કુદરતી આફત - ગ્લોબલ વોર્મિંગની અસરો

બીજા શબ્દોમાં કહીએ તો અમેરિકાની આડાઈને લીધે કયોટો પ્રોટોકોલ નિષ્ફળ ગયો. જર્મની, ફ્રાન્સ અને ઈંગ્લૅન્ડ કયોટો પ્રોટોકોલના માપદંડ પ્રમાણે કાર્બન ગૅસને નિયંત્રિત રાખવામાં સફળ થયા છે. જ્યારે વિશ્વમાં સૌથી વધારે પ્રદૂષણ ફેલાવનાર દેશ અમેરિકા આમ ભારત અને ચીન સાથે પહેલે આપની રાજનીતિ રમી રહ્યું છે.

આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની અસરોની આફતોમાં ફસાયેલું છે. જેની પ્રતિતી આજે વિશ્વ કરી રહ્યું છે. પછી તે ભુકંપ હોય કે સુનામી હોય કે ઋતુચક્રમાં થયેલું પરિવર્તન હોય. ઔદ્યોગિકીકરણ પછીના યુગમાં ભારત સહિત પૂરા વિશ્વએ પ્રદૂષણનું રાક્ષસી સ્વરૂપ અનુભવ્યું છે. પૃથ્વી પર સતત વધતા જતાં તાપમાનના કારણે આબોહવામાં થઈ રહેલા પરિવર્તનનાં માઠાં ફળ ચાખ્યાં પછી હવે આપણે રહી રહીને પર્યાવરણની જાળવણી માટે ચિંતિત થયાં છીએ. ગ્લોબલ વોર્મિંગનો મુદ્દો ખુદ ગરમી પકડી રહ્યો છે અને એના કારણે આ દિશામાં ખાસ્સી જાગૃતિ આવી છે.

છેલ્લાં બસ્સો વર્ષથી પશ્ચિમમાં થઈ રહેલાં ઔદ્યોગિકીકરણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ ગૅસ છોડવાની માત્રા વધી રહી છે. આ એક એવો ગૅસ છે જે લગભગ બસ્સોથી અઢીસો વર્ષ સુધી સક્રિય રહી શકે છે.

સૌપ્રથમ ઓગણીસમી સદીમાં સ્વાન્તેઓરનિયસે ભવિષ્યવાણી કરી હતી કે, આવતા ત્રણ હજાર વર્ષમાં કાર્બન ગૅસનું પ્રદૂષણ બમણું થઈ જશે. ૧૯૩૮માં બ્રિટિશ ઈજનેર ગાય કોલેન્ડરે ગ્લોબલ વોર્મિંગના ભયસ્થાન વિશે આગાહી કરી હતી. જેને એ સમયે મજાક ગણવામાં આવી હતી. આજની સ્થિતિ જોતાં લાગે છે કે આ બંને દુરંદેશી હતા.

પર્યાવરણ વિશેનું યુ.એન.નું પ્રથમ સંમેલન ૧૯૭૨માં સ્ટોકહોમમાં મળ્યું હતું. જ્યાં એ નક્કી થયું કે કોઈ પણ દેશ એવી પ્રવૃત્તિ નહીં કરે, જેનાંથી પડોશી દેશમાં પ્રદૂષણ ફેલાય. ૧૯૪૮નાં એક સંશોધન દ્વારા ખબર પડી કે, પૃથ્વીની આસપાસ રહેલા ઓઝોનના આવરણમાં પ્રદૂષણને લીધે ગાબડું પડ્યું છે. ઓઝોનનું આવરણ એક એવું સુરક્ષા કવચ છે, જે આપણને સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે. આ તથ્ય જાણ્યા પછી અનેક દેશોમાં પર્યાવરણની સ્વચ્છતા વિશે સભાનતા આવી.૧૯૮૭માં મોન્ટ્રિયલ શહેરમાં એક સંમેલન યોજાયું જેમાં પર્યાવરણની જાળવણી દરેક દેશની જવાબદારી છે એવી સમજૂતી થઈ. કાર્બન અને બીજા ઝેરી ગૅસના નિષ્કાસન પર નિયંત્રણ મૂકવા પર ભાર મુકાયો. આ સમજૂતી મોન્ટ્રિલ પ્રોટોકોલના નામે જાણીતી છે. ૧૯૯૨માં યુ.એન.ની દેખરેખ નીચે રીઓ-દ-જનેરોમાં અર્થ સમિટનું આયોજન થયું. અહીં લેવામાં આવેલા નિર્ણયો રીઓ પ્રિન્સિપાલ અથવા એજન્ડા-૨૧ના નામે ઓળખાય છે. ગ્લોબલ વોર્મિંગ સામે લડતની યોજનાં અહીં ઘડવામાં આવી. ભારતે એમાં સક્રિય ભૂમિકા ભજવી અને વિકાસશીલ દેશો તરફથી ભારપૂર્વક રજૂઆત થઈ કે જે પણ પગલાં બાધારૂપ ન થવાં જોઈએ.

