ગ્લોબલ વોર્મિંગ આવે છે.....ભલે આવે....!!-૧

ગ્લોબલ વોર્મિંગ આવે છે.....ભલે આવે....!!-૧છેલ્લા કેટલાક સમયથી આપણે ગ્લોબલ વોર્મિંગ વિશે સતત સાંભળતા આવીએ છીએ અને જગતના તર્જજ્ઞો તેના માટે ચિંતિત પણ છે. હવે આવા ચિંતાજનક વાતાવરણમાં કોઇ સંશોધક એમ જાહેર કરે કે, ગ્લોબલ વોર્મિંગ આવે છે તો ભલે આવે તે આપણા માટે ફાયદાકારક છે...તો?!! આપણે આવા જાહેર ખુલાસાનો પ્રતિસાદ કેવી રીતે આપી શકીએ?!...પણ માંડીને જો વાત કરીએ તો તે ખુલાસામાં દમ છે ખરો!
આદિકાળથી પૃથ્વીના ગોળા ઉપર એક ચોક્કસ સમયના અંતરે હિમયુગ આવે છે અને એક ચોક્કસ સમય બાદ તે પૂર્ણ થાય છે. આપણી પૃથ્વીની હાલની સ્થિતિ હિમયુગમાંથી બહાર નીકળ્યા પછીની છે. બે લાંબાગાળાના હિમયુગ વચ્ચેનો સરેરાશ સમયગાળો આશરે ૯૦,૦૦૦ વર્ષનો છે એવું સંશોધકોએ શોધી કાઢયું છે.(સૌજન્ય: સાયન્સ) આ સરેરાશ સમયગાળા વચ્ચે પણ નાના હિમયુગ પસાર થાય છે અને તેનો સરેરાશ સમયગાળો આશરે ૧૧,૫૦૦ વર્ષનો હોય છે. આપણી પૃથ્વીના છેલ્લા હિમયુગના ૧૧,૦૦૦ વર્ષ પૂરા થઇ ગયા છે એટલે એવું કહી શકાય કે, નવો હિમયુગ આવવાની તૈયારીમાં છે અથવા તો શરૂ થઇ ચૂકયો છે.(યાદ રહે, 'આપણા' બ્રહ્માંડ કે સૂર્યમાળાના સંદર્ભમાં વાત કરતા હોઇએ ત્યારે તેની વિશાળતાની સાપેક્ષે ૫૦૦ વર્ષ જેવો સમયગાળો અતિ સૂક્ષ્મ ગણાય છે.) લેખની શરૂઆતમાં ટાંકેલા પ્રÅન કે ગ્લોબલ વોર્મિંગ આપણા માટે ફાયદાકારક છે એનો વિસ્તૃત જવાબ અમેરિકન હવામાનશાસ્ત્રી શ્રી ડેરલ કોફમાનની સંશોધક ટીમે આપેલો છે. શ્રી ડેરલ કોફમાન અને તેની સંશોધક ટીમે ભૂસ્તરીય ખડકોને તપાસીને પૃથ્વીના છેલ્લા ૨,૦૦૦ વર્ષના હવામાનના આંકડાઓ તારવ્યા છે. આ આંકડાઓને આધારે તેઓએ પૃથ્વીના સરેરાશ તાપમાનમાં આવતાં બદલાવનો ટ્રેક રેકોર્ડ બનાવ્યો છે. તેમણે આ ટ્રેક રેકોર્ડથી શું મેળવ્યું?!! સંશોધક ટીમે નોંધ્યું છે કે, વર્ષ ૧૯૦૦ પહેલા ઉત્તર ધ્રુવ પ્રદેશનું તાપમાન અત્યંત ધીમા દરે ઘટી રહ્યું છે. આ ઘટાડો નાના હિમયુગનો 'એલાર્મ' છે. અહીં સુધી બધું બરાબર છે પણ એ બાદ તેમણે જોયું કે, વર્ષ ૧૯૦૦ પછી ધ્રુવ પ્રદેશોનું 'કૂલિંગ' જે પ્રમાણે થવંુ જોઇએ એ પ્રમાણે થઇ રહ્યું નથી! ધ્રુવ પ્રદેશોની બીજી વિચિત્ર બાબત એ હતી કે, ત્યાંના સરેરાશ તાપમાનમાં વધારો નોંધાયો હતો.(જે ખરેખર થવો જોઇએ નહી.) તાપમાનનો સૌથી વધારે ફરક વર્ષ ૧૯૯૮થી ૨૦૦૮ના દશકામાં જોવા મળ્યો. શ્રી ડેરેલની સંશોધક ટીમે વર્ષ ૨૦૦૯ના સપ્ટેમ્બર મહિનામાં પોતાના સંશોધનોનો 'સાર' દર્શાવતો અભ્યાસલેખ અમેરિકાના લબ્ધપ્રતિષ્ઠિત સામયિક 'સાયન્સ'માં આપ્યો છે. આ અભ્યાસ લેખમાં તેમણે સાંયોગિક પૂરાવાઓ સાથે છેલ્લી લાઇન લખેલી છે કે, આપત્તિજનક લાગતું ગ્લોબલ વોર્મિંગ હિમયુગના આગમનને ધીમું પાડી રહ્યું છે.
શ્રી ડેરલ અને તેની ટીમે કરેલા સંશોધન બાદ હાલમાં સંશોધકો હિમયુગની ઘટમાળને ચલાવતાં પરિબળોને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કદાચ....ભવિષ્યમાં આ પરિબળો જો સમજાઇ જાય તો કુદરતનું એક મોટું રહસ્ય ખુલ્લું થઇ શકે એમાં નવાઇ નહી!(પૃથ્વીના નકશાને બદલી નાખતું અને ફરી પહેલા હતું એવી જ સ્થિતિમાં લાવી દેતું હિમયુગનું રહસ્ય કંઇ નાનું કે નગ•ય ગણી શકાય નહી.) હાલમાં સંશોધકોએ હિમયુગ બાબતે કેટલાક તર્ક લગાવેલા છે તેને સમજીએ.
સંશોધકો માટે હિમયુગના આગમન માટે પ્રથમ આરોપી તો ગ્લોબલ વોર્મિંગ જ છે! સંશોધકોના તારણ પ્રમાણે અમુક ચોક્કસ સમયે જયારે પૃથ્વી ઉપર રહેલા જવાળામુખીઓ એક સામટા ફાટે છે ત્યારે વાતાવરણમાં કાર્બનડાયોકસાઇડનું પ્રમાણ એકદમ વધી જાય છે. આ કાર્બનડાયોકસાઇડ વાયુ સૂર્યપ્રકાશને સજ્જડ રીતે જકડી રાખવા માટે 'બદનામ' છે. ગ્રીનહાઉસ ઇફેકટને કારણે પ્રથમ તબક્કાનું ગ્લોબલ વોર્મિંગ થાય છે, પણ તેના બીજા તબક્કામાં કાર્બનડાયોકસાઇડની વધુ પડતી હાજરી અને બેસુમાર ગરમીને કારણે અમુક પ્રજાતિની શેવાળો પૃથ્વી ઉપર ઉગી નીકળે અને જો સંજોગો અનૂકૂળ હોય તો આ શેવાળોની વૃદ્ઘિ એટલી થાય કે, અઠવાડિયામાં જ તેમનો જથ્થો પૃથ્વીના દ્વવ્યરાશિ જેટલો થઇ જાય. વળી, આ પ્રકારની શેવાળોની ખાસિયત એ છે કે, એ ફકત કાર્બનડાયોકસાઇડને જ આરોગે છે; માટે પૃથ્વી ઉપરથી ક્રમશ: કાર્બનડાયોકસાઇડનું પ્રમાણ ઘટવા લાગે અને ગરમાટો ધીરે-ધીરે ઘટતા પૃથ્વી હિમયુગમાં સરી પડે.(આવી ઘટનાઓને આકાર લેતાં હજારો-લાખો વર્ષ થતાં હોય છે.)
(ક્રમશ:)
વિનીત કુંભારાણા
Path Alias

/articles/galaobala-vaoramainga-avae-chaebhalae-avae-1

Post By: vinitrana
×