પાણીની ગુણવત્તા અને જતન

ઉનાળાની અગનજાળ ગરમી પછી વરસાદ થતાં ધરતી શીતલ અને લીલીછમ થઈ જાય છે. આ કુદરતી ચક્ર ચાલ્યા જ કરે છે. આપણને લાગે છે કે પાણીએ બધું જ બદલી નાખ્યું? જમીન જાનવર અને જન બધાં જ પર પાણીની જીવંત અસર થાય છે. કારણ કે જળ એ જ જીવનનો આધાર છે. પાણી એ પૃથ્વી પરના જાદૂ સમાન વસ્તુ છે. અગ્નિ અને પાણી જીવન આપનાર ટકાવનાર બધું જ આપનારાં છે. પાણી એક માતાની ગરજ સારે છે. તેનામાં જીવન આપવાનો અને રૂઝવવાનો ગુણ છે.

ગુજરાતમાં ભૂગર્ભજળમાં વધતું જતું ખારાશનું પ્રમાણ એ આજે ગુજરાતની ગંભીર પર્યાવરણીય સમસ્યા છે. પાણીના જથ્થા ગુણવત્તા સંરક્ષણ અર્થે સરકાર દ્વારા, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સમાજના વિવિધ સમુદાયો દ્વારા વિવિધ પ્રયત્નો હાથ ધરાયા છે. પાણી ગુણવત્તા અને તેના જથ્થાના જતન માટે કેટલીક ભલામણો નીચે મુજબ આપેલી છે.
• ઈઝરાયેલની જેમ ભૂગર્ભજળને સૌની સંપત્તિ ગણવી જોઈએ.
• જળ ઉપલબ્ધતા અને સંરક્ષણ માટે સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ વચ્ચે સમજણ હોવી જોઈએ.
• જળસંગ્રહ સ્ટ્રકચરોનું બાંધકામ વૈજ્ઞાનિક રીતે થાય તેવું ગોઠવવું.
• પીવાના પાણીની વ્યવસ્થામાં થતાં ખર્ચમાં પણ ભાગીદારીનો ખ્યાલ ઉમેરવો જોઈએ.
• પીવાના પાણીની વ્યવસ્થાના ટકાઉપણા માટે આયોજનમાં, અમલીકરણમાં અને જાળવણી વ્યવસ્થામાં લોક સમુદાયોને ભાગીદાર કરવા જોઈએ.
• પાણી વેરો એવો રાખવો જોઈએ જેનાથી પાણીનો અનિયંત્રિત ઉપયોગ ઘટે. જાજરૂ-સફાઈ માટે પાણીનો બચાવ થાય તેવી પદ્ધતિ અપનાવવી જોઈએ. જેઓ પાણીના લીકેજ અને બગાડ માટે જવાબદાર હોય, તેનો દંડ કરવો જોઈએ.
• છતના વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પ્રક્રિયા ખૂબ ઉપયોગી છે. તેની ગુણવત્તા પણ જળવાય તે જોવાવું જોઈએ.
• ડાંગર, ઘંઉં, શેરડીથી પાક પદ્ધતિ પાણીનો ખૂબ બગાડ કરે છે, તેના વિકલ્પે અન્ય પાક તરાહ વિચારવાની તાતી જરૂર છે.
• પાણી પુરવઠો એ સરકારી વિભાગો અને લાભાર્થી વચ્ચેના યોગ્ય સંકલન અને સહ આયોજનનો મુદ્દો છે. સ્થાનિક પસંદ થયેલ સંચાલક મંડળે ગ્રામલોકોને એક સમૂહ નક્કી કરવો જોઈએ જે પૂરાં થયેલા કાર્યો-પંપસેટ વગેરેની દેખરેખ રાખે.
• પીવાના પાણીની ગુણવત્તા ભૌતિક, રાસાયણિક અને જૈવિક ઘટકોની રીતે માપવી પડશે, ફ્લોરાઈડ, નાઈટ્રેટ જેવા તત્વો કે જેની લાંબાગાળાએ અસર ઊભી થાય, તેનો પણ વિચાર કરવો પડશે.