મોન્ટ્રિયલના અધિવેશન પછી ક્યોટો પરિષદનું આયોજન થયું. ૧૯૯૭નો ક્યોટો પ્રોટોકોલ પ્રદૂષણ સામેની લડતનું એક સીમાચિહ્ન છે. આ પ્રોટોકોલના નિર્ણય પ્રમાણે ૨૦૦૫ થી ૨૦૧૨ સુધીમાં દરેક વિકસિત દેશ ૧૯૯૦ ના ધોરણને માપદંડ ગણી કાર્બનના નિષ્કાસનના પાંચ ટકાનો કાપ મૂકવાનો છે. આ વિકસિત દેશોની યાદીમાં ભારત અને ચીનનો સમાવેશ થતો નથી. આપણાં પર કોઈ ફરિજયાત કાપ નથી મુકાયો. અમેરિકાએ આ પ્રોટોકોલમાં ભાગ લીધો હોવા છતાંયે ૨૦૦૧માં જાહેર કર્યું કે એમને આ સંધિ મંજુર નથી. સાથે એ પણ જણાવ્યું કે જ્યાં સુધી ભારત અને ચીન પર કાર્બન નિષ્કાસનનાં નિયંત્રણ ન મુકાય ત્યાં સુધી પોતે કોઈ ફરજિયાત નિયંત્રણમાં નહીં માને.

બીજા શબ્દોમાં કહીએ તો અમેરિકાની આડાઈને લીધે કયોટો પ્રોટોકોલ નિષ્ફળ ગયો. જર્મની, ફ્રાન્સ અને ઈંગ્લૅન્ડ કયોટો પ્રોટોકોલના માપદંડ પ્રમાણે કાર્બન ગૅસને નિયંત્રિત રાખવામાં સફળ થયા છે. જ્યારે વિશ્વમાં સૌથી વધારે પ્રદૂષણ ફેલાવનાર દેશ અમેરિકા આમ ભારત અને ચીન સાથે પહેલે આપની રાજનીતિ રમી રહ્યું છે.

કયોટો પ્રોટોકોલની અવધિ ૨૦૧૨માં પૂરી થાય ત્યાર બાદ શું ? બસ આ પ્રશ્નનો ઉત્તર શોધવા હજારોની સંખ્યામાં પ્રતિનિધિઓ કોપનહેગન ખાતે ૭ ડિસેમ્બર, ૨૦૦૯થી એકત્રિત થયા હતાં.

ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં ૭મી ડિસેમ્બર, ૧૨ દિવસ માટેના સંયુક્ત રાષ્ટ્રની જલવાયુ પરિવર્તન શિખર બેઠકનો પ્રારંભ થયો હતો. આ શિખર બેઠકમાં ૧૯૨ દેશોનાં પ્રતિનિધિઓ, પર્યાવરણ નિષ્ણાંતોએ ભાગ લીધો. ૧૫,૦૦૦ જેટલા પ્રતિનિધિઓની હાજરીમાં શિખર બેઠકનો પ્રારંભ એક શોર્ટ ફિલ્મથી કરવામાં આવ્યો હતો. આજના નેતાઓ તો પર્યાવરણને બચાવવાના નક્કર પ્રયાસો નહિ કરે તો ભવિષ્યમાં બાળકોને કેવી ભયાવહ સ્થિતિનો સામને કરવો પડશે તેનો આછો અણસાર ફિલ્મમાં દર્શાવ્યો હતો. કલાઈમેટ ચેન્જ અંગેની પેનલના વડા આર.કે.પચૌરીએ જણાવ્યું હતું કે, આ સમસ્યાને કારણે ભવિષ્યમાં લાખો લોકો નિરાશ્રિત બનશે. ૧૯૨ દેશોના પ્રતિનિધિ મંડળને સંબોધતાં પચૌરીએ જણાવ્યું હતું કે, “અનેક વિજ્ઞાનીઓએ સંપૂર્ણ કટિબદ્ધતા સાથે વર્ષો સુધી કરેલા સંશોધનો દર્શાવે છે કે સમયસર પગલાં લેવાથી વિશ્વને ભારે ફાયદો થઈ શકે એમ છે તથા આર્થિક અને સામાજિક વનને બહેતર બનાવી શકશે.”

