અર્બન ગવર્નન્સ-૨

ગવર્નન્સથી શું થઇ શકે છે?......અથવા ગવર્નન્સની પ્રક્રિયાથી શું પરિણામ મળી શકે છે?
ગવર્નન્સને એક સૈંધાતિક અભિગમ કહી શકાય જે બૃહદ રાજકારણનું ઝીણવટપૂર્વક તુલનાત્મક વિશ્લેષણ કરે છે. ગવર્નન્સ દ્વારા બંધારણીય અટપટા અને મોટા પ્રશ્નો નિરાકરણ માટે હાથ ધરવામાં આવે છે જેના દ્વારા રાજકીય આચાર સંહિતાના નિયમો સ્થાપિત કરી શકાય છે. ગવર્નન્સ દ્વારા રાજકીય, સામાજિક અને અન્ય વહીવટી સમસ્યાઓને એક તાંતણે બાંધીને તેનો વ્યવહારું ઉકેલ આવી શકે છે. એક વાત સ્પષ્ટ છે કે, ગવર્નન્સ આજના યુગમાં એક વ્યાપક અભિગમ બની ગયો છે. રાજકીય અને સામાજિક ક્ષેત્રે વ્યવસ્થાપનની બાબતો ગવર્નન્સ દ્વારા સમાજમાં સ્થાપિત કરી શકાય છે આ ઉપરાંત ગવર્નન્સ ખાનગી ક્ષેત્રની કાયદેસરતા વધારવાનું સાધન બની ગયું છે. સામાન્ય ભાષામાં એમ કહી શકાય કે, ગવર્નન્સ એક એવી પ્રક્રિયા છેે જેમાં સમાજ ઉપયોગી યોગ્ય નિર્ણયો લેવામાં આવ છે અને તે નિર્ણયોને અમલીકૃત કરવામાં આવે છે(અથવા તો અમલીકૃત કરવામાં આવતાં નથી.) ગવર્નન્સ એક વિશ્લેષણ પ્રક્રિયા છે જેમાં ઔપચારિક અને અનૌપચારિક નિર્ણયો લેવામાં આવે છે અને આ નિર્ણયોના આધારે માળખાકીય સુવિધા ઉત્પન્ન કરવામાં આવે છે. સશકત ગવર્નન્સની મુખ્ય આઠ લાક્ષણિકતા છે: સહભાગીદારી, કાયદાનું પાલન, પારદર્શકતા, પ્રતિભાવ, સર્વસંમતિ, સમુદાય તથા અંતર્ભાવ, અસરકારક કાર્યક્ષમતા અને ઉત્તરદાયિત્વ(જવાબદારી). દરેક લાક્ષણિકતાને ટુંકમાં સમજીએ:
સહભાગીદારી: ગવર્નન્સ માટે સહભાગીદારી પાયાનો પથ્થર છે. આ સહભાગીદારીમાં પુરુષો અને સ્ત્રીઓ બન્ને ક્રિયાશીલ હોવા જરૂરી છે. સહભાગીદારી સમુદાય દ્વારા સ્વતંત્ર હોઇ શકે અથવા તો સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા હોઇ શકે. પ્રતિનિધિઓની સ્વતંત્રતા જરૂરી છે પણ એનો અર્થ એ નથી કે, સૌથી વધારે સંવેદનશીલ સમાજની ચિંતાને નિર્ણયમાં લેવામાં આવે પરંતુ જરૂરી એ છે કે, સમગ્ર સમાજને ઉપયોગી થઇ શકે એવા નિર્ણયો પ્રતિનિધિઓ દ્વારા લેવામાં આવે. સહભાગીદારી માટે સાચી માહિતીનું એકત્રીકરણ કરીને લોકોને સાથે રાખીને યોગ્ય આયોજન કરવું જોઇએ. સહભાગીદારીનો સીધો અર્થ એ થાય છે કે, એક તરફ સંગઠન અને અભિવ્યકિતની સ્વતંત્રતા સપાટી ઉપર આવે છે અને બીજી તરફ સમાજ અને સંસ્થા વચ્ચે એક વિચારધારા સપાટી ઉપર આવે છે.
કાયદાનું પાલન: ગવર્નન્સ માટે એક આદર્શ કાનૂની માળખાની જરૂરિયાત રહે છે જે નિષ્પક્ષપાતપણે કાર્ય કરે છે. માનવ અધિકારના રક્ષણ માટે અને ખાસ કરીને લઘુમતીઓના અધિકારના રક્ષણ માટે કાયદાનું પાલન જરૂરી છે. કાયદાઓના નિષ્પક્ષ અમલ માટે એક સ્વતંત્ર બિન ભષ્ટ્રાચારી ન્યાયતંત્ર અને પોલિસબળ પણ જરૂરી છે.
પારદર્શકતા: પારદર્શકતાનો અર્થ એ થાય છે કે, જે કંઇ પણ નિર્ણયો લેવામાં આવે અથવા અમલીકૃત કરવામાં આવે તેને કાયદાની મર્યાદામાં રહીને લેવામાં આવે. પારદર્શકતાનો અર્થ એ પણ થાય છે કે, જે નિર્ણયો લેવામાં આવે છે તેની માહિતી બધા માટે ઉપલબ્ધ છે અને ખાસ કરીને એ નિર્ણયો વિશે અસરગ્રસ્તો પોતાના અભિપ્રાય મુકત રીતે આપી શકે છે.
પ્રતિભાવ: ગવર્નન્સ માટે પ્રતિભાવનો ભાવાર્થ એ છે કે, દરેક સંસ્થાઓ અને સહભાગીદાર પોતાની સેવા એક નિશ્ચિત અને વાજબી સમયગાળામાં આપે.
સર્વસંમતિ: સમાજમાં ઘણા લોકો હોય છે, અલગ-અલગ ક્ષેત્રના લોકો હોય છે. ગવર્નન્સ માટે જરૂરી એ છે કે, વિવિધ ક્ષેત્રના લોકો આ પ્રક્રિયામાં પોતાનો મહત્તમ રસ દાખવે અને તેના દ્વારા સર્વસંમતિ સુધી પહોચી શકાય. ટકાવ માનવ વિકાસ અને વિકાસના લક્ષ્યાંકો સિદ્ઘ કરવા માટે લાંબા ગાળાનો દ્વષ્ટ્રિકોણ અનિવાર્ય છે અને આ દ્વષ્ટ્રિકોણ ત્યારે જ શકય બને જયારે સમુદાયમાં ઐતિહાસીક, સાંસ્કૃતિક અને સામાજિક અભિગમની સમજણ હોય.
સમુદાય તથા અંતર્ભાવ: સમાજમાં રહેતા બધા જ સભ્યો સમાજનો જ એક ભાગ છે. તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાંથી બાકાત નથી. આથી સમાજમાં પ્રવર્તતી દરેક ક્રિયા-પ્રતિક્રિયા તેને અસર કરે છે. સમાજમાં બધાજ જુથો જરૂરી છે પણ જે જુથ સૌથી વધારે સંવેદનશીલ છે, જેના સામાજિક સ્તરના સુધારાની તક વધારે છે તેને ખાસ કરીને આગળ લાવવાનું કામ ગવર્નન્સ અંતર્ગત થવું જોઇએ.
અસરકારક કાર્યક્ષમતા: આ સદર્ભમાં ગવર્નન્સનો અર્થ એ થાય છે કે, સમાજમાં જે કંઇ પણ પ્રક્રિયાઓ થાય છે તે સમાજને ઉપયોગી થઇ શકે એવી હોવી જોઇએ. જે સ્રોતોનો ઉપયોગ સમાજના લાભ માટે કરવામાં આવેલો છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ થયો હોવો જોઇએ. આ સંદર્ભમાં કુદરતી સંશાધનોનો ટકાઉ ઉપયોગ અને પર્યાવરણની યોગ્ય જાળવણી પણ આવી જાય છે.
ઉત્તરદાયિત્વ(જવાબદારી): સારી શાસન વ્યવસ્થા માટે જવાબદારી એક અગત્યનું પાસું છે. માત્ર સરકારી તંત્ર નહી પણ જાહેર અને ખાનગી સંસ્થાઓના સભ્યોની સાથે સમાજ પણ પોતાની જવાબદારી પ્રત્યે સભાન હોવો જરૂરી છે. સમાજમાં કે સામૂહિક પ્રક્રિયામાં જે આંતરીક અને બાહ્ય નિર્ણયો લેવામાં આવે છે તેના આધારે કોણ કોના માટે જવાબદાર છે તે નક્કી થાય છે. સંસ્થા કે સમૂહ દ્વારા જે નિર્ણય લેવામાં આવે તેનાથી જે અસર ઉત્પન્ન થાય તેના માટે જે-તે સંસ્થા કે સમૂહ જવાબદાર હોય છે. જવાબદારી કોઇપણ જાતના દબાણ વગર અને સંપૂર્ણ પારદર્શકતા ઉપર આધારિત છે.
ઉપરોકત દરેક લાક્ષણિકતાના આધારે કહી શકાય કે, ગવર્નન્સ એક આદર્શ વિભાવના છે પણ તેને સંર્પૂણ રીતે સાકાર કરવી એક જટિલ કાર્ય છે. બહુ ઓછા દેશો અને મંડળીઓમાં આવી શાસન વ્યવસ્થા સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યી છે. જોકે ટકાઉ માનવ વિકાસના નિર્માણ હેતુ ગવર્નન્સના આદર્શ સાથે કામ કરવું જોઇએ.
(ક્રમશ:)
વિનીત કુંભારાણા
Path Alias

/articles/arabana-gavarananasa-2

Post By: vinitrana
×