• શહેરી પાણી જે ઉદ્યોગ કે અન્ય કારણે પ્રદૂષિત થયું ન હોય તેની જરૂરી વ્યવસ્થા કરવી પડશે.
• સરકાર લોકો સાથ મળીને તથા જળનીતિ સુધારીને જળ સંરક્ષણ સ્ટ્રકચરોના વિકાસ અને વ્યવસ્થા માટે લોકભાગીદારીની સુનિશ્ચિત કરી શકે. વિસ્તાર અનુસાર જળ સંરક્ષણ સ્ટ્રકચરો બનાવવાનું ફરજિયાત બનાવવું પડશે.
• પાણીની કિંમત એવી રીતે ગોઠવવી કે જેની માત્ર જાળવણીને ભવિષ્યના રોકાણના ખ્યાલ ઉપરાંત તેમાં વધારાની પાણીની વ્યવસ્થાની જોગવાઈ પણ સામેલ હોય. ઉપરાંત ખેડૂતોને જ જળ ચાર્જ ભેગા કરવાની, પાણીની જાળવણીને ફાળવણીની વ્યવસ્થાની જવાબદારી સોંપવી જોઈએ.
• તૂટી ગયેલી કેનાલમાંથી જમીનમાં ઉતરી જતા પાણીના વ્યયથી બચવું પડશે.
• પાણી વ્યવસ્થા બાબતે જળનીતિ-૨૦૦૨નું અનુકરણ કરવું જોઈએ.
• નદીઓના જોડાણ જેવા મહત્ત્વના મુદ્દા પર રાષ્ટ્રીય સ્તરે થવી જોઈએ.
• નદીઓનાં જોડાણોનો કાર્યક્રમ યોજતા પહેલાં તેની આર્થિક ક્ષમતા, ટેકનોલોજિકલ ક્ષમતા, પર્યાવરણીય ટકાઉપણું અને રાષ્ટ્રીય સંદર્ભો વગેરે ચકાસવાં જોઈએ.
• પિયત જળસ્ત્રોત આયોજન અને વ્યવસ્થા એક વિજ્ઞાન છે, તેના તરફ પૂરતું ધ્યાન સરકાર અને ખેડુતે દેવું પડશે.
• પાણી ભરાવો અને ત્વરીયતા અટકાવવા જરૂરી આયોજન કરવું અને તે અંગે જરૂરી પગલાં ભરવા જોઈએ.
• પાણીનો ઉપયોગ કરનારાનાં સંગઠનો બનાવવા પડશે, કે જ્યાં કેનાલ-ટ્યુબવેલ દ્વારા પાણીની પિયતની વ્યવસ્થા પ્રચલિત છે અને પાણીનો ઉપયોગ કરનારા પાણીના વ્યવસ્થા સંચાલન માટે કાર્ય કરતાં હોય.
• દેશની ઉપલબ્ધ જળરાશિનો યોગ્ય ઉપયોગ કરવા માટે તેનો સંગ્રહ કરીને જરૂરિયાત અનુસાર તેનું વિતરણ કરવા માટે પાણીનો રાષ્ટ્રીય સંદર્ભે ઊભો કરવો જોઈએ.
• પાણી વ્યવસ્થાનો સમગ્રદર્શી અભિગમ ઊભો કરવો જોઈએ. અત્યારે સપાટી પરનાં પાણી અને ભૂગર્ભજળ પર વ્યવસ્થાપનનું સંકલન કરવું જોઈએ. ઉપરવાસ તથા નીચેના પ્રવાહના પાણી સંદર્ભના વ્યવહારોનું સંકલન તથા પાણી વ્યવસ્થાપનની ગુણવત્તા અને જથ્થાનું પણ વ્યવસ્થાપન કરવું જોઈએ.

ડૉ. રમણીકલાલ ભુવા
લેખક આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, જુનાગઢના વ્યાખ્યાતા છે.

સંકલનઃ કંચન કુંભારાણા
Path Alias

/articles/paanainai-gaunavatataa-anae-jatana

Post By: vinitrana
×