બેઠકના નિશ્ચિત એજન્ડા પ્રમાણે પ્રથમ સપ્તાહે વિવિધ સંધિના ડ્રાફ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું અને બીજા સપ્તાહે ભાગ લેનાર દેશોના પર્યાવરણ પ્રધાનો નિર્ણયો લેવાના હતા. બેઠક સામે સૌથી મોટો પડકાર વર્ષ ૨૦૧૨માં પૂર્ણ થઈ રહેલા કયોટો પ્રોટોકોલની અનુગામી સંધિ તૈયાર કરવાનો હતો.

આમ જોવા જાવ તો કોપનહેગનની કલાયમેન્ટ, કોન્ફરન્સનો મૂળ હેતુ માનવસર્જિત પ્રદૂષણને કારણે પૃથ્વીના તાપમાનમાં થઈ રહેલા વધારાથી ગ્લોબલ વોર્મિંગથી માનવજાત માટે સંકટ પેદા થયું છે. એ મુસીબતનો સહિયારો સામનો કરવાની દિશામાં મહત્ત્વનાં પગલાં ઉઠાવવાનો છે.

કોપનહેગન શિખર પરિષદમાં અને સમાચારોમાં સતત ચમકી રહેલા ગ્લોબલ વોર્મિંગ શબ્દો જોવા મળે છે. ત્યારે દરેકને ગ્લોબલ વોર્મિંગ એટલે શું તે જાણવાની ઉત્સુકતા થાય એ સ્વાભાવિક છે.

૧. ગ્લોબલ વોર્મિંગ એટલે શું ?
ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારું ઉષ્ણતાનું મુખ્ય કારણ ગ્રીનહાઉસ ઈફેકટ છે. ગ્રીનહાઉસ ઈફેકટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ.

૨. ગ્લોબલ વોર્મિંગનાં કારણો :
• આપણએ ઔદ્યોગિકીકરણ અને વિકાસના નામે કારખાનાં, કાર, વિમાન વગેરેમાં બેફામ બનીને કોલસો, ખનિજતેલ અને પેટ્રોલ- ડીઝલ-કેરોસીન વાપર્યાં તેથી પાર વિનાનો કાર્બન ડાયોક્સાઈડ વાતાવરણમાં ઠલવાયો છે.
• ધરતી પર સિમેન્ટનાં જંગલો ઊભા કર્યાં છે જે સૂર્યનાં કિરણોને સૌથી વધુ ગરમી સાથે પાછાં ફેંકે છે અને વાતાવરણનો કાર્બન ડાયોક્સાઈડ તેને અવકાશમાં પાછી જવા દેતો નથી. એ ગરમી વાતાવરણમાં જ ઘુમરાતી રહે છે.
• આ સ્થિતિ કાર્બન ડાયોક્સાઈડની મિથેન, નાઈટ્રસ ઓકસાઈડ વગેરે વાયુઓના કારણે સર્જાય છે. તેમાં મુખ્ય ભૂમિકા કાર્બન ડાયોક્સાઈડની છે.
• વાતાવરણમાં ગરમીને કેદ કરી રાખનાર બીજો ખેપાની વાયુ મિથેન છે. તે મોટે પાયે પશુપાલન, ડાંગરની ખેતી, રાસાયણિક પ્રક્રિયા માટે વસ્તુઓને સડાવવાની પ્રવૃત્તિ અને ઔદ્યોગિકીકરણથી વાતાવરણમાં ઠલવાતો રહ્યો છે. આ વાયુ કાર્બન ડાયોક્સાઈડ કેદ કરે છે. એટલે ઓછો હોવા છતાં વધારે અસર કરે છે.
• આ વાયુને વનસ્પતિ શોષીને પ્રાણવાયુ પાછો વાતાવરણમાં છોડે તેવી કુદરતની ગોઠવણી હતી. પરંતુ આપણે જંગલોનું મોટે પાયે નિકંદન કાઢીને આ વાયુના પ્રમાણને નિયંત્રણ રાખનાર સૌથી મોટા અને અસરકારક કુદરતી મશીનનો નાશ કર્યો છે.
• આ બધાને સરવાળે વાતાવરણમાં એટલા વાયુઓ ઠલવાયા છે કે સૂર્યના પ્રકાશ સાથે વરસતી ગરમી વાતાવરણમાં જ કેદ થઈને સમગ્ર પૃથ્વીને રીતસર શેકી રહી છે.
• નાઈટ્રસ ઓકસાઈડ ખાતરોના બેફામ ઉપયોગથી અને જૈવિક બળતણ બાળવાથી હવામાં ઠલવાય છે.

૩. ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક અસરો :
• છેલ્લાં ૫૦ વર્ષમાં હવામાનના ઉષ્મતામાનમાં ૧૦૦ ટકાનો વધારો નોંધાવ્યો છે. તેથી માત્ર આપણે ગરમી સહન કરવી પડે તેવું નથી. તેનાં કારણે સમગ્ર પૃથ્વીની વાર્ષિક સિસ્ટમમાં ભારે ગરબડ થઈ રહી છે.
• ૧૯૯૮ થી સતત દર વર્ષે સરેરાશ ઉષ્ણતામાન વધતું રહ્યું છે અને ૨૦૦૫નું વર્ષ સદીઓમાં સૌથી ગરમ વર્ષ સાબિત થયું હતું.
• ગરમીના કારણે ઉ.ધ્રુવની હિમાચ્છાદિત પર્વતમાળાઓ અને દક્ષિણ ધ્રુવના હિમાચ્છાદિત મેદાનો ઓગળી રહ્યાં છે. તેથી ધ્રુવપ્રદેશો ઠંડક ગુમાવી રહ્યા છે.
• હજારો વર્ષથી જરાય ન ઓગળેલો બરફ ઓગળીને મહાસાગરોમાં ઠલવાઈ રહ્યો છે. તેથી મહાસાગરના આંતરિક પ્રવાહો બદલાઈ રહ્યા છે અને જળચર સૃષ્ટિ નાશ પામી રહી છે.
• બરફ ઓગળવાથી મહાસાગરોમાં પાણીની સપાટી વધતી જાય છે. છેલ્લાં સો વર્ષમાં મહાસાગરોની સપાટી ૯ ઈંચ જેટલી વધી છે. તે આગામી બે-ત્રણ દાયકામાં છ ફુટ વધી જવાની શક્યતાઓ છે. તેથી કિનારાનાં અનેક શહેરોની ધરતી ડૂબી જશે.
• ઉનાળાઓ વધુને વધુ ગરમ થતા જશે એટલે ઉષ્ણતામાન ઊંચુ બનતું જશે. નાગરિકો જે ગરમીથી ટેવાયા ન હોય તેવી ભયાનક ગરમી પડવાથી હજારોની સંખ્યામાં મૃત્યુ પામશે. ૨૦૦૩માં માત્ર ગરમીથી ૩૫૦૦૦ મોત થયાં હતાં તે ૨૦૦૫ માં વધીને ૫૦,૦૦૦ થયાં હતાં.
• શિયાળો, ઉનાળો અને ચોમાસુ અસ્થિર તથા ઘાતક બની જતાં દરેક ઋતુના પાક નિષ્ફળ જશે અને અનાજની કારમી અછતથી વિશ્વવ્યાપી ભૂખમરો ફરી વળશે.
• ધ્રુવ પ્રદેશોની ઠંડી ઘટવાથી અને હવાની તથા મહાસાગરોની ગરમી વધવાથી ચોમાસાનાં વાદળોને આખા વિશ્વમાં ફેરવનાર વ્યાપારી પવનો વધુ ઘુમરી ખાતા થઈ જશે અને વિનાશક વાવાઝોડાં સેંકડોની સંખ્યામાં બનશે.
• વધતી ગરમીના પરિણામે હવામાં ભેજનું પ્રમાણ વધશે. પરિણામે મેલેરિયા, ડેન્ગ્યૂ, ફ્લૂ જેવા ચેપી રોગોના વાઈરસ વગેરે અનેકગણા વધુ પ્રમાણમાં જન્મશે અને ફેલાશે.
• વિજ્ઞાનીઓએ ધાર્યું હતું તેના કરતાં અનેકગણી વધુ ઝડપથી હવામાન અને ઋતુઓમાં પરિવર્તન આવી રહ્યું હોવાથી ઉપરોક્ત બધી જ ધારણાઓ કરતાં વધુ કારમા પરિણામો આગામી દશ કે પંદર વર્ષમાં પણ આવી શકે.

૪. ગ્લોબલ વોર્મિંગ ભારતને કેવું અને કેટલું નુકસાન કરી શકે ?
વર્તમાન અસરો :
• સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં અસાધારણ ગરમી અથવા અસાધારણ વરસાદ જોવા મળ્યો છે.
• ગરમી અને કાર્બન ડાયોક્સાઈડના ઊંચા પ્રમાણની માનવ આરોગ્ય અને પાકની ઉત્પાદકતા પર માઠી અસર.
• સમગ્ર ભારતમાં વરસાદની પેટર્નમાં ફેરફાર અનુભવાઈ રહ્યો છે અને “આઈલા” “ફીઆન” જેવાં વાવાઝોડાં વધુ વિનાશક બની રહ્યાં છે.
• બંગાળના અખાતમાં સમુદ્રની સપાટી વાર્ષિક ૩.૧૪ મિલીમીટરના દરે વધી રહી છે. જે ૨ મિલીમીટરની વૈશ્વિક સરેરાશ કરતાં ઘણી વધુ છે.
• પુષ્કરનું પ્રાચીન સરોવર સૂકાઈ જવાની ઘટના ભારત માટે આવનારા ખતરાની નિશાની છે.
• ગંગોત્રી હિમખંડ ચિંતાજનક ઝડપે પીગળી રહ્યો છે અને હિમાલયની હિમનદીઓ પીગળવાની પણ શરૂઆત થઈ ગઈ છે.
ભાવિ અસરો :
• પૃથ્વીનું તાપમાન સતત વધતાં ૨૦૫૦ સુધીમાં ચોમાસાની પેટર્ન સાવ બદલાઈ જશે અને મોટો વિનાશ નોતરશે.
• હિમાલયમાં આવેલા હિમખંડો સદીના અંત સુધીમાં અદ્દશ્ય થઈ જશે, જેને લીધે પહેલાં પૂર અને પછી ભયાનક દુષ્કાળ જોવા મળશે.
• આગામી ૩૦ વર્ષમાં ભારતનાં ૫૦ ટકા જંગલો સાફ થઈ જશે અને તેની સાથે જૈવવૈવિધ્ય પર વિનાશક અસરો જોવા મળશે.
• પૃથ્વીના તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થાય તો ઘઉંના ઉત્પાદનમાં ૧૪ ટકા અને ચોખાના ઉત્પાદનમાં ૧૫.૧ ટકાનો ઘટાડો થશે.
• પૃથ્વીના તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થાય તો વનસૃષ્ટિમાંથી ૧૫ થી ૨૦ ટકા પ્રજાતિઓનું અસ્તિત્વ ભૂંસાઈ જશે.
• વાઈરસને કારણે થતા નવા રોગ ફૂટી નીકળશે અને તેનો ફેલાવો તેમ જ તીવ્રતા માનવજાત માટે વિનાશક પુરવાર થશે.
ડૉ. દિલીપભાઈ મર્થક
લેખક શ્રી ગ્રામવિદ્યા મહાવિદ્યાલય, શારદાગ્રામ – માંગરોળમાં પ્રિન્સિપાલ છે.
સંકલનઃ કંચન કુંભારાણા
Path Alias

/articles/kaudaratai-aphata-galaobala-vaoramainganai-asarao

Post By: vinitrana
×