકળી આવ્યું કે, આઇસોટોપ ભારે તો હવામાન ગરમ અને આઇસોટોપ હળવો તો હવામાન ઠંડું. આ તારણના આધારે પૃથ્વીએ સાડાચાર લાખ વર્ષમાં અનેક વખત ઠંડી અને ગરમી અનુભવી છે. આ ઉપરાંત વિશેષજ્ઞોએ કોલસો, રણ, વરસાદી કાંપ, મીઠા(નમક)ના થર અને નદીઓના ધોવાણનો પણ અભ્યાસ કરી તેના કારણે પૃથ્વીના પટ્ટમાં કેટલું ધોવાણ અને કેટલી ઊંડાઇએ ધોવાણ થયું છે તેના આધારે પણ હવામાનનો તાગ મેળવવાની કોશીષ કરેલી છે. વનસ્પતિઓ અને પશુ-પક્ષીઓ પણ સમયાંતરે પોતાના વિસ્તાર બદલાવી નાખે છે એ પણ બદલાતાં વાતાવરણના સૂચક છે. વિશેષજ્ઞોએ પોતાના અભ્યાસમાંથી તેમને પણ બાકાત રાખેલા નથી. આ બધાનો અભ્યાસ કરીને વિશેષજ્ઞોએ પૃથ્વીના બે અબજ વર્ષના વાતાવરણનો નકશો તૈયાર કરેલો છે. આ નકશાને આધારે કહી શકાય છે કે, બે અબજ વર્ષમાં પૃથ્વી કુલ ચાર વખત ગ્લોબલ વોર્મિંગનો ભોગ બની ચૂકી છે અને હવે આવી રહેલા ગ્લોબલ વોર્મિંગનો નંબર પાંચમો છે!
હવામાનનો તફાવત અબજો વર્ષના સંદર્ભમાં તપાસવા માટે તેને પાંચ ભાગમાં વિભાજિત કરવું પડે: ભેજવાળું, સૂંકુ, ગરમ, ઠંડુ અને સમશીતોષ્ણ. પૃથ્વીના હવામાનમાં અત્યંત ગરમ એટલે કે સરેરાશ ૨૫ ડીગ્રી સેન્ટિગ્રેડ અને સરેરાશ ૧૦ ડીગ્રી સેન્ટિગ્રેડ જેવા ઠંડા વાતાવરણના બદલાવ પાંચ વખત આવી ચૂકયા છે. જોકે શરૂઆતના બે બદલાવ કરોડો વર્ષના અંતરાલ બાદ આવેલા છે જયારે તેની સરખામણીમાં છેલ્લા ત્રણ બદલાવ એકદમ ટુંકાગાળામાં આવેલા છે. એમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં અત્યંત ગરમ વાતાવરણની ચરમસીમા ઉપર પહોચ્યા પહેલા જ અત્યંત ઠંડા વાતાવરણમાં પૃથ્વી પહોચી ગઇ હતી જેને કારણે આજના ઉત્તર અને દક્ષિણ ધ્રુવના પર્વતો બનેલા છે.
આજે માનવજાત પૃથ્વીના પર્યાવરણ અને હવામાનને બગાડી રહ્યી છે એવી એક વૈશ્વિક ચર્ચા ચાલી રહ્યી છે ત્યારે વિશેષજ્ઞોનો એક વર્ગ કહે છે કે, માનવજાત સતત બદલાતાં હવામાન સાથે તાલ મિલાવીને રહેવાનો અનુભવ ધરાવે છે જેને ઉત્ક્રાંતિ નામ આપવામાં આવેલું છે. આજે માનવજાત ઉત્ક્રાંતિના વિકાસની ચરમસીમા ઉપર છે. આ થિયરી ઉપર અતૂટ વિશ્વાસ ધરવાનાર વિશેષજ્ઞોની જેમ આપણે પણ શ્રદ્ઘા રાખી શકીએ અને ધરમૂળથી બદલાતા પૃથ્વીના વાતાવરણ સાથે માનવજાત તાલમેલ મેળવવામાં સફળ થાય એવી આશા સેવી શકીએ!
ગ્લોબલ વોર્મિંગથી ડરવાને બદલે તેને અનૂકુળ થવાનો આશાવાદ વાંચવામાં સારો લાગે પણ સૈંદ્ઘાંતિક રીતે તે આશાવાદ ખોટો છે. આ બાબતનું એક માત્ર કારણ એ છે કે માનવજાતના લાખો વર્ષના ઇતિહાસમાં ગ્લોબલ વોર્મિંગ થતું આવ્યું છે. અહી ફકત એક જ વાત નોંધનિય છે કે, હવામાનનું પરિવર્તન એટલી ઝડપે ન થવું જોઇએ કે જેથી માનવજાતનું શરીર તેની સાથે તાલમેલ મિલાવી ન શકે! માનવશરીરનો સ્વભાવ છે કે તે બદલાતાં વાતાવરણને ક્રમશ: અનૂકુળ થતું આવે છે પણ તેની ગતિ મર્યાદિત છે. જો આ મર્યાદિત ગતિ કરતાં તેજ ગતિએ હવામાન બદલાય તો માનવજાતનું શરીર તેને અનૂકુળ થવામાં અસફળ થાય અને માનવજાતનું નિકંદન નીકળી જાય. ડાયનોસૌર આ બાબતનું ઉત્તમ ઉદાહરણ છે. ગ્લોબલ વોર્મિંગને આપણે અટકાવી શકીએ નહી પણ આપણે તેને થોડું ધીમું પાડી શકીએ જેથી તેની વિનાશકારી અસરો ઓછી થઇ શકે! ગ્લોબલ વોર્મિંગની ગતિ ધીમી થાય તો આપણે પર્યાવરણની સાથે માનવજાતને સલામાત રાખવાના નક્કર ઉપાયો શોધવાનો થોડોક સમય કુદરત પાસેથી મેળવી શકીશું.
સમગ્ર વાતનો નિચોડ એ છે કે, ગ્લોબલ વોર્મિંગ એ માનવસર્જિત નથી પણ એક કુદરતી પ્રક્રિયા છે. હા, માનવજાતએ પોતાના અંગત સ્વાર્થ ખાતર બળતામાં ઘી હોમીએ એમ આ પ્રક્રિયાને વેગવંતી બનાવી દીધી છે. હાલના સમયમાં શકય એટલું ઓછું કાર્બન ઉત્સર્જન કરીને ગ્લોબલ વોર્મિંગને ધીમા પાડવાની પ્રક્રિયામાં લાગી જઇએ તો ભાવિ પેઢી ખરા હૃદયથી પ્રવર્તમાન પેઢીનો આભાર માનશે!
વિનીત કુંભારાણા
Path Alias

/articles/galaobala-vaoramainga-eka-kaudaratai-parakaraiyaa

Post By: vinitrana
×