ચુસ્ત નીતિ-નિયમો દ્વારા આજે પણ જીવંત રહેલું બુડિયા ગામનું હાજીપીર તળાવ

ચુસ્ત નીતિ-નિયમો દ્વારા આજે પણ જીવંત રહેલું બુડિયા ગામનું હાજીપીર તળાવ

[img_assist|nid=47991|title=HAJIPIR LAKE|desc=|link=none|align=left|width=333|height=158]કચ્છ જિલ્લાના અબડાસાનું અંતરિયાળ ગામ બુડિયા એક દ્રષ્ટાંતરૂપ ગામ ગણી શકાય. કોઇપણ બાંધછોડ કર્યા વગર ગામના અગ્રણીઓએ નક્કી કરેલા નીતિ-નિયમોનું આજે પણ અહીં પાલન થાય છે. બુડિયા ગામ પાણી માટે આજે કોઇ પાસે હાથ લંબાવવા માનતું નથી. બુડિયા ગામની પાદરે તળાવમાં વચ્ચોવચ્ચ મોટો કુવો આવેલો છે જેમાં અમૃત જેવું મીઠું પાણી ઉપલબ્ધ છે.

૪૦૦ વર્ષ જુના આ ગામમાં અન્ય બે કુવા હતા, પરંતુ સમયાંતરે તે કુવાનું પાણી સૂકાઇ ગયુ. કોણીયારા વિસ્તારમાંથી આવતું પાઇપલાઇન વાટેનું પાણી ૨૨૦૦ ટી.ડી.એસ. વાળું હોવાથી ગામલોકોને આ પાણી પોતા માટે કે પશુઓ માટે સ્વીકાર્ય નથી. ગામમાં કોણીયારા બોરનું પાણી આવતું હોવા છતાં ગામલોકો એનો ઉપયોગ કરતાં નથી. જયારે પીવાના પાણીની ખેંચ થઇ ત્યારે ગામલોકોની પહેલથી 'પાણી થીએ પાંજો' કાર્યક્રમ સાથે જોડાયેલી સંસ્થાઓ આગળ આવી અને એક કુવો નિર્માણ પામ્યો જેમાં ૧૦% રકમ ગામલોકો તરફથી લોકભાગીદારી સ્વરૂપે મળી હતી.

પૂર્વ ઉપસરપંચ, લાલા-બુડિયા જુથ પંચાયત અને ગામના અગ્રણી સાલેમામદ ઓસમાણ મિયાં(સંઘાર) આ વિગતો આપતાં જણાવે છે કે, ગામવાસીઓએ 'પાણી થીએ પાંજો' કાર્યક્રમ સમક્ષ પાણીની જરૂરિયાતની દરખાસ્ત મૂકી ત્યારે સંસ્થાઓએ સહયોગ આપવાની તૈયાતી દર્શાવી જેના પરિણામે આજે આ મીઠા પાણીનો કુવો જોઇ શકાય છે.

સાલેમામદભાઇએ વધુ વિગત આપતાં જણાવ્યું કે, ગામની ભાગોળે આવેલા તળાવના કાંઠે એક મોટું બોર્ડ મુકવામાં આવેલું છે જેના ઉપર કુવા અને તળાવ સંબંધિત નીતિ-નિયમો દર્શાવવામાં આવેલા છે. કુવા માટેના નિયમોમાં દર પાંચ વર્ષે કુવાની સફાઇ કરવી, બુટ-ચપ્પલ પહેરી કદીયે કુવા પાસે ન જવું, પાણીનો ઉપયોગ ફકત પીવા માટે જ કરવો, કુવાના પાણીનો દુરુુપયોગ કરનાર વ્યકિતના પરિવારે દરગાહની સફાઇ કરવી ઉપરાંત રૂપિયા ૧૦૧/- પાણી સમિતિને દંડ પેટે આપવા જેની પહોંચ આપવામાં નહી આવે વગેરે બાબતોનો ઉલ્લેખ જોવા મળે છે. જયારે તળાવ અંગેના નીતિ-નિયમોમાં તળાવમાં બુટ-ચપ્પલ પહેરીને ન જવું, દર વર્ષે એપ્રિલ મહિનામાં તળાવ સાફ કરવું જેમાં ઘર દીઠ એક વ્યકિતએ આવવું, તળાવ સફાઇમાં ન આવનાર વ્યકિતએ કામ ઉપર આવતાં પ્રત્યેક વ્યકિતનો ચા-પાણીનો ખર્ચ તેમજ એક વ્યકિતની થતી મજૂરી પાણી સમિતિને જમા કરવાની રહેશે વગેરે જેવા નિયમો જોવા મળે છે. અંતમાં બોર્ડની નીચે લખેલું જોવા મળે છે કે, કુવા અને તળાવના મેન્ટેનન્શ ખર્ચ માટે ત્રણ વખત પાંખી પાડવામાં આવશે જેની આવક તળાવ અને કુવાના વિકાસ માટે વાપરવામાં આવશે. બુડિયા ગામના તળાવના કાંઠે આવેલા બોર્ડમાં દર્શાવેલા નીતિ-નિયમો કચ્છમાં ભાગ્યે જ કોઇ ગામડાંમાં જોવા મળતા હશે. આ ગામ કચ્છના અન્ય ગામો માટે દ્રષ્ટાંતરૂપ બની શકે એમ છે કારણ કે, કુવા ઉપર પંપ બેસાડવાની સ્પષ્ટ મનાઇ છે. આજની તારીખે ગરેડા દ્વારા દોરડાથી સીંચીને પાણી ભરવામાં આવે છે.

બુડિયા ગામમાં દરગાહના આદેશ મુજબ દૂધ કે પાણીનો વ્યાપાર કરવાની સ્પષ્ટ મનાઇ કરવામાં આવી છે. બુડિયા ગામના લોકો દૂધ વેંચતા નથી પણ ઘીનો વેપાર આ ગામમાં થાય છે. પાણીનો એક પણ ડબ્બો આજદિન સુધી ગામલોકોએ કોઇને વહેચ્યો નથી અને સાથે-સાથે ગામમાં ગુટખા, પાન-બીડી અને તમાકું ઉપર પ્રતિબંધ છે.

ગામલોકોએ સ્વેચ્છાએ વ્યસનોને તિલાંજલિ આપેલી છે. ગામના સાઇઠ વર્ષિય સીધીક ઇસ્માઇલ સંઘાર હાથમાં કુહાડી લઇને રોજ એક લટાર તળાવમાં મારે છે અને તળાવમાં કયાંય પણ ગાંડો બાવળ જોવા મળે તો તેને જડમૂળમાંથી કાઢી નાખે છે. આજે તળાવમાં એક પણ ગાંડો બાવળ જોવા મળતો નથી જેનો શ્રેય સીધીકકાકાને જાય છે.

બુડિયા ગામનાં લોકો પાણીનું મહત્વ જાણે છે. આજે પણ ગામમાં કોઇના ઘરે બાળકનો જન્મ થાય એટલે એ પરિવારના સભ્યો ૪૦ દિવસ સુધી કુવા ઉપર પાણી ભરવા જતાં નથી. ગામનો યુવક લગ્ન કરીને આવે એટલે પ્રથમ કુવા પાસે શ્રીફળ(નાળિયેર) વધેરીને પછી ઘરમાં પગલાં પડે છે. જો કે પીવાના પાણી અંગે સુખી એવું આ ગામ વપરાશના પાણી અંગે પરેશાન જરૂર છે. કોણીયારાનું વધારે ટી.ડી.એસ.વાળું પાણી ન વાપરવા અંગે સાલેમામદભાઇ જણાવે છે કે, મારા કાકા પાસે ૩૦૦ ઘેટાં-બકરા હતા પરંતુ આ પાણી પીવાને કારણે ફેફસામાં પાણી ભરાઇ જવાથી ૨૫૦ જેટલા ઘેટાં-બકરા મૃત્યુ પામ્યા છે. વધારે ટી.ડી.એસ. વાળા પાણીથી તરસ છીપતી નથી પરિણામે પશુઓ વધારે પાણી પી જવાથી આવા બનાવો બનતા હોય છે.

બુડિયા ગામના લોકોએ પોતાના કુવા-તળાવને ધર્મ સાથે જોડીને ત્યાં સ્વચ્છતા જાળવી રાખી છે. નિયમિતતા અને નીતિ-નિયમોને કારણે ટકાઉપણું મેળવ્યું છે અને પાણી જેવી સંવેદનશીલ બાબતે સ્વાયતતા કેળવી સ્વમાનભેર જીવન જીવે છે. અબડાસાનું આ બુડિયા ગામ કચ્છના અન્ય ગામો માટે દ્રષ્ટાંતરૂપ ગામ છે એ વાતમાં કોઇ સંદેહ નથી.

વિનિત કુંભારાણા
Path Alias

/articles/causata-naitai-naiyamao-davaaraa-ajae-pana-jaivanta-rahaelaun-baudaiyaa-gaamanaun

Post By: vinitrana
×