ભુજ શહેરની દેડકાવાવ

dedaaka vaav
dedaaka vaav
ભુજ શહેરની સાઇઠ વર્ષ પહેલા પાણી અંગેની વ્યવસ્થા કેવી હતી? ઘરમાં પાણીનો કુવો હોય તેને એક ફૂટ ખોદીને ઊંડો ઉતારતાં. આ કાર્ય વૈશાખ મહિનામાં થતું હતું. વરસાદ બાદ પાણી કુવામાં ચડી આવે એટલે વર્ષભર લોકો કુવામાંથી પાણી સિંચીને ભરતાં હતા. ઉનાળામાં ધુળિયા રસ્તા ઉપર ઠંડક રહે એ માટે રસ્તાની સફાઇ બાદ તેના ઉપર પાણી છાંટવામાં આવતું હતું. કહેવાનો અર્થ એ થયો કે એ સમયે લોકો પાણી બાબતે પગભર હતા....અને આજે....???ભુજ શહેરની સ્થાપના થઇ એ પછી અનેક કુવા, તળાવ, વોકળા જીવંત હતા અને તેની પાછળ ઇતિહાસ ધરબાયેલો પડેલો હોવાથી તેના ખાસ નામ પણ હતા. ભુજમાં ક્રોક્રિંટ જંગલ ઊભું થતું ગયું તેમ આવા નામો ભુલાતા ગયા. પહેલાના સમયમાં મંદિર, મસ્જિદ, ઘરો અને ફળિયામાં કુવા હતા. ભુજ શહેરના કોટ વિસ્તારની વાત લઇએ તો અત્યારે અંદાજે ૧૬૦ થી ૨૦૦ જેટલા કુવા છે કે જેની સફાઇ કરવામાં આવે તો નર્મદાના નીર ઉપર આધાર રાખવો પડે નહી. આજે આપણે ત્રણ કે ચાર દિવસે પાણી મળે એવી ગુલામી વેઠવા માટે તૈયાર છીએ પણ પાણી બાબતે પગભર થવા માટે તૈયાર નથી. વાસ્તવમાં લોકો જાણે છે, બોલે પણ છે, કાવ્યો પણ લખે છે, લેખો પણ લખે છે કે, 'જળ એ જ જીવન છે' પરંતુ એ જળ માટે પગભર થવા માટે સક્રીય બનવામાં વિલંબ કરે છે. ભુજ શહેરમાં અનેક સુવિખ્યાત શિલ્પી વાવ છે તેમાં દેડકાવાવ અદ્ભૂત છે. આ વાવમાં મોટી સંખ્યામાં દેડકા અને કાચબા રહેતા હોવાથી પાણી એકદમ નિર્મળ અને સ્વચ્છ રહેતું હતું. પાણી એટલું ચોખ્ખુ રહેતું કે, વાવના તળિયે પડેલો ચલણી સિક્કો પણ સ્પષ્ટ જોઇ શકાય! આ વાવ પાસે પશુઓને પાણી પીવા માટે અવેડાની વ્યવસ્થા હતી અને માણસોને પાણી પીવા માટે 'જેઠાબાપા'એ પાણીનું પરબ બંધાવી આપ્યું હતું.

આ વાવનું પાણી પીવાથી ક્ષયના રોગમાં રાહત થતી હતી. આવી આ અદ્ભૂત વાવની હાલત આજે સાવ બદતર થઇ ગઇ છે. વર્ષોથી આ વાવને સાફ કરવામાં આવેલી નથી. પાણી દૂર્ગંધ મારે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મુર્તિ પાસે આવી ગંદકી કેમ ચલાવી લેવાય?

સાંઘી કંપનીએ વડિલોના વિશ્રામ માટે નજરબાગની જગ્યાએ સાંઘી દાદા-દાદી પાર્કનું આયોજન કર્યુ. વડિલો ચોખ્ખી હવા માટે આ પાર્કમાં આવે છે પણ વાવના પાણીની દૂર્ગંધથી શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આજે આ વાવ પાસે કોઇ આરામ કે વિશ્રામ લેવાની ઇચ્છા કરતું નથી. ભુજના નૂતન સ્વામીનારાયણ મંદિર દ્વારા આ વાવ પાસે તેનું નામ દર્શાવતું બોર્ડ લગાવામાં આવેલું છે. પ્રભુની પ્રસાદી તરીકે આ વાવને સ્વીકારવામાં આવેલી છે. આ વાવને સ્વચ્છ બનાવવી એ મંદિર માટે બહુ કોઇ મોટી વાત નથી.

જોકે આ વાવને સાફ કરવાની ઝુંબેશ ઉપાડવામાં આવી હતી પણ પછી એ વાતનું સૂરસૂરીયું થઇ ગયુ. નગરપાલિકાએ આ વાવને સાફ કરવાની જવાબદારી તો ઉપાડી પણ પછી જવાબદારી પૂર્ણ કરી નથી. વાવના તળિયામાંથી ૧ થી ૨ ફૂટ જેટલો કાદવ કાઢવાનો બાકી છે. જો આ કાદવ સાફ થઇ જાય તો આ વાવ હમીરસરની પાસે હોવાથી તેમાં પાણી ચડી આવે અને આસ-પાસના વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા થઇ શકે!

આપણે આપણા ઘર, આંગણાને સ્વચ્છ રાખવામાં કોઇ કશાચ રાખતા નથી અને આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાને પણ અસ્વચ્છ રાખવામાં કોઇ કશાચ રાખતાં નથી. અફસોસ તો એ વાતનો થાય છે કે, જાહેર જળાશયો પાસે કચરાપેટી અને 'અહીં ગંદકી કરવી નહી' જેવા બોર્ડ મારેલા હોય તો પણ લોકો ગંદકી કરતાં ખચકાતાં નથી. દર વર્ષે હમીરસર તળાવ પાસે કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે તેમાં અલગ-અલગ ફલોટ ઉપર અનેક કાર્યક્રમ ગોઠવવામાં આવે છે અને શ્રેષ્ઠ કાર્યક્રમને પુરસ્કાર આપવામાં આવે છે.

देदाका वावઆવા કાર્યક્રમમાં એક કાર્યક્રમનો ઉમેરો કરવાની જરૂર છે. એ કાર્યક્રમનું નામ છે: આખા વર્ષ દરમિયાન કોણે સૌથી વધારે કચરો હમીરસરમાં કર્યો? આવા મહાનુભાવોને આ કાર્નિવાલમાં 'પુરસ્કાર'થી વધાવા જોઇએ! આજે લોકોમાં માણસાઇ મરી ગઇ છે. માણસ માણસ નહી પણ એક 'જણસ' બની ગયો છે. એક યંત્રવત જીવન સિવાય તેના જીવનમાં બીજા કશાનું મહત્વ નથી, અને જો હોય તો તે શું દેડકાવાવ કે હમીરસર જેવા જળાશયોને ગંદા થવા દે....!!??

વિનીત કુંભારાણા
Path Alias

/articles/bhauja-sahaeranai-daedakaavaava

Post By: vinitrana
×