બોટલ્ડ વોટર....શુદ્ઘ કે અશુદ્ઘ...!?

માનવ શરીરના જળ તત્વની વાત કરીએ તો પૃથ્વી ઉપર જેમ ૭૦ ટકા પાણી અને ૩૦ ટકા જમીન છે એ પ્રમાણે માનવ શરીરમાં પણ ૭૦ ટકા જળ તત્વ રહેલું છે જે લોહી, પાણી, કોષરસ સ્વરૂપે છે. પ્રત્યેક માનવ દેહના અવયવોમાં કોષો તેના કેન્દ્રમાં રહેલા ઇલેકટ્રોન અને પ્રોટ્રોનની સતત ગતિશીલતાને કારણે એક ચોક્કસ આંદોલન ગતિ ધરાવે છે. કોષોની આ આંદોલન ગતિને કારણે કોષરસનું ધ્રુવિભવન થાય છે. આમ થવાથી કોષરસનું ઉષ્ણતામાન વધે છે. કોષરસનું ઉષ્ણતામાન વધતાં કોષના માઇટોકાન્ડ્રાયા વિસ્તારમાં દાખલ થતાં ભોજનના ક્ષારોમાંથી સોડિયમ, પોટેશિયમ અને કલોરિનના આયનો મુકત થાય છે જે કોષની આસપાસ વીજચુંબકિય ક્ષેત્રનું નિમાર્ણ કરે છે. કોષની નિર્ધારિત આંદોલન ગતિમાં થોડોક ફેરફાર થાય તો જે તે અવયવને બિમારી લાગુ પડે છે. આમ, શરીરમાં લાગુ પડતા રોગો કોષની આંદોલન ગતિની અનિયમિતતાને આભારી છે. માનવશરીરના અવયવો સરળતાથી કાર્ય કરી શકે એ માટે શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે.

છેલ્લા કેટલાક વર્ષોથી વધેલા પાણીના વ્યાપારીકરણને કારણે આજે આપણને પાનના ગલ્લા ઉપર પણ પાણીની બોટલ કે પાઉચ સરળતાથી મળી જાય છે પણ ઇ.સ. ૧૯૯૬ના સમયગાળામાં બોટલ્ડ વોટર હાથમાં રાખીને ફરવું તે સ્ટેટસ સિમ્બોલ ગણાતું હતું. 'કલાસ' લોકો આવું સ્ટેટસ ભોગવતા હતા અને 'માસ' લોકો તેને વિચિત્ર નજરથી જોતાં હતા. આજે ધમધોકાર ચાલતાં પાણીના ઉદ્યોગે કલાસ અને માસ વચ્ચેની ભેદરેખા મીટાવી દીધી છે. આજે મળતી પાણીની બોટલ કે પાઉચ ઉપર 'મિનરલ વોટર' લખેલું જોવા મળતું નથી પણ શરૂઆતના સમયમાં આવી બોટલ ઉપર મિનરલ વોટર લખેલું સ્પષ્ટ જોવા મળતું હતું. લગ્ન સમારંભો, ભોજન સમારંભો, પાર્ટીઓ કે કોન્ફરન્સ મિટિંગ જેવા પ્રસંગો વખતે મિનરલ વોટર પીરસવાનો રિવાજ શરૂ થયો હતો. થોડા સમય પહેલા લોકો માટલાનું ઠંડુ પાણી પીવાનો આગ્રહ રાખતાં હતા પણ આજે સમયમાં પરિવર્તન આવેલું છે લોકો પ્લાસ્ટિકની બોટલ અથવા પાઉચ સીધા મોંઢે માંડે છે. ભારતવર્ષમાં સેંકડો કંપની પાણીને બોટલ કે પાઉચમાં પેક કરીને બજારમાં વેચાણઅર્થે મૂકે છે અને કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે. મૂળભૂત રીતે પાણીના આ વેપારમાં 'રો-મટિરીયલ્સ'ની જરૂર રહેતી નથી કારણ કે, કંપનીઓ કાયદેસર અને મોટાભાગે બીનકાયદેસર રીતે ભૂગર્ભજળનો ઉપયોગ બોટલ્ડ વોટર બનાવવામાં કરે છે જે તેને એકદમ સસ્તું પડે છે. જોકે વર્ષો પૂર્વે સ્વયંસેવા તરીકે ચાલતા 'પાણીના પરબ' ઉપર મળતાં પાણીના આજે પૈસા ચૂકવવા પડે છે એ બાબત કોઇ આÅચર્ય પમાડે તેવી નથી.

વિશ્વભરમાં શુદ્ઘ પાણી બોટલ દ્વારા પીવાની ફેશન આશરે ૧૫૦ વર્ષ જૂની છે. ભારતવર્ષના કાલકા અને સીમલા વિસ્તારમાં શુદ્ઘ પાણીના ઝરા મળી આવ્યા હતા. આ ઝરાના શુદ્ઘ પાણીનો ઉપયોગ શરૂઆતમાં બીયર ગાળવામાં કરવામાં આવતો હતો. એ બાદ કંપનીઓએ ખનિજનું પ્રમાણ-મિનરલ વોટર બોટલમાં ભરીને બજારમાં મૂકયું હતું. શરૂઆતમાં આવી મિનરલ વોટરની કિંમત રૂપિયા ૧૦ હતી ત્યારે લોકો કહેતા કે, પાણીના પૈસા આપવાના ન હોય પણ આજે બોટલ્ડ વોટરનો વેપાર વિશ્વમાં સૌથી મોટો વેપાર માનવામાં આવે છે. અનેક જાતની બ્રાન્ડ નેઇમ ધરાવતી આશરે ૮૦ કરોડ બોટલ ભારતવર્પમાં એક વર્ષમાં વેચાય છે અને આ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂપિયા ૪૦૦ કરોડ અંદાજવામાં આવે છે. દર વર્ષે તેમાં આશરે ૪૦ ટકાનો વધારો થતો રહે છે. 'ઓલ ઇન્ડિયા વોટર મેન્યુફેકચર્સ એશોશિયેશન' ના એક સર્વેક્ષણ મુજબ બોટલ્ડ વોટરનો વપરાશ હોટલ-રેસ્ટોરન્ટમાં ૬૮ ટકા, હાઉસહોલ્ડમાં ૧૯ ટકા, ઓફિસ અને સંસ્થાઓમાં ૬ ટકા, કોન્ફરન્સ-ફંકશનમાં ૪ ટકા અને હોસ્પિટલ-હેલ્થ સેન્ટરમાં ૩ ટકા છે.

ભારતવર્ષમાં આશરે ૨૦૦ થી પણ વધારે કંપનીઓ વર્ષનું અંદાજે ૮૨ કરોડ ૮૦ લાખ લિટર પાણી બોટલમાં ભરીને ૪૦૦ કરોડ રૂપિયાનો વેપાર રળી લે છે. એની સામે તેની કેપિટલ કોસ્ટ નહિવત છે. સરકાર દ્વારા આશરે ૫૦ પૈસે લિટર મળતું પાણી કેટલીક અગત્યની પ્રોસેસ બાદ ૧૨ થી ૧૫ રૂપિયે લિટર વેચાય છે. બોટલ્ડ વોટર પીનારા વર્ગને ખબર હોતી નથી કે તેઓ કયા પ્રકારનું પાણી પી રહ્યા છે-મિનરલ વોટર કે ડ્રિન્કીંગ વોટર! મિનરલ વોટર માટે પાણી કુદરતી ઝરણામાંથી કે કુવામાંથી લેવામાં આવે છે, નગરપાલિકા કે મહાનગરપાલિકાની વિતરણ વ્યવસ્થામાંથી મિનરલ વોટર બનાવવું કાયદાકિય રીતે ગુનો બને છે. જયારે ડ્રિન્કીંગ વોટર(પીવાના પાણી) માટે આવો કોઇ નિયમ લાગુ પડતો નથી. મિનરલ વોટર અને ડ્રિન્કીંગ વોટર શુદ્ઘ, સ્વચ્છ અને સૂક્ષ્મજીવાણું રહિત રહે તેવો આગ્રહ રાખવો પડે છે. આ માટે બોટલમાં પાણી પેક કરતાં સમયે સૂક્ષ્મજીવાણુઓને નષ્ટ કરવા માટે તેમાં કલોરીન વાયુ છોડવામાં આવે છે. પાણીને જંતુરહિત કરવા માટે અલ્ટ્રાવાયોલેટ કિરણોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. રિવર્સ ઓસ્મોસિસ પ્રક્રિયા દ્વારા પાણીમાં ઓગળેલા ક્ષારોનું પ્રમાણ યોગ્ય માત્રામાં કરવામાં આવે છે. આટલી પ્રક્રિયા કર્યા બાદ જ મિનરલ વોટર કે ડ્રિન્કીંગ વોટર બોટલમાં ભરીને પેક કરી શકાય છે. આજે બજારમાં ઘણી કંપનીઓ મિનરલ વોટર શબ્દ વાપરે છે પણ એ ગેરમાર્ગે દોરે છે કારણ કે, પાણીને મિનરલ વોટર ગણવું હોય તો તેમાં ઓછામાં ઓછા કેટલા પ્રમાણમાં ખનિજો હોવા જોઇએ એ વિશે કાયદામાં ચોખવટ નથી. 'બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ' માં પીવાના પાણી અને મિનરલ વોટરની ગુણવત્તા વિશે ધારા-ધોરણો આપવામાં આવેલા છે. ઇ.સ. ૧૯૫૪માં 'પ્રિવેન્શન ઓફ ફૂડ એન્ડ એડલ્ટ્રેશન' એકટના કાયદા પ્રમાણે પીવાલાયક કુદરતી સ્ત્રોતોમાંથી સીધા જ મેળવેલા અને યોગ્ય માત્રામાં બિનઝેરી, આરોગ્યપ્રદ ખનિજ ક્ષારો ધરાવતાં પાણીને મિનરલ વોટર ગણવામાં આવે છે. મિનરલ વોટરમાં કોઇપણ પ્રકારની રજ કે અન્ય કોઇ આરોગ્ય માટે હાનિકારક પદાર્થ ન હોવો જોઇએ. મિનરલ વોટરની વ્યાખ્યા કરતાં સમયે એમ જણાવાયું હતું કે, કુદરતી સ્ત્રોતોમાંથી મળતાં તમામ પાણીમાં મેગ્નેશીયમ, કેલ્શિયમ, સોડિયમ અને બીજા ક્ષારો હોય છે જે પાણીમાં યોગ્ય માત્રામાં હોય તો પાણીનો સ્વાદ જળવાય રહે છે અને પાણી આરોગ્યપ્રદ ગણાય છે. જગત જમાદાર અમેરિકાના કાયદા પ્રમાણે પાણીમાં લિટર દીઠ લઘુત્તમ ૨૫૦ મિલીગ્રામ આવા ટોટલ ડિઝોલ્ડ સોલિડ્સ(ટી.ડી.એસ.)વાળા પાણીને મિનરલ વોટર ગણવામાં આવે છે. ભારતવર્ષમાં 'પ્રિવેન્શન ઓફ ફૂડ એન્ડ એડલ્ટ્રેશન' એકટ મુજબ લિટર દીઠ લઘુત્તમ ૩૦૦ અને મહત્તમ ૧૫૦૦ મિલીગ્રામ ટી.ડી.એસ.વાળા પાણીને મિનરલ વોટર ગણવામાં આવે છે. 'ઇન્ડિયન મેડિકલ કાઉન્સીલ ઓફ રિસર્ચ'ના ધારા-ધોરણ પ્રમાણે આ મર્યાદા ૫૦૦ મિલીગ્રામથી ૨૦૦૦ મિલીગ્રામ છે.

મિનરલ વોટરને આપણે પીએ છીએ ત્યારે આપણે આપણા પેટમાં લિટર દીઠ ૩૫૦ મિલીગ્રામ ખનિજો ઠાલવીએ છીએ. આ પાણીની સાથે આપણા પેટમાં સોડિયમ, કલોરાઇડ, સલ્ફેટ અને બાયકાર્બોનેટ જેવા ક્ષારો પણ દાખલ થાય છે. શરીરમાં મોટાભાગના રોગોના મૂળમાં પાણી છે. પાણીમાં રહેલી અશુદ્ઘિ, ક્ષારોનું વધુ પ્રમાણ અને ધાતુઓને કારણે આપણા શરીરમાં રોગ લાગુ પડે છે. એલ્યુમિનિયમના વધુ પ્રમાણને કારણે મગજના અસ્થિરપણાનો રોગ થાય છે. આર્સેનિક જેવા ઝેરી પદાર્થોથી શરીર ઉપર વિપરીત અસર થતાં ચામડીના રોગ થાય છે. પાણીમાં ફલોરાઇડનું પ્રમાણ વધુ હોય તો શરીરમાં ફલોરોસીસ અને અન્ય રોગોને નોતરે છે. બોરોનના વધુ પ્રમાણને કારણે ચેતાતંત્રની પ્રક્રિયામાં ખલેલ પહોચે છે. લેડ-સીસુંનું પ્રમાણ પાણીમાં થોડું વધારે હોય તો કીડની ડેમેજ થાય છે. કેડિયમનું વધુ પડતું પ્રમાણ હોય તો હાડકામાં વિકૃતિ આવે છે. જે લોકો હાર્ટના રોગથી પીડાતા હોય તે લોકો વધારે પડતાં સોડિયમવાળું પીએ તો તેમના હાર્ટના રોગ વકરે છે. જે પાણી બોટલ્ડ વોટર તરીકે બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે છે તેને કોડેકસ સ્ટાર્ડડ ૧૦૮-૧૯૮૧ પ્રમાણે મિનરલના પ્રમાણ માપ લાગુ પડે છે. કોઇપણ બોટલ્ડ વોટરમાં કોઇપણ મિનરલનું પ્રમાણ સ્ટાર્ડડમાં જણાવ્યા પ્રમાણેથી વધુ હોય તો તે બોટલ્ડ વોટર શરીર માટે હાનિકારક સાબિત થાય છે. આ મિનરલના સ્ટાર્ડડ આ પ્રમાણે છે: આર્સેનિક-૦.૦૧ મિલીગ્રામ/લિટર, બોરેટ-૫.૦૦ મિલીગ્રામ/લિટર, બેરિયેમ-૦.૭ મિલીગ્રામ/લિટર, કેડિયમ-૦.૦૦૩ મિલીગ્રામ/લિટર, ક્રોમિયમ-૦.૦૫ મિલીગ્રામ/લિટર, કોપર-૧.૦૦ મિલીગ્રામ/લિટર,સાઇનાઇડ-૦.૦૭ મિલીગ્રામ/લિટર, ફલોઇરાઇડ-૧.૦૦ મિલીગ્રામ/લિટર, લેડ-૦.૦૧ મિલીગ્રામ/લિટર, મેંગેનિઝ-૦.૪૧ મિલીગ્રામ/લિટર, મરકયુરી-૦.૦૦૧ મિલીગ્રામ/લિટર, નિકલ-૦.૦૨ મિલીગ્રામ/લિટર અને નાઇટ્રેટ ૫૦ મિલીગ્રામ/લિટર

. શરીરની તંદુરસ્તી માટે પાણીમાં કેલ્શિયમ, લોહ, મેગ્નેશિયમ, સોડિયમ વગેરે ક્ષારોનું યોગ્ય પ્રમાણ હોવું અત્યંત જરૂરી છે. પાણીમાં કેટલા પ્રમાણમાં ક્ષારો ઓગળેલા છે તેના આધારે પાણીનો સ્વાદ બને છે. પાણીમાં વધારે પ્રમાણમાં ક્ષાર ઓગળેલા હોય તો પાણી બેસ્વાદ બની જાય છે અને આવું પાણી પીવાથી પાચનતંત્ર ખરાબ થાય છે. મિનરલ વોટરના ૧ લિટર જથ્થામાં ૧૫૦૦ મિલીગ્રામથી વધારે માત્રામાં ક્ષારો ઓગળેલા ન હોવા જોઇએ. ભેળસેળ પ્રતિબંધિત ધારા અનુસાર ૧૦૦ લિટર પાણીમાં એલ્યુમિનિયમ ૩ મિલીગ્રામ અને આર્સેનિક ૫ મિલીગ્રામથી વધુ ન હોવા જોઇએ. શું બજારમાં મળતા આઇ.એસ.આઇ. કે નોન આઇ.એસ.આઇ બોટલ્ડ વોટરમાં આવા નિયમોનું અનુસરણ કરવામાં આવે છે? પ્રશ્નનો ઉત્તર ખૂબ જ અઘરો છે કારણ કે આજે 'બિલાડીના ટોપ' ની માફક બોટલ્ડ વોટર બનાવતી કંપનીઓ ફૂટી નીકળતી જોવા મળે છે. 'બાર ગાઉએ બોલી બદલાય' તેમ આજે બાર ગાઉએ પાણીના પાઉચની કંપની બદલાય જાય છે. બજારમાં મળતું પીવાનું પાણી કે મિનરલ વોટર ખરેખર પીવાલાયક છે કે નહી એવી શંકાની નજરે જોવા કરતાં લોકો તેને આંખો મીંચીને ગટગટાવી જાય છે, પણ હકીકતે બજારમાં મળતું પાણી કદાચ સ્વાસ્થય માટે જોખમી પણ હોઇ શકે! હા, આજે સમય એવો આવ્યો છે કે, મિનરલ વોટર પણ આપણને માંદા પાડી શકે તેમ છે!

છેલ્લી લાઇન.... પાણી થકી ઉદ્ભવેલી સૃષ્ટિ પાણી માટે જ ખતમ થઇ જશે...??!!

વિનીત કુંભારાણા

Path Alias

/articles/baotalada-vaotarasaudagha-kae-asaudagha

Post By: vinitrana